Sahiyar
નવવધૂના મેક-અપના મહત્ત્વના મુદ્દા
By GS Team
17 Aug 20264 mins read

મેકઅપ કરવો એ માત્ર કલા જ નથી, પરંતુ તમારી કલ્પના અને હકીકત બંનેનો સમન્વય કરીને કરેલું ક્રિએશન છે. મેકઅપ કરવાનો હેતુ તમારા સારા અંગોને વધુ સારા બતાવવાનો અને ઓછા સારા અંગોને છુપાવી શકવાનો હોય છે. સારો અને પરફેક્ટ મેકઅપ કરવા માટે તમારું અવલોકન, રંગોની પરખ અને મેકઅપને બ્લેન્ડ કરવાની આવડત જરૂરી છે. મેકઅપ કરવાની કલા એ કુદરતી ગિફટ હોવા કરતાં તેને સારી રીતે શીખી અને કેળવવી વધુ જરૂરી અને ઉપયોગી છે. તમારી નાનીસરખી ભૂલ પણ ફાઈનલ લુકને અસર કરે છે. તેથી મેકઅપ કરતી વખતે નીચેના મુદ્દા ધ્યાનમાં રાખો.
- સૌથી પહેલાં ફિચર્સનો સ્ટડી કરો.
- ત્વચાનો રંગ અને કપડાંનો રંગ ધ્યાનમાં રાખો.
- પ્રસંગ અને સમય (દિવસ કે રાત્રિ)ને ધ્યાનમાં રાખો.
- કેવા પ્રકારની લાઈટ્સ ફેસ કરવાની તે સમજી લો.
બ્રાઈડલ મેકઅપ સ્ટેપ બાય સ્ટેપ - સામાન્ય રીતે બ્રાઈડ મેકઅપ માટે આવે ત્યારે માનિસક રીતે ઉત્તેજિત અને શારીરિક રીતે થાકેલી હોય છે, કારણ કે લગ્નની તૈયારી અને પ્રસંગોના લીધે થતાં ઉજાગરા, થાકથી ત્વચા થોડી શુષ્ક હોય છે. તેને રીફ્રેશ કરવા માટે એક સરસ સીઝન પ્રમાણે તાજગી આપે તેવો ફેસપેક લગાવી દો. ફેસપેકને ૧૫-૨૦ મિનિટ રહેવા દો. તે દરમિયાન ડ્રેસના રંગ પ્રમાણે નેલપોલિશ કરી લો. પછી પેક વોશ કરીને મેકઅપ શરૂ કરો.
- વાળની હેરલાઈનમાં મેકઅપ જાય નહીં તેના માટે હેરબેન્ડ બાંધી લો. નેક પર નેપ્કિન મૂકી, બ્રાઈડને ચેર પર કમ્ફર્ટેબલ કન્ડિશનમાં બેસાડો.
- ચહેરા અને ગળા પર સારી રીતે મોઈશ્ચરાઈઝર લગાવો. બે-ત્રણ મિનિટ પછી જો ત્વચા ડ્રાય લાગે તો ફરી એકવાર મોઈશ્ચરાઈઝર લગાવો અને ત્વચા તૈલી લાગે તો કોલ્ડ કમ્પ્રેશન કે સહેજ આઈસ મસાજ કરો. જેથી છિદ્રો બંધ થાય અને મેકઅપ લાંબો સમય ટકી રહે.
- હવે આંખની આજુબાજુના ડાર્ક સર્કલ કે પિમ્પલના ડાઘા હોય તો તેના પર કન્સીલીયરિંગ સ્ટિક લગાવી કવર કરો.
- ત્વચાના રંગ અને ટોન પ્રમાણે ફાઉન્ડેશન લઈ ચહેરા અને ગળા પર લગાવી સ્પંજ કે આંગળીઓથી તેને બ્લેન્ડ કરી લો. તમારો આ બેસ એટલો પરફેક્ટ હશે કે ત્વચા એક કેન્વાસની જેમ ઇવનટોન થઈ જાય. તેના પર તમે મેક્અપ કરશો.
- ફાઉન્ડેશનની ઉપર હવે તે જ કલર અને ટોનનો ટ્રાન્સલુશન પાઉડર બ્રશ વડે લગાવો. જેથી તમારો બેસ સેટ થશે.
- સૌથી પહેલાં આઈ મેકઅપ શરૂ કરીએ. આઈબ્રો બ્રશથી આઇબ્રોને કોમ્બ કરી લો જેથી તેમાં લાગેલ ફાઉન્ડેશન અને પાઉડર નીકળી જાય. ડ્રાય આઈશેડો પાઉડર અથવા બ્લેક-બ્રાઉન પેન્સિલથી આઈબ્રોને શેપ કરી લો. શાઈની લુક માટે સહેજ ગોલ્ડન હાઈલાઈટરથી ટિંટ આપો.
