આરોગ્ય માટે ઉપકારી મોગર દાળ બાસમતી ચોખાની જુગલબંધી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ખાવા માટે જીવવાને બદલે વારસાગત આહારવ્યવસ્થા મુજબ જીવવા માટે ખાઈએ તો તંદુરસ્ત રહેવાય!
જીવનને સ્પર્શતાં તમામ ક્ષેત્રોમાં એકને એક પરિસ્થિતિમાં પડયા રહેવું અને તેને ચલાવી લેવાને બદલે નવાનવા અખતરા, સંશોધન, સુધારાવધારા કર્યે જવા એ માનવસ્વભાવ છે. તેના આ અભિગમને કારણે તેણે વિજ્ઞાન, ટેકનોલોજી, આરોગ્ય, આહાર એમ અનેક ક્ષેત્રે હરણફાળ ભરી છે અને આજે પ્રગતિના વર્તમાન તબક્કે આવીને ઊભો છે.
સાથેસાથે આરોગ્ય અને તંદુરસ્તીની વૃદ્ધિ તથા જાળવણી બાબતે પણ તે જાગૃત થતો ગયો છે. આ સંદર્ભમાં આરોગ્ય વિજ્ઞાન સાથે આહાર વિજ્ઞાનને સાંકળી લઈ નવાં સંશોધનો થતાં રહ્યાં છે અને વિવિધ અનાજ,દૂધ અને તેનાં ઉત્પાદનનો, ફળફળાદિ, શાકભાજી અને જડીબુટ્ટીઓનું પોષક મૂલ્ય કેટલું અને શારીરિક, માનસિક તંદુરસ્તી માટે તેનું મહત્ત્વ શું તેનું એક શા વિકસતું રહ્યું છે. સેંકડો વર્ષ પહેલાં અનુભવને આધારે આહાર વ્યવસ્થા ગોઠવાતી ગઈ હશે. સમય જતાં એમાં આરોગ્યનો અભિગમ અને એ પછી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ઉમેરાયો હશે. જોકે, આ દરમિયાન સ્વાદ એક મુખ્ય મુદ્દો રહ્યો હોય એમાં કોઈ બેમત ન હોઈ શકે!
ખાદ્ય પદાર્થોની ઉપલબ્ધિ,અનુભવ તથા આરોગ્ય અને વૈજ્ઞાનિક અભિગમના પરિપાકરુપે શરીરના સ્વાસ્થ્ય,વિકાસ અને વૃદ્ધિ માટે જરુરી સંપૂર્ણ અને સમતોલ આહારમાં પૌષ્ટિકતાને આધારે એકબીજાના પૂરક બને તેવા કયા ખાદ્ય પદાર્થ કયા પદાર્થની સાથે ખવાય તેનાં અનેક સંયોજનો (મેળવણી-કોમ્બિનેશન), તે કેટલા પ્રમાણમાં ખવાય, વ્યક્તિની ઉંમર, રુચિ અને આરોગ્ય તથા તુ મુજબ શા ફેરફાર કરવા વગેરેનું એક રસપ્રદ શા વિકસ્યું અને એમાં પાછી આંતરરાષ્ટ્રીય વાનગીઓ પણ ઉમેરાઈ.યાદ રહે કે આ પ્રક્રિયા સતત ચાલતી રહી છે અને તે આહારની એક કાયમી પરંપરામાં પરિવતત થતી જાય છે.
જરુરી પોષક તત્ત્વો શરીરને મળે તે માટે વિવિધ વાનગીઓનાં અનેક કોમ્બિનેશન છે એમાંથી રોજિંદા આહારમાં સમાવેશ થઈ શકે એવું એક છે મોગર દાળ અને બાસમતી ચોખાનું. સ્વાસ્થ્ય માટે ઉત્તમ કઠોળ મગની મોગર(પીળી) તથા છોતરાંવાળી (છિલ્ટી) એમ બે પ્રકારની દાળ બને છે. બન્ને પૌષ્ટિક છે.
પરંપરાથી મોગર દાળ અને બાસમતી ચોખા ભારત ઉપરાંત મધ્ય પૂર્વના દેશોમાં વ્યાપકપણે એક સાથે ખવાય છે. આપણે ત્યાં આ બન્ને ધાનમાંથી વિવિધ વાનગીઓ બને છે તે જાણીતું છે. પણ બન્નેને મેળવીને કોઈ વાનગી બનાવાય કે બન્નેને સાથે ખવાય ત્યારે તે લો- ફેટ, હાઈ ફાઈબર પ્રોટીનયુક્ત આહાર બને છે.મોગર દાળ અને બાસમતી પોષક તત્વોની દ્રષ્ટિએ તંદુરસ્તી માટે કેટલાં મહત્વનાં છે તે જોઈએ તોત.
