ચોમાસામાં ફેશનેબલ વસ્ત્રોની ચોઈસ

વરસતા વરસાદમાં લેટેસ્ટ ટ્રેન્ડનાં ફેશનેબલ કપડાં પહેરી બહાર નીકળવાનું તમારા માટે આસાન નથી. અહીં ચોમાસાના ચાર મહિના દરમિયાન શું પહેરવું અને શું નહીં એની પાકી ગાઈડ આપી છે. આવા વાદળિયા દિવસોમાં પણ શ્રેષ્ઠ રીતે રહેવાના સરળ ઉપાય દર્શાવ્યા છે એને અનુસરો અને આનંદ માણો.
કાપડ :
સુતરાઉ કપડાંને બાજુ પર મૂકી દો. તમારાં સુતરાઉ ટ્રાઉઝર્સ, કમીઝ, સલવાર, કુરતાં જે કંઈ હોય તે. સાથોસાથ તમારી સફેદીને પણ. એ ચોમાસામાં પહેરવાનો કલર નથી. એ જ રીતે આછા કલરનાં આઉટફિટ્સ જેવાં કે ગુલાબી, આકાશી કે આછો લીલો એ બધા રંગોના વસ્ત્રો પણ બને ત્યાં સુધી ન પહેરવાં. વરસાદમાં તો ઘેરાં રંગનાં વસ્ત્રો જોઈએ. લાલ, માટોડી, મરૂન સિવાય ઘેરા બ્લુ અને લીલા રંગનાં વસ્ત્રો પહેરો. અને હા, કાળો તો જરાય નહીં. કારણ એના પર પણ કાદવના ડાઘ જલ્દી દેખાય છે અને એમાંય જો ઝડપથી પસાર થતી કારને કારણે તમારા પર ગંદુ પાણી ઊડે ત્યારે તમારાં કાળાં વસ્ત્રોની હાલત જોઈ તમને ચક્કર આવી જશે. ચોમાસા દરમિયાન સ્પાન્ડેક્સ કે લાઈક્રા કે પોલિમાઈડનાં વસ્ત્રો પહેરવાં હિતાવહ છે. એનાં બે કારણો છે : એક તો એ તમારાં શરીરસરસાં હોવાથી ભારે પવનમાં પણ ધજાની જેમ ફરફરતાં નથી અને બીજું, એકદમ જલ્દી સુકાઈ જાય છે.
સ્ટાઈલ :
ચોમાસામાં સ્ત્રી-પુરુષ બન્નેએ લાંબા રોમેન્ટિક સ્કાર્ફ અને દુપટ્ટા પહેરવાનું ટાળવું જોઈએ. બેલબોટમને પણ ભૂલી જાઓ. એને બદલે સીધાં ટ્રાઉઝર્સ અને સ્કર્ટ પહેરો. માર્કેટમાં આકર્ષક વૉટર રેઝિસ્ટન્સ કાર્ગો પેન્ટ પણ મળે છે.
વરસાદી વસ્ત્રો :
આપણે નસીબદાર છીએ કે કલરફુલ વરસાદી વસ્ત્રોની વિશાળ શ્રેણી પસંદગી માટે ઉપલબ્ધ છે. વિવિધ કલરમાં મળતા હૂડ સહિતના વિન્ડચીટરની સંપૂર્ણ શ્રેણી (સાથે છત્રી રાખવા કરતાં હૂડ (ટોપીવાળા વિન્ડચીટરની ભલામણ કરીશ) હાજર છે. ઉપરાંત, જો તમારી ઇચ્છા હોય તો આકર્ષક પારદર્શક રેઈનકોટ પણ બજારમાં મળે છે. જો તમે બોલ્ડ કલર્સ પહેરતા હો તો એમાં ઘણી ચોઈસ મળશે. છત્રીના ચાહકો આ વરસે ચેન્જ ખાતર 'બરબરી' એકર અમ્બ્રેલા (પુરુષો માટે) અથવા મહિલાઓ ફલોરોસન્ટ કલર્સ પર પસંદગી ઉતારે. ઉપરાંત સ્લિન્ગ અમ્બ્રેલા માગે. એ પીઠ પર લટકાવેલી પણ સારી દેખાશે અને તમારા હાથ છૂટા રહે એ વધારામાં.
પગરખાં :
એમાં પસંદગીનો ઘણો અવકાશ છે. સ્ત્રી અને પુરુષ જો વેસ્ટર્ન આઉટફિટમાં હોય તો બૂટ સારાં લાગશે. પરંતુ કુરતા અને કમીઝ માટે સૅન્ડલ વધુ યોગ્ય ગણાશે.
ચીજ વસ્તુઓ :
ફર, વેલ્વેટ કે ચામડાની વસ્તુઓ ટાળી વૉટર રેઝિસ્ટન્સ બેગ્ઝ કે બેલ્ટનો ઉપયોગ કરવો જોઈએ.
મેક અપ :
મેક-અપમાં અંતિમ શબ્દો છે વૉટર રેઝિસ્ટન્સ (પાણીથી ખરાબ ન થાય એવો). તમે મેક-અપમાં ઘણા શોભી રહ્યા છો - પણ વરસાદમાં બહાર નીકળ્યા કે ચહેરા પરના મસ્કરા અને ફાઉન્ડેશનનાં ટીપાં નીતરી રહ્યાં છે. જાણે તમારો ચહેરો મૅડમ તુસાડના મ્યુઝિયમના પ્રદર્શનમાં મૂકેલા પૂતળા જેવો લાગશે. જોકે શ્રેષ્ઠ ઉપાય છે વૉટર રેઝિસ્ટન્ટ મેક-અપનો ઉપયોગ કરો.




