ગજમુખથી વિઘ્નહર્તા સુધી : જીવન અને સંબંધોનું ઉત્તમ મેનેજમેન્ટ

- રિલેશનના રિ-લેસન- રવિ ઇલા ભટ્ટ
- જો દરેક મનુષ્ય બીજાના જીવનમાંથી મુશ્કેલીઓ ઘટાડવાનો પ્રયાસ કરે, સંબંધોમાં સાંભળવાની ધીરજ કેળવે, કડવાશ પચાવવાનું શીખે અને પોતાની વાણી પર સંયમ રાખે, તો તે પોતે પોતાના પરિવાર અને સમાજ માટે વિઘ્નહર્તા બની શકે છે. ગણેશજીનું આ દર્શન જ્યારે માણસના રોજિંદા આચરણમાં ઊતરે છે, ત્યારે સંબંધો ગાઢ, મધુર અને દીર્ઘાયુ બને છે.
વિઘ્નહર્તા વિનાયક શ્રી ગણેશજીનું આગમન થઈ ગયું છે. દર વર્ષે જેની આતુરતાથી રાહ જોવાતી હોય છે તે શ્રીજીની ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે. દેશભરમાં ગણેશભક્તોના ઘરમાં અને જાહેર પંડાલોમાં ભગવાન ગણપતિની અદ્વિતિય મૂતઓ બિરાજમાન થઈ ગઈ છે. અબાલ વૃદ્ધ સૌ ગણપતિ બાપ્પાના સાનિધ્યમાં અદ્વિતિય ભક્તિ અને તેના આનંદમાં તરબોળ થઈ જશે. ભગવાન ગણેશજીને જ્યારે આરામથી જોઈએ ત્યારે સમજાશે કે તેમના સર્જનથી શરૂ કરીને આપણે તેમની મૂતઓનું વિસર્જન કરીએ છીએ ત્યાં સુધીની યાત્રાને સમજીએ તો તેમાંથી ઘણું જાણવા મળે છે. ભગવાન ગણેશના ગજમુખથી શરૂ કરીને વિઘ્નહર્તા સુધીના જીવનકવન કોઈપણ વ્યક્તિના જીવન અને સંબંધોનું ઉત્તમ મેનેજમેન્ટ સાબિત થાય તેમ છે.
ભગવાન ગણેશના જન્મની કથા આપણે સૌ જાણીએ છીએ. માતા પાર્વતીએ સ્નાન કરવા દરમિયાન પોતાના શરીર પરના મેલમાંથી તેમનું સર્જન કર્યું. આપણી વેદોક્ત પરંપરા સાથે જોડાયેલી કથાઓ આવી જ વાત કરે છે. તેનો ગુઢાર્થ સાવ અલગ જ છે. આ અર્થ જ્યારે માણસ પામી જાય છે ત્યારે તે પોતે પણ નિરાકાર થઈ જાય છે. ગણેશજીના જન્મ પાછળનો તર્ક એવો પણ છે કે, આપણી બુદ્ધિ શરીરની જેમ પાંચ તત્ત્વોમાંથી બનેલી છે. શરીર જેમ પૃથ્વી, અગ્નિ, વાયુ, જળ અને આકાશમાંથી બનેલું છે. તેમ આપણે બુદ્ધિ પણ શબ્દ, સ્પર્શ, રસ, ગંધ અને રૂપમાંથી બનેલી છે. મહાદેવ શિવ જ્યારે હઠે ચડેલા ગણેશનો શિરચ્છેદ કરે છે ત્યારે તે પ્રાકૃતિક રીતે વિકાર પામેલી બુદ્ધિનો નાશ કરે છે. ત્યારબાદ દુનિયાને સત્ય સમજાવવા અને ઉપદેશ આપવા માટે પોતાના સંતાનના ધડ ઉપર હાથીનું મસ્તક મુકે છે. આપણું મન અને બુદ્ધિ એટલે પાર્વતિએ જન્મેલા સ્થુળ ગણેશ. સાયકોલોજીમાં જેને કોન્સિયસ અને સબકોન્સિયસ માઈન્ડ કહેવાય છે. તેવી જ રીતે ભગવાન શંકરે કોન્સિયસ માઈન્ડ એવા ગણેશનો શિરચ્છેદ કર્યો અને તેમને સબકોન્સિયસ બનાવ્યા. માણસનું પણ સબકોન્સિયસ માઈન્ડ જાગ્રત થઈ જાય તો તે પણ મહાનતાની સીડીઓ ચડી શકે છે.