(૧) મોગર દાળનું પોષકમૂલ્ય : આ દાળમાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં તો કાર્બોહાઈડ્રેટસ ઓછા પ્રમાણમાં છે.૧૦૦ ગ્રામ મોગર દાળમાં ૩૫૧ કેલેરી, ૧.૨ ગ્રામ ફેટ,૨૮ મિલિગ્રામ(એમજી) સોડિયમ, ૧૨ ગ્રામ ખાદ્ય ફાઈબર, ૦૩ ગ્રામ સુગર અને ૨૫ ગ્રામ પ્રોટીન હોય છે. ઉપરાંત તેમાં અન્ય વિટામિન અને મિનરલ્સ પણ હોય છે.
(૨) બાસમતીનું પોષકમૂલ્યથ બાસમતી સફેદ અને બ્રાઉન એમ બે પ્રકારના હોય છે. સફેદની તુલનાએ બ્રાઉન બાસમતી ચોખા વધુ સુગંધીદાર હોવા ઉપરાંત તેમાં ફાઈબરનું પ્રમાણ પણ વધારે હોય છે. બન્ને પ્રકારમાં ફાઈબર અધિક જ્યારે ફેટ ઓછી હોય છે. ૧૦૦ ગ્રામ સફેદ બાસમતીમાં ૩૪૯ કેલેરી, ૮.૧ ગ્રામ પ્રોટીન, ૦.૬ ફેટ, ૨.૨ ગ્રામ ફાઈબર અને ૭૭.૧ કાર્બોહાઈડ્રેટસ હોય છે. આટલાં પોષક તત્વોથી સમૃદ્ધ મોગર દાળ અને બાસમતીને એક સાથે આહારમાં લેતાં થતા લાભ આ મુજબ છે.
(૧) સ્નાયુઓની સુદ્રઢતામાં વધારો : શરીર ૨૦ અલગ અલગ એમિનો એસિડ દ્વારા પ્રોટીનનું સંર્શ્લેષણ(એકીકરણ) કરે છે. પરંતુ આમાંના નવ એમિનો એસિડ્સ એવા છે જે શરીરમાં પેદા થતા નથી.આ એસિડ્સ ખાદ્ય વનસ્પતિ(પ્લાન્ટ ફૂડ)માં જોવા મળે છે. કઠોળ અને વિવિધ દાળમાં લાયસિન નામક એમિનો એસિડ હોય છે. જ્યારે બાસમતીમાં સિસ્ટિન અને મથાઈનિન જેવા સલ્ફર બેઝ્ડ એમિનો એસિડ્સ હોય છે. આ જોતાં મોગર દાળ અને બાસમતી સાથે ખાવ તો પ્રોટીનના સંર્શ્લેષણમાં સહાય થાય છે. પરિણામે સ્નાયુ વધુ મજબૂત થાય છે.
(૨) હૃદયરોગ, ડાયાબીટીઝ, કબજિયાતનું ટળતું જોખમ : બાસમતી ચોખાઅને મોગર દાળમાં સારા એવા પ્રમાણમાં ફાઈબર હોય છે.જે હ્રદયરોગ અને ડાયાબીટીઝનું જોખમ ઘટાડે છે તથા ઈરિટેબલ બોવેલ સિન્ડ્રોમ (આંતરડાનો એક રોગ) અને કબજિયાત થતો થતો રોકે છે.દાળમાંના ફાઈબર આંતરડાંમાંના પિત્તરસ અને ડાયેટરી કોલેસ્ટ્રોલ સાથે ભળી જાય છે જેથી શરીર સરળતાથી મળઉત્સર્જન કરે છે અને કબજિયાત થતો નથી.આ ઉપરાંત, ખોરાકમાંના ડાયેટરી ફાઈબરથી ભૂખ નથી અને પેટ ભરેલું છે એવું લાંબા સમય સુધી લાગે છે, આથી, બિનજરુરીપણે ખાવાની ઈચ્છા થતી નથી અને આ રીતે વજન વધતું અટકે છે.
