ચહેરાને સ્વચ્છ કરતાં ફેસ વોશ

ચહેરા પરની મૃત ત્વચા, ધૂળ-રજકણ વગેરેને દૂર કરવા માટે ચહેરો ફક્ત સાબુ-પાણીથી ધોવાને બદલે ઘરગત્થુ ફેસવોશનો ઉપયોગ કરવાથી ત્વચા સાફ થવાની સાથે સાથે ચમકીલી પણ થાય છે.
કાચુ દૂધ અને ચણાનો લોટ
બે ચમચા ચણાના લોટમાં થોડું કાચુ દૂધ અથવા ગુલાબ જળ ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવું. સુકાઈ જાય પછી ધોઈ નાખવું.
બેસન અને ચણાનો લોટ
બે ચમચા ચણાના લોટમાં એક ચપટી હળદર અને થોડું ગુલાબજળ ભેળવી પેસ્ટ બનાવવી. ચહેરા પર હળવા હાથે મસાજ કરીને ૧૦ મિનિટ પછી ધોઈ નાખવું.
કાચુ દૂધ
કાચુ દૂધ કુદરતી જ ક્લિનર છે. કાચા દૂધમાં રૂનું પૂમડું બોળી ચહેરા પર ફેરવવું. હળવા હાથે સાફ કરી પાણીથી ધોઈ નાખવું. ચહેરો સ્વચ્છ થવાની સાથે સાથે ત્વચા મુલાયમ થાય છે.
એલોવેરા જેલ
એલોવેરા જેલથી ચહેરા પર હળવું માલિશ કરવું અને સુકાઈ જાય પછી ચહેરો ધોઈ નાખવો.
એલોવેરા અને લીંબુ
બે ચમચા એલોવેરા જેલ, અડધો ચમચો લીંબુનો રસ ભેળવી સવાર-સાંજ ચહેરા પર ધીરે ધીરે માલિશ કરી થોડી વાર રહીને ધોઈ નાખવું. એલોવેરા ત્વચાને હાઇડ્રેટ કરે છે જ્યારે લીંબુ ત્વચાને ટેનિંગ અને કાળા ધાબા દૂર કરવામાં સહાયક છે.
દહીં-ઓટ્સ
એક ચમચો દહીંમાં એક ચમચો ઓટ્સ અને મધ ભેળવી ક્રીમી પેસ્ટ બનાવવી. આ મિશ્રણને ચહેરા પર લગાડી બે-ત્રણ મિનિટ સુધી હળવે હળવે રગડવું અને પછી ચહેરો ધોઈ નાખવો. દહીંમાં સમાયેલ લેકટિક એસિડ મૃત કોશિકાઓને દૂર કરે છે અને ઓટ્સ સ્કિનને સોફ્ટ કરે છે.
લીમડો-તુલસી
સંવેદનશીલ ત્વચા માટે લીમડો-તુલસીનો ફેસવોશ ઉત્તમ માનવામાં આવે છે. લીમડા-તુલસીના પાનને પાણીમાં ઉકાળવા ઠંડા પડે પછી તેની પેસ્ટ કરીને ચહેરા પર લગાડવું. આ મિશ્રણથી નિયમિત ચહેરો ધોવાથી ત્વચા ડિટોક્સ થાય છે અને ઇન્ફેક્શનથી રક્ષણ મળે છે.
મુલતાની માટી અને ગુલાબજળ
ચહેરા પર ખીલ હોય તો મુલતાની માટી-ગુલાબજળનું મિશ્રણ ઉત્તમ ફેસવોશ છે. એક ચમચી મુલતાની માટીમાં બે ચમચો ગુલાબજળ ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવું અને પાંચ મિનિટ પછી ચેહરો ધોઈ નાખવો. મુલતાની માટી ચહેરા પરનું વધારાનું તેલ શોષી લેતી હોવાથી ખીલ દૂર થાય છે.
મલાઈ
રૂક્ષ ત્વચા માટે મલાઈનો ઉપયોગ ઉત્તમ છે. ચહેરો સાફ કરવા મલાઈ લગાડવી અને ૧૦ મિનિટ પછી હળવે-હળવે રગડીને ચહેરો સાફ કરીને હુંફાળા પાણીથી ધોઈ નાખવો.
સિંધવનું પાણી
બેથી ત્રણ ગ્લાસ પાણી ગરમ કરીને ચુલા પરથી નીચે ઉતારી એક ચમચો સિંધવ ભેળવવું. હુંફાળા પાણી થાય એટલે તેમાં રૂ ભીંજવી ચહેરો સાફ કરવો. આ એક ઉત્તમ ટોનરનું પણ કામ કરે છે. જે ચહેરા પરની ગંદકી દૂર કરે છે.
- જયવિકા આશર