ગજાનન તરીકે ઓળખાતા ભગવાન ગણેશને હાથીનું મુખ લગાવાયું તેની પાછળ પણ અનેક તર્ક રહેલા છે. તેમનું જીવન અને કવન પણ અનેક બોધપાઠ આપનારું છે. હાથીનું માથું મોટું, કાન મોટા, સુંઢ લાંબી, પેટ મોટું, આંખો ઝીણી. આ બધી જ બાબતો ગજાનન એટલે કે હાથી જેવું મુખ ધરાવનારા ભગવાન ગણપતિ પાસે પણ છે. તેઓ માત્ર પોતાના આકાર થકી આપણને જીવનના પ્રેક્ટિકલ સોલ્યુશન આપે છે. તેઓ મોટું મુખ ધરાવે છે જે તેમની વિશાળતાનું પ્રતિક છે. મોટું મસ્તક મોટા મગજ અને વિશાળ બુદ્ધિનું પણ પ્રતિક છે. સૌથી પહેલાં તો તેમની ઝીણી આંખો. આ આંખો સુક્ષ્મતાના ભાવને ઉજાગર કરે છે. આપણે જીવનમાં દરરોજ સામે આવતી પરિસ્થિતિઓને જોઈ ન જોઈ કરીને જવા દઈએ છીએ. મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ઉપર ઉપરથી જોઈને નિરાશા વ્યક્ત કરીએ છીએ. જ્યારે આ એકદ્રષ્ટા ગણેશ તમામ સ્થિતિને એક જ નજરે અને આંખો ઝીણી રાખીને જૂએ છે. તે દરેક બાબતને સુક્ષ્મતાથી જોઈ, જાણી અને સમજીને આગળ વધે છે.
ગજાવક્ર એટલે કે હાથી જેવા લાંબી સુંઢ ધરાવતા ગણેશજી જણાવે છે કે, કોઈપણ બાબત હોય તેને પહેલાં ઝીણી આંખે તપાસી લેવી. ત્યારબાદ લાંબી સુંઢ એટલે કે આંતરિક સમજ થકી તેના મર્મને જાણી લેવો. કોઈપણ બાબત હોય તેની ગંધ પહેલેથી પારખી જવી પછી જ પ્રતિક્રિયા આપવી કે ક્રિયા કરવી. સામેની વ્યક્તિ કે આસપાસની વ્યક્તિઓ ગમે તેવાં ગતકડાં કરે પણ આપણી સમજશક્તિ એટલી સારી હોવી જોઈએ કે, જે નજરની સામે નથી તેને પણ પામી જઈએ અને સત્યને સમજી જઈએ. ગજકર્ણ ગણેશની જેમ મોટા કાન થકી દુનિયામાંથી જે પણ જ્ઞાાન મળે છે તેને ગ્રહણ કરી લેતા શીખવું પડે. હાથીના કાનને સુપડા જેવા કાન કહીએ છીએ. સુપડાનો મૂળ ગુણધર્મ શું છે તે જાણો છો. સુપડાનો મૂળ ગુણધર્મ છે કચરો અને ફોતરાં ઉડાડી નાખવા અને દાણાને ગ્રહણ કરવા. તેવી જ રીતે દુનિયામાં તમામ પ્રકારની બાબતો અને માહિતી મળતા હોય છે,આપણે બુદ્ધિનો ઉપયોગ કરને એટલું જ ગ્રહણ કરવાનું છે જે આપણને લાભદાયક કે હિતકારી હોય. આપણા જ્ઞાાનમાં વધારો કરતી બાબતોને જ આપણે ગ્રહણ કરવી જોઈએ.