(૩) રોગપ્રતિકારક શકિતમાં વધારો : મોગર દાળમાં સોજારોધક અને કીટાણુનાશક ગુણ છે. મરીમસાલા સાથે રાંધેલી આ દાળ શરીરને હાનિકારક બેક્ટેરિયા, શરદી,વાયરસનો નાશ કરે છે. તો, બાસમતીમાં રેઝિસ્ટન્ટ સ્ટાર્ચ નામક ફાઈબર છે. જે લાભકારક બેક્ટેરિયાની આંતરડામાં વૃદ્ધિ થવામાં મદદ કરે છે. આથી આંતરડાં તંદુરસ્ત રહે છે અને સરવાળે રોગ પ્રતિકારક શકિત મજબૂત થાય છે.
(૪) એનિમિયાથી રક્ષણ : તમામ પ્રકારની દાળ અને કઠોળમાં સારા એવા પ્રમાણમાં લોહ(આયર્ન)તત્વ હોય છે. રક્તકણના ઉત્પાદન માટે આ તત્વ જરૂરી છે. મોગર દાળ શરીરને આવશ્યક આયર્ન પૂરું પાડી એનિમિયા થવાનું જોખમ ટાળે છે.
(૫) ચયાપચયની ક્રિયાની સક્રિયતા : શરીર આ ક્રિયા(મેટાબોલિઝમ) દ્વારા ખાદ્યેલા ખોરાકનું ઉર્જા(શક્તિ)માં રુપાંતર કરે છે. હળદર, જીરુ કે ધાણા સાથે રાંધેલી મોગર દાળ મેટાબોલિક પ્રક્રિયાને સક્રિય કરે છે. હળદર, ધાણા એવા મસાલા છે જે ચયાપચયના દરમાં વધારો કરે છે. જ્યારે બાસમતીમાં પણ થાઈમીન (વિટામીનબી ૧) અને નિયાસિન (વિટામીન બી ૩) છે જે મેટાબોલિઝમને સતેજ કરે છે.
(૬) વાળ અને ત્વચાની તંદુરસ્તીમાં વૃદ્ધિ : શિરકેશ મુલાયમ,લાંબા અને કાળા ભમ્મર હોય, ત્વચા સ્નિગ્ધ અને ચમકીલી હોય એ કોને ન ગમે? વિશેષ કરીને મહિલાઓ આ બાબતે વધુ સજાગ હોય છે. આ સંદર્ભમાં જોઈએ તો મોગર દાળમાં સારા એવા પ્રમાણમાં પ્રોટીન હોય છે. તેને રાંધતી વખતે તેમાં ઊમેરાતા મસાલામાં એન્ટીઓક્સિડન્ટ (શરીરને ઓક્સિકરણથી થતું નુકસાન અટકાવનાર રસાયણ)હોય છે. પ્રોટીન અને એન્ટીઓક્સિડન્ટ અને સાથે મળીને વાળ અને ત્વચાને તંદુરસ્ત રાખે છે. બાસમતીમાંના ફાઈબરથી આંતરડાની કામગીરી યોગ્ય રીતે થતી રહે છે. પરિણામે પેટ સાફ આવે છે અને એ રીતે શરીર કચરામુક્ત રહે છે. આમ, દાળ અને બાસમતી સાથે ખવાય તો ત્વચા તથા વાળની તંદુરસ્તી જળવાય છે.
બપોરના ભોજનમાં બાસમતી-મોગર દાળ ખવાય તે વધુ યોગ્ય સમય છે. રાત્રીના ભોજનમાં પણ તે ખવાય પરંતુ વધુ પ્રમાણમાં નહીં. કેમકે ચોખાને પચવા માટે વધુ સમય લાગે અને એથી અકળામણ થઈ શકે છે.
સેંકડો વર્ષો દરમિયાન ઘડાયેલી અને શરીરના આરોગ્ય તથા તંદુરસ્તીને અનુરુપ અને અનુકૂળ એવી આહારવ્યવસ્થા આપણને વારસામાં મળી છે ત્યારે માત્ર સ્વાદ અને ફક્ત જીભના ચટાકાને જ ધ્યાનમાં રાખીને ખાવા માટે જીવવાને બદલે વારસાગત આહારવ્યવસ્થા મુજબ જીવવા માટે જ ખાઈએ તો તંદુરસ્ત રહેવાય.અકાળે દવાઓ, હોસ્પિટલોના સહારે આયખું પૂરું કરવાની લાચારી ન આવે. જીવતર બોજારૂપ ન બને અને ''સર્વે ભવન્તુ સુખિન: સર્વે સન્તુ નિરામયા'' (બધા સુખી રહે, બધા રોગમુક્ત રહે) એવી વેદ વિભાવના સાર્થક કરવામાં યત્કિંચિત યોગદાન આપ્યાનો સંતોષ પણ મળી રહે.




