Sahiyar

ગ્રીન હર્બ્સ : સ્વાદ અને સ્વાસ્થ્ય

By GS Team
3 Aug 20264 mins read
ગ્રીન હર્બ્સ : સ્વાદ અને સ્વાસ્થ્ય

આપણે ભોજનની સાથે મોટાભાગે ગ્રીન હર્બ્સનો ઉપયોગ કરીએ જ છીએ. તે માત્ર આપણા ભોજનને સોડમદાર જ નથી બનાવતા, પરંતુ તેનો સ્વાદ પણ વધારે છે. તે સિવાય આ હર્બ્સ કેટલાંય પ્રકારની બીમારી સામે આપણું રક્ષણ કરે છે. આવો, જાણીએ વિવિધ હર્બ્સ દ્વારા આપણને શું લાભ થાય છે.
તમાલપત્ર
તમાલપત્રનું વૃક્ષ ડાર્ક ગ્રીન રંગનું હોય છે અને તેનાં પાંદડાં ઘણાં મોટાં હોય છે. આપણે તેના સુકાયેલા પાંદડાનો ઉપયોગ આપણા ભોજનમાં કરીએ છીએ. તેનો ઉપયોગ બિરયાની, સૂપ, સી-ફૂડમાં ફ્લેવર માટે કરવામાં આવે છે.
તમાલપત્રને પાણીમાં ઉકાળ્યા પછી તે પાણીમાં કપડાંને પલાળીને છાતી પર તેનો શેક લેવાથી ચેસ્ટ ઇન્ફેક્શન, ફ્લૂ, શરદીસળેખમ અને ટીબીમાં રાહત મળે છે. ઘા, મચકોડ, સોજો, પીઠનો દુખાવો વગેરેમાં તમાલપત્રના પાનના તેલથી માલિશ કરવાથી આરામ મળે છે.
કપૂરનાં પાન
તે નાની સાઈઝનો છોડ હોય છે અને તેનાં પાન લાંબા અને મુલાયમ હોય છે. વેજિટેબલ સૂપ, સોસ વગેરેમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. ટમેટાં અને ચીઝ સલાડ ઉપરાંત ચીઝ આમ્લેટ અને પિત્ઝામાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. રોસ્ટેડ ચિકન અને ફિશમાં ફ્લેવર લાવવા માટે પણ ઉપયોગમાં લેવાય છે. કેટલાંક દેશમાં પિત્ઝા ગાર્નિશ કરવા માટે પણ કપૂરના પાનનો ઉપયોગ કરવામાં આવે છે.
ભૂખ વધારવામાં પણ તે ઉપયોગમાં લેવાય છે. તાજેતરમાં થયેલા સંશોધનમાં બહાર આવ્યું છે કે કપૂરનો ઉપયોગ યાદશક્તિ વધારે છે. ગળાના છાલા મટાડવામાં પીરિયડ્સને નિયમિત કરવામાં, તાણ અને હતાશા ઘટાડવામાં, પાચનશક્તિ સુધારવામાં પણ ગુણકારી છે. જે મહિલાઓને મેનોપોઝના લીધે વધારે પરસેવો થતો હોય, તેમણે તેની ચા દિવસમાં એકથી વધુ વાર પીવાથી આરામ મળશે. તેના પાણીથી કોગળા કરવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે.
તુલસી
તેનાં પાન સ્વાદમાં તીખાશવાળા સામાન્ય મીઠા હોય છે. તેનો ઉપયોગ સલાડ, સૂપ, પાસ્તા, સોસ વગેરેમાં કરવામાં આવે છે.
તુલસીના કેટલાંય ઔષધીય લાભ છે. તે ભૂખને સતેજ કરવામાં મદદરૂપ છે. ખરાબ પેટનો અક્સીર ઈલાજ છે. ચાઈનીઝ મેડિસિનમાં તુલસીનો ઉપયોગ કિડની પ્રોબ્લેમ અને ગમ અલ્સર માટે પણ કરવામાં આવે છે. શ્વાસ સંબંધિત સમસ્યા સિવાય ટીબી અને કફમાં પણ તે લાભદાયક છે. શરદી અને ફ્લૂને મટાડવાની ક્ષમતા પણ તેમાં છે. પાચન-ક્રિયા પણ સુધારે છે.
પાર્સલ (અજમો)
તે જોવામાં ડાર્ક રંગના હોય છે. તેની સુગંધ ખૂબ તેજ હોય છે. આપણે તેનો ઉપયોગ દરેક પ્રકારના સલાડમાં કરી શકીએ છીએ. સૂપને ગાર્નિશ કરવાનો હોય કે ફિશ કરીને, તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેને વધારે ન પકાવવા જોઈએ, નહીંતર તે પોતાનો રંગ અને અસર ગુમાવી દે છે. અજમાના તેલમાં ઔષધીય ગુણ હોય છે.
