વરસાદની મોસમમાં સ્વાસ્થ્ય સંભાળ

આકાશમાં કાળા વાદળા છવાઇ ગયાં છે અને વીજળીના કડાકા તથા વાદળાના ગડગડાટ થઇ રહ્યાં છે. પણ ચિંતા કરો નહીં. આ સિઝનમાં અચાનક આવી જતી બીમારીઓ સામે પૂરી તૈયારી કરી લો.
સામાન્ય સમસ્યાઓ: શરદી, ખાંસી, તાવ અને મલેરિયા જેવો રોગો સામાન્યપણે આ ઋતુમાં જોવા મળે છે. તેની પાછળનું મહત્ત્વનું કારણ છે, વરસાદમાં પલળવું જે તમને ગળતું નાક લઇ પથારીમાં સુવડાવી દે છે. ઉપરાંત, રાત્રિના સમયે હવામાં રહેતા બેક્ટેરિયા પણ અસર કરે છે. લાંબા, ભીના વાળને કારણે પણ શરદીના વાયરસ અને સાયનસ થતું સ્ત્રીઓમાં જોવા મળે છે. અને જો તમારા ઘરની આસપાસ પાણીના ખાબોચિયાં ભરાયેલા હોય તો મેલેરિયા થવાની શક્યતા વધી જાય છે.
સાવચેતી: આ ઋતુમાં શરીરનું ખાસ રક્ષણ જરૂરી છે. તેથી જો તમે ડાયેટિંગ કરવા ઓછો ખોરાક ખાતા હો તો તમારું ડાયેટિંગ બંધ કરો. શરીરનું વજન વધુ ઝડપથી ઘટે તો પણ તેનાથી અવળી અસર થઇ શકે છે. જો તમારા ઘરમાં એરકંડીશનર હોય તો તેને વરસાદની ઋતુ શરૂ થતા પહેલાં જ સાફ કરાવી લો. તેમાં ભેજ અને પાણીને કારણે બેક્ટેરિયા અને ફૂગ ઉત્પન્ન થઇ શકે છે. વાસી ખોરાક ખાવાનું ટાળો. ઠંડા પીણા પણ પીવા નહીં. બને તો ચા, કોફી અને ગરમ સૂપ જેવી વસ્તુઓ પીવાનું રાખો. એ વાતની ખાતરી કરી લોકે તમારા ઘરની આસપાસ પાણીના કોઇ ખાબોચિયાં નથી.
ગંભીર સમસ્યાઓ: ગેસ્ટ્રો એન્ટેરીટીસ, હિપેટાઇટીસ એ અને ઇ, ટાઇફોઇડ, ડાયેરિયા, કમળો, લેપ્ટોસ્પાયરોસીસ જેવા રોગો વરસાદી મોસમમાં સૌથી વધુ ચેપી રીતે ફેલાય છે. ખાધેલા વાસી આહાર કે ખરાબ પાણીને કારણે આ રોગો ઝડપથી ફેલાય છે. જ્યારે ગટરનું પાણી પીવાના પાણીની લાઇનમાં ભળી જાય છે, ખાસ કરીને ચોમાસામાં આવું બનવાની શક્યતા વધુ હોય છે ત્યારે આ રોગનો ચેપ ઝડપથી ફેલાય છે અને ગંભીર બની જાય છે.
સાવચેતી: ખુલ્લા ખાદ્ય પદાર્થો કે પીણાં પીવાનું ટાળો. પાણીને ઊકળે ત્યાં સુધી ગરમ કરો અને પછી ગાળીને પીઓ. બહારનો જે બરફ ખાઓ તે વિશે સંભાળો કારણ કે તે કેવા પાણીમાંથી બનેલો હોય છે, તેની જાણ થઇ શકતી નથી. સલાડ કે દાળ નળના પાણી નીચે ધુઓ નહીં. તેનાથી ચેપ ફેલાવાનો ડર રહે છે. ઘરમાં સ્વચ્છતા જાળવી રાખો. જો કોઇને રોગ કે ચેપ લાગ્યો હોય તો નેપકીન અને ટુવાલ જુદા રાખો. જો સગર્ભા મહિલાને હિપેટાઇટીસ એ થાય તો તે જીવલેણ બની શકે છે. તેથી ખૂબ સાવચેતી રાખવી.
ત્વચાના રોગો: સામાન્યપણે ફૂગ અને બેક્ટેરીયાને કારણે ત્વચા ઉપર ચેપ લાગે છે. વધુ પડતી ભીનાશ અને ભેજને કારણે સાથળના સાંધા, સ્તનની નીચે અને બગલમાં ફૂગને લીધે ચેપ લાગી શકે છે. જો હવા પસાર થઇ શકે નહીં તેવા રબરના શૂઝ પહેરો તો પરસેવાને કારણે દુર્ગંધ ઊભી થાય છે, જે ચેપ ફેલાવે છે.
સાવચેતી: ખૂબ જ ટાઇટ હોય કે નાયલોનના હોય તેવા વસ્ત્રો પહેરવા નહીં, જે જલદી સૂકાય નહીં. ટાઇટ જિન્સ ભીનું થઇને જલદી સૂકાતું નથી તેથી તે પહેરવું નહીં. સારા જૂતા ખરીદો, જેમાંથી હવા પસાર થઇ શકે અને જો તે ભીના થઇ જાય તો સૂકાઇ ગયા પછી જ પહેરો. આખા શરીરે અને પગની આંગળીઓની વચ્ચે પણ દરરોજ એન્ટી બેક્ટેરીયલ કે એન્ટી ફંગલ પાઉડર લગાડો.