લંબોદર એટલે કે વિશાળ પેટ. ગણેશજીનું પેટ વિશાળ હતું. તેમાં તમામ બાબતો પણ સમાઈ જતી હતી. કોઈપણ વ્યક્તિ કોઈપણ બાબત લઈને આવે, કંઈપણ વાત જણાવે તો તેઓ પેટમાં સમાવી લેતા. તે ક્યારેય બહાર આવતી નહીં. તેમને ક્યારેય કોઈની વાત બીજાને કે બીજાની વાત ત્રીજાને કહેવાનું પસંદ નહોતું. કોઈ પોતાનો ઉભરો ઠાલવ જાય, પોતાની પીડાને જણાવી જાય તો તેઓ શાંતિથી સાંભળી લેતા. તેનાથી સામેની વ્યક્તિને સાંત્વના મળતી. આપણે પણ આવી જ આવડત કેળવવાની છે. તેવી જ રીતે નાના પગ. તેમના પગ તેમની આવડતની નિશાની હતા. શિવ-પાર્વતીની ૬૪ પ્રદક્ષિણા તેમના નાના પગ અને બુદ્ધિ ક્ષમતાના સુપર કોમ્બિનેશનની જ કથા છે. નાના પગ હોવાથી વ્યક્તિ ખોટી દોડાદોડ કરતો નથી. તે ધીમે અને શાંતિ તથા ધિરજ સાથે કામ કરે છે. આવી વ્યક્તિઓ પગ ઉપાડતાં પહેલાં સો વખત વિચાર કરે છે. મહેનત વ્યર્થ ન જાય તેની વિશેષ કાળજી રાખે છે.
ચતુર્ભુજ ગણેશના ચાર હાથ. એક હાથમાં અંકુશ, એકમાં પાશ, ત્રીજામાં મોદક અને ચોથો સદાય આશીર્વાદ આપતો હાથ. તેઓ એક હાથમાં પોતાના જીવનનો અંકુશ રાખે છે. હાથીને કાબુ કરવા જેમ મહાવત પાસે અંકુશ હોય છે તેવો જ અંકુશ ગણપતિ પોતાના હાથમાં રાખ્યો છે. વ્યક્તિઓ પોતાની ઈન્દ્રીયો અને વાસનાઓને અંકુશમાં રાખવાની છે. વ્યક્તિએ પોતે જ એ કાર્ય કરવાનું છે તેવું ગણેશજી સ્પષ્ટ સુચવે છે. પછી આવે છે પાશ. વાસના અને ઈન્દ્રીયો કાબુમાં ન રહે તો પોતાની જાતને જ સજા કરવા માટે પોતે જ પાશ હાથમાં રાખવાની છે. સમર્થ વ્યક્તિ પોતાની જાતે આ બંને કાર્યો કરી શકે છે. અથવા તો એમ કહીએ કે આવું કરી શકવા સક્ષમ હોવો જોઈએ. મોદક એટલે કે આનંદ. પોતે આનંદ કરે અને અન્યને આનંદ કરાવે તે સ્વભાવ અત્યંત જરૂરી છે. આપણે ખુશ હોઈશું અને બીજા પણ ખુશ હશે તો બાકીની સમસ્યાઓ આપોઆપ વિસરાઈ જશે.
માનવીય સંબંધોના સંદર્ભમાં જોઈએ તો ગણેશજી પારિવારિક એકતા અને આદરના ઉત્કૃષ્ટ આદર્શ છે. જ્યારે કાતકેય સમગ્ર પૃથ્વીની પરિક્રમા કરવા નીકળ્યા, ત્યારે ગણેશજીએ માત્ર માતા-પિતા શિવ-પાર્વતીની પ્રદક્ષિણા કરીને સંસારને બતાવ્યું કે મૂળ સંબંધોની સેવા જ સાચું તીર્થ છે. આજના ભાગદોડભર્યા યુગમાં વૃદ્ધ માતા-પિતા પ્રત્યે આદર અને કૃતજ્ઞાતા કેળવવાનો આનાથી મોટો કોઈ પાઠ હોઈ ન શકે. ગણેશજીના પરિવારમાં પણ પરસ્પર વિરોધાભાસી તત્ત્વો ''જેમ કે શિવજીનો નંદી અને પાર્વતીજીનું વાહન સિંહ, અથવા ગણેશજીનો મૂષક અને શિવજીના ગળાનો સર્પ'' એકબીજા સાથે શાંતિપૂર્વક રહે છે. આ પ્રતીક માનવ સમાજને શીખવે છે કે વિચારો અને સ્વભાવમાં મતભેદ હોય તો પણ પ્રેમ અને સહિષ્ણુતાથી એક જ ઘરમાં સાથે રહી શકાય છે.