યૂરિનરી ટ્રેકની ટ્રિટમેન્ટ માટે અજમાનો થેરેપ્યૂરિક ઉપયોગ કરી શકાય છે. કિડની અને ગોલ બ્લેડર સ્ટોન્સમાં પણ તેનો ઉપયોગ લાભદાયક રહે છે. જો મહિલાઓને પીરિયડ્સ ઓછા અને અનિયમિત આવતા હોય, તો અજમાનું સેવન કરી શકાય છે.
ટેરગન
તેનાં પાંદડાં લાંબા અને પાતળાં હોય છે. તેની સુગંધ વરિયાળી જેવી હોય છે. ફ્રેન્ચ કુકિંગમાં ટેરગનનો ઉપયોગ કરવામાં આવે છે. ફ્રેન્ચ સોસ, વિનેગર, અથાણાં સિવાય રોસ્ટેડ ચિકનમાં પણ તેનો ઉપયોગ ખાસ કરવામાં આવે છે. તેને ટમેટાં, ઈંડાં કે ચીઝની ડિશમાં પણ મિક્સ કરી શકાય છે.
દાંતના દુખાવા અને પેટની સમસ્યા માટે પણ ટેરગનનો ઉપયોગ લાભપ્રદ રહે છે. તેનો ઉપયોગ પીરિયડ્સ વધારવા માટે પણ કરવામાં આવે છે. તે ભૂખ વધારવામાં પણ મદદરૂપ છે અને શરીરમાંથી ઝેરી તત્ત્વોને બહાર કાઢે છે.
ડિલ (સુવા)
તેનો છોડ લાંબો અને સુંદર હોય છે અને પાંદડાં સુગંધીદાર. અથાણાં, બીટના સૂપ વગેરેમાં તેનો ખૂબ ઉપયોગ કરવામાં આવે છે. સલાડનું ડ્રેસિંગ, સીફૂડ, મેશ્ડ પોટેટોઝ, સેન્ડવિચ, સ્ટફડ ચિકનમાં પણ ડિલનો ઉપયોગ કરી શકાય છે.
પેટની સમસ્યા અને ગેસ્ટ્રોઇંટેસ્ટાઈનલ ડિસોર્ડરમાં પણ ડિલનું સેવન લાભદાયક છે. અનિદ્રામાં પણ તે લાભદાયક પુરવાર થાય છે. ઘા પર એન્ટિસેપ્ટિકનું કામ કરે છે. તેના સેવનથી હેડકી બંધ થઈ જાય છે.
લવંડર
તેનો છોડ નાનો હોય છે, જેની ડાળીઓ લાંબી હોય છે. તેમાં નાનાં-નાનાં પર્પલ કલરનાં ફૂલ ઊગે છે. તેને જ લવંડર કહેવાય છે. લવંડરનો ઉપયોગ ચા, કુકીસ અને મીઠાઈઓમાં કરવામાં આવે છે.
ભૂખ ઓછી લાગવી, ઈનસોમનિયા, સર્કુલેટરી રિસોર્ડર જેવી બીમારીઓમાં લવંડરનો ઉપયોગ લાભદાયક છે. માઈગ્રેન અને ઊંઘ સંબંધી સમસ્યાઓમાં પ્રાચીન કાળથી તેનો ઉપયોગ થતો રહ્યો છે.
ઓરિગેનો (અજમાનાં પાન)
તે નાનકડો છોડ હોય છે. તેનાં પાંદડાં નાનાં અને ડાર્ક લીલા રંગના હોય છે. તે સુકાયેલા સ્વરૂપે વધારે ઉપયોગમાં લેવાય છે, પરંતુ હકીકત એ પણ છે કે તાજાં પાંદડાં વધારે તેજ હોય છે. ઓલિવ ઓઈલ, ટોમેટો સોસ, ચીઝ વગેરેમાં ફ્લેવર ઉમેરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.
બંધ નાક અને કફમાં ઓરિગેનોનો ઉપયોગ લાભદાયક રહે છે. પીરિયડ્સમાં થતાં દુખાવામાં પણ લાભદાયક પુરવાર થયો છે.
રોઝમેરી (બારમાસી)
તેની ડાળીઓ લાંબી હોય છે. તેનાં પાંદડાં નાનાં અને અણીદાર હોય છે. હર્બલ વિનેગર બનાવવું હોય કે કંઈક રોસ્ટ કરવું હોય, રોઝમેરીના ફ્લાવર વગર તેમાં સ્વાદ નથી આવતો. અપચાની ફરિયાદ હોય કે માથાનો દુખાવો અથવા માઈગ્રેનથી છુટકારો ન મળતો હોય તો રોઝમેરીનું સેવન લાભદાયક રહેશે.
ફુદીનો
તેનાં પાંદડાં ડાર્ક લીલા રંગના હોય છે. મીઠાઈ, ફ્રૂટ સલાડ, ચા સિવાય ગાર્નિશિંગ માટે પણ ફુદીનાનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ અપચો, શરદીસળેખમ, લૂ, બંધ નાક જેવી સમસ્યામાં અસરકારક છે.
ચર્વિલ
તે સામાન્ય હર્બ નથી, તેમ છતાં તેની ફ્લેવર ખૂબ સારી અને ખાવામાં ટેસ્ટી હોય છે. સ્કિન પર પરનેસ દૂર કરવા, ફોલ્લીઓ અને એગ્ઝીમા માટે તે લાભદાયક છે. સ્કિન ટોનર અને ફ્રેશનર તરીકે પણ તેનો ઉપયોગ કરી શકાય છે.