Get The App

મૂંઝવણ .

Updated: Dec 22nd, 2025

GS TEAM

Google News
Google News
મૂંઝવણ                                                               . 1 - image

- મારા પતિ મારાથી 15-16 વર્ષ મોટા છે તેમજ દેખાવડા પણ નથી. મારાં લગ્ન મારી પસંદગીથી થયાં નથી, પરંતુ આ દરમ્યાન મારે મારા પાડોશમાં રહેતા એક  છોકરા સાથે પ્રેમ થઇ ગયો. હું મારા પતિને પણ છોડવા નથી ઇચ્છતી. 

પ્રશ્ન: હું વીસ વર્ષની પરિણીત યુવતી છું. મારાં લગ્ન થયે પાંચ મહિના જ થયા છે. છતાં મને હજી સુધી સહવાસ દરમ્યાન સુખ નથી  મળ્યું. તેમજ ક્યારેય સહવાસની ઇચ્છા પણ થતી નથી. લગ્ન પહેલાં  મને પ્રદર અને પ્રમેહની બીમારી હતી. મને  મનોમન એ ડર  પણ છે કે, ક્યાંક પતિને  એનો ચેપ ન લાગી જાય. શું આ રીતે  કોઇ જાતની રુચિ વિના સહવાસ કરવાથી હું ગર્ભવતી થઇ શકીશ?

એક યુવતી  અમદાવાદ

ઉત્તર: સહવાસ પ્રત્યે અરૂચિ થવા પાછળ ચોક્કસ કોઇ માનસિક કારણ હશે જ. એક કારણની જાણ તો તમારા પત્ર દ્વારા જ થઇ છે કે, તમને શંકા છે કે તમારા પતિને પ્રદરનો ચેપ તો નહીં લાગે ને? સહવાસમાં પૂર્ણ આનંદ મેળવવા માટે તમે માનસિક રીતે એમાં રુચિ દાખવો એ અત્યંત જરૂરી છે. સહવાસ દરમ્યાન મનમાંથી ચિંતા  અને શંકા દૂર કરી દો અને એ દરમ્યાન કોઇ પણ પ્રકારનું વિધ્ન ઉત્પન્ન ન થાય કે તેની આશંકા પણ  ન થાય, એ વાતનું ધ્યાન રાખો.

તમારા પતિને ચેપ લાગી જશે, એ શંકા તમારા મનમાંથી દૂર કરવા માટે તમારા ડૉક્ટરની તપાસ  કરાવો અને જરૂર લાગે તો દવા પણ કરાવો. ત્યાર પછી નિશ્ચિત મને  સહવાસનો આનંદ માણો. હવે ગર્ભ રહેવાની વાત કરીએ તો, આ પરિસ્થિતિમાં પણ ગર્ભ તો રહી શકે છે. કારણ કે આ તો માત્ર એક ભૌતિક ક્રિયા છે, જેનો મન સાથે કોઇ સંબંધ નથી. જ્યારે આનંદ  એક એવી અનુભૂતિ છે, જેનો સંબંધ શરીર કરતાં મન સાથે વધુ છે.

પ્રશ્ન: હું ૨૫ વર્ષની પરિણીત  અને એક દીકરીની માતા છું. મારા પતિ મારાથી ૧૫-૧૬ વર્ષ મોટા છે તેમજ દેખાવડા પણ નથી. મારાં લગ્ન મારી પસંદગીથી થયાં નથી, પરંતુ આ દરમ્યાન મારે મારા પાડોશમાં રહેતા એક  છોકરા સાથે પ્રેમ થઇ ગયો. હું મારા પતિને પણ છોડવા નથી ઇચ્છતી. મને એમના તરફથી શારીરિક અને આર્થિક રીતે સંતોષ છે, પરંતુ હું એમની સાથે ભાવનાત્મક રીતે  તાદાત્મય સાધી શકતી નથી. કોઇ માર્ગ બતાવશો?

એક બહેન 

જવાબ: હવે તમે પુખ્ત વયનાં છો અને સારાખોટાનો ભેદ સમજી શકો તેમ છો. તમે જે માર્ગ અપનાવ્યો છે એ તમારા હિતમાં નથી, એનો ખ્યાલ તમને હોવો જોઇએ. તમે તમારા સુખી અને સંપન્ન દામ્પત્યજીવન પ્રત્યે વધુ ધ્યાન આપો. આવા અનૈતિક સંબંધો દુ:ખદાયી જ હોય છે.

પ્રશ્ન: હું કૉલેજમાં અભ્યાસ કરતી ૨૦ વર્ષની નવયુવતી છું. મારી સમસ્યા એ છે કે, હું જે યુવકને પ્રેમ કરું છું, તેની સાથે જ લગ્ન કરવા ઇચ્છું છું, પરંતુ એ યુવક મારી સાથે લગ્ન કરવાની ના કહે છે. જોકે એ મારી સાથે શારીરિક સંબંધ બાંધવા તૈયાર છે, પરંતુ મને એ સ્વીકાર્ય નથી. એ મારી સાથે હવે વાત પણ નથી કરતો. હું  એના વિના રહી શકું એમ નથી. આ કારણસર અભ્યાસમાં પણ મારું ચિત્ત નથી ચોટતું.

એક યુવતી (સૂરત)

જવાબ: લગ્ન પહેલાં કોઇની સાથે શારીરિક સંબંધ બાંધવાની સલાહ અમે આપતા નથી. જો એ યુવક ખરેખર તમને પ્રેમ કરતો હોય તો આવા અનૈતિક સંબંધો બાંધવા તૈયાર  થતા નહીં, માટે તમે એના તરફ ધ્યાન ન દેતાં તમારા અભ્યાસમાં ધ્યાન આપો.

પ્રશ્ન: હું ૨૪ વર્ષની પરિણીત છું. અમારા લગ્નને સાત વર્ષ થયાં છે. એક દીકરી પણ છે. મારા પતિને છેલ્લાં ૧૨-૧૩ વર્ષથી દારૂ, અફીણ વગેરેનો નશો કરવાની કુટેવ છે. લગ્ન પહેલાં અમને આ વિશે કોઇએ કંઇ જણાવ્યું નહોતું. જોકે મારા પતિ મને તથા મારી દીકરીને  અનહદ પ્રેમ કરે છે. ચાર મહિના પહેલાં હું મારી દીકરીને લઇને પિયર આવતી રહી હતી. મને હતું કે, કદાચ તેઓ અમારા વિના નહીં રહી શકે અને વ્યસનની કુટેવ છોડી દેશે, પરંતુ  એમણે તો અમારી તરફ બિલકુલ ધ્યાન આપ્યું નહીં, તેમ જ પહેલાં કરતાં વધુ નશો કરવા લાગ્યા છે?  મારા ભાઇની ઇચ્છા છે કે, હું છૂટાછેડા લઇ લઉં, પરંતુ હું એમને સુધારવા માંગું છું. હું શું કરું?

એક યુવતી (વડોદરા)

જવાબ: છૂટાછેડા લેવાથી કોઇ લાભ નથી, તેમજ ફરીથી લગ્ન કરવું પણ સહેલું નથી. તમે જો પતિને સુધારવા જ માંગતા હો તો એમની સાથે રહીને ધીમે-ધીમે એમને સમજાવવાનો પ્રયત્ન કરતાં રહો. પતિની કુટેવ છોડાવવા તમારે ખૂબ ધીરજ રાખવી પડશે. જૂની કુટેવ ચમત્કારિક રીતે એકદમ ઝડપથી દૂર થતી નથી, પણ ધીમે ધીમે ઓછી થતાં દૂર થાય છે.

- અનિતા