- હવે આઈલેશિસને કોરા બ્રશથી શેપ કરી લો. પછી બ્લેક કે ડાર્ક બ્રાઉન મસ્કરાથી લેશિસને ડાર્ક કરો. બ્રશમાં ઓછો કલર લઈ બે કોટ કરો જેથી આઇલેશિસ સુંદર દેખાશે.
- પછીનું સ્ટેપ છે આઈશેડો. આઈશેડો આંખોને ઊંડાણ અને બ્રાઈટ લુક આપવા માટે કરીએ છીએ. પહેલાં આઈબોલ ઉપરના લિડ પર લાઈટ કલરના હાઈલાટરથી શેપ કરો. હાઈલાઈટર તરીકે ગોલ્ડન કોપર કે બ્રોન્ઝ કલરનો ઉપયોગ કરો. હવે ક્રીઝ લાઈન સુધીના એરિયામાં અને આંખોના બહારના ખૂણા પર સહેજ ડાર્ક કલર જેવા કે રેડ, મરૂન, કોપર કલરથી આઈશેડો કરો. બંને કલરને આઈશેડો બ્રશથી સરસ બ્લેન્ડિંગ કરો. છેલ્લે આંખની કીકીની ઉપરના આઇલિડના સેન્ટરમાં ગોલ્ડન હાઈલાઈટરથી સહેજ ડોટ મૂકી ઉપરની તરફ સ્ટ્રોક આપો. જેનું રિફલેકશન કીકી પર પડતાં આંખ ચમકીલી લાગે છે.
- હવે આઈલાઈનર બ્રશથી અંદરથી બહારની તરફ સહેજ ઉપર જાય તે રીતે લાઈન કરો. તેનાથી આંખોને બદામ જેવો આકાર મળશે. નીચેના આઇલિડની રિમ પર કાજલ પેન્સિલ કે સ્ટિકથી લાઈન કરી આઈ મેકઅપ પૂરો કરો.
- હવે ચહેરાને પરફેક્ટ શેપ આપવા માટે બ્લશર લગાવો. બ્લશર ચીકબોનને પેરેલલ સહેજ નીચે, અપવર્ડ ડાયરેકશનમાં લગાવો જેથી ચહેરો ઉપરની તરફ લિફટ થયેલો દેખાશે. આઈશેડો અને ડ્રેસિંગના કલરના મેચિંગ કલરનું બ્લશર લેવું. બ્લશરને પેરેલલ સહેજ હાઈલાઈટર લગાવો જેનાથી ત્વચા પર શાઇનિંગ આવશે અને ચીકબોન પ્રોજેક્ટ થશે. તેના પર ફરી એક વખત ટ્રાન્સલુશન પાઉડર લઈ બ્રશ ફેરવો.
- હવે ડ્રેસના કલર પ્રમાણે લિપસ્ટિક કરો. હોઠને રિલેક્સ કન્ડિશનમાં રાખીને પહેલાં લિપપેન્સિલથી શેપ કરો. ખૂણા સહેજ ઉપરની તરફ રહે તે રીતે શેપ કરો. ઉપરના હોઠ કરતાં નીચેનો હોઠ સહેજ મોટો લાગે તે રીતે શેપ કરી, લિપબ્રશથી લિપસ્ટિક લગાવો. તેના પર ટિશ્યૂ પેપર પ્રેસ કરી સેટ કરી લો. ફરી એકવાર લિપસ્ટિકનો કોટ કરો. હવે હોઠને પ્રોજેક્ટેડ બતાવવા માટે ગોલ્ડન સિમર કે આઈશેડોથી નીચેના હોઠના સેન્ટરમાં ડોટ્સ કરો.
- ગ્લો ટચ પાઉડરથી ચહેરાને બ્રશ કરી ફાઈનલ ટચ આપો.
- હવે બ્રાઈડલ લુક માટેનું સૌથી સુંદર અને જરૂરી એવું બિંદી ડેકોરેશન કરો. રેડી સ્ટોન, જરદોશી બિંદી લગાવો અથવા ઇચ્છો તો પેઈન્ટ બ્રશથી પીર બિંદી પેઈન્ટ કરો.
- બ્રાઈડના ચહેરાને અનુરૂપ હેરસ્ટાઈલ કરી જ્વેલરી પહેરાવો. ડ્રેસિંગ કરીને પરર્ફ્યૂમ કરી તમારો બ્રાઈડલ મેકઅપ ફરી એકવાર ચેક કરી લો.