ગણેશજીની પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિ છે તથા તેમના પુત્રો શુભ અને લાભ છે. આ વ્યવસ્થા સૂચવે છે કે જ્યાં બુદ્ધિ અને વિવેક હોય ત્યાં જ સાચી સમૃદ્ધિ અને આધ્યાત્મિક સિદ્ધિ આવે છે, અને જ્યાં આ બંનેનો સંગમ થાય ત્યાં જ સંબંધોમાં અને જીવનમાં 'શુભ' અને 'લાભ'નું આગમન થાય છે. ગણેશજી માત્ર પોતાના માટે જીવતા નથી, તેઓ અન્યોના માર્ગના કાંટા દૂર કરીને 'વિઘ્નહર્તા' બને છે. જો દરેક મનુષ્ય બીજાના જીવનમાંથી મુશ્કેલીઓ ઘટાડવાનો પ્રયાસ કરે, સંબંધોમાં સાંભળવાની ધીરજ કેળવે, કડવાશ પચાવવાનું શીખે અને પોતાની વાણી પર સંયમ રાખે, તો તે પોતે પોતાના પરિવાર અને સમાજ માટે વિઘ્નહર્તા બની શકે છે. ગણેશજીનું આ દર્શન જ્યારે માણસના રોજિંદા આચરણમાં ઊતરે છે, ત્યારે સંબંધો વધુ ગાઢ, મધુર અને દીર્ઘાયુ બને છે.
સૌથી છેલ્લે આવે છે ગણેશજીનું પ્રિય વાહન મૂશક. તેઓ ઉંદરની સવારી કરે છે. તે પણ ખૂબ જ સુચક છે. સૌથી પહેલી બાબત આવે છે બુદ્ધિ. વ્યક્તિની બુદ્ધિ ઉપર તર્ક જરૂરી છે. બુદ્ધિ ઉંદર જેવી ચંચળ છે. તેના ઉપર ગણેશજી જેવો ભારેભરખમ તર્ક હોય તો જ તે વિવેકપૂર્ણ રીતે અને સાચી દિશામાં ધીમે ધીમે આગળ વધે. તેવી જ રીતે ઉંદર એટલે ચોરવૃત્તિનું પ્રતિક. વ્યક્તિના મનમાં ચોરવૃત્તિ જાગે ત્યારે તેને દબાવી દેવા માટે ગણેશજી જેવો જ તર્ક રાખવો પડે. તેમનો સૌથી મોટો બોધપાઠ છે વિસર્જન. અનંતચતુર્દશીના દિવસે ગણેશજીનું વિસર્જન કરવામાં આવે છે. તેઓ જણાવે છે કે, જેનો આકાર છે તેણે નિરાકાર થવાનું છે. નિરાકાર તરફ ગતી કરવા માટે આકારને વિસજત કરવો પડે છે. જ્યાં સુધી હું પણાનું વિસર્જન નથી થતું ત્યાં સુધી આપણા પણાનો ભાવ આવતો નથી. જળ તત્વમાં વિસજત થવાની સાથે જ તેઓ ચારેકોર વ્યાપ્ત થઈ જાય છે. પરમાત્મા સર્વવ્યાપક છે. તે સચરાચર જગતમાં વ્યાપ્ત છે. આપણે પણ તેવી જ ભાવના સાથે દરેક જીવ સાથે જોડાવાનું છે. માત્ર મારો આકાર ધારણ કરીને બેસી રહેવાથી તમામ બાબતોની પ્રાપ્તી નહીં થાય. તેના માટે વિસજત થઈને નિરાકાર તરફની ગતિ કરવી પડશે.




