દરેક સાચો સાધુ નીમ કરોલી બાબા છે

વર્ષો પહેલાની વાત છે. એક બહેન બેચેન રહેતા હતા. આમ જુઓ તો કોઈ તકલીફ નહીં અને આમ જુઓ તો બધી તકલીફ. તેઓ અતિ ધનવાન હતા. પતિના અવસાન પછી આખો બિઝનેસ પોતે કુનેહપૂર્વક ચલાવતા હતા. એક દીકરો પણ દસ વર્ષનો થઈ ગયો હતો. ઘરમાં નોકર ચાકર બધું જ હતું પણ મનમાં શાંતિ ન હતી. કશું ખૂટતું હોય એવું લાગતું હતું.
એમના ગામમાં એક સાધુ આવ્યા. ગામના લોકોની ભીડ એમની પાસે થવા લાગી. આખા ગામમાં આ વાત ફેલાઈ ગઈ કે કોઈ સિદ્ધપુરુષ આપણા ગામમાં આવ્યા છે જેનાથી આપણી બધી સમસ્યાઓનું નિવારણ થઇ જાય છે. બહેનને થયું કે હું પણ મારી સમસ્યા વિશે છે વાત કરું. પણ ગામ લોકોના સામે તો એ જઈ શકતા નહોતા કારણ કે એ ગ્રામજનોની સામે તો એ શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિ હતાં. એક દિવસ વહેલી સવારે કોઈને ખ્યાલ ન આવે એટલે મોટો ઘૂમતો તાણી સાધુ પાસે પહોંચી ગયા.
સાધુ ત્યારે ગાયોની સેવા કરતા હતા એટલે બહેનને બેસવું પડયું. સાધુએ બહેનને બેઠેલી જોઈ કહ્યું કે 'તમે પણ ગાયને ઘાસ નાખો.'
બહેન ઘાસ નાખવા ગયા તો ગાય ભડકી અને શીંગડા ઉછાળ્યા. સાધુએ કહ્યું કે 'ડરો નહીં, ગાયનું નામ મુરલી છે એને નામથી બોલાવી અને પંપાળો' બહેને એમ કર્યું તો ગાય પણ પ્રસન્ન થઇ ગઈ. સાધુ એ કહ્યું 'હવે પધારો બહેન.'
તો સ્ત્રીએ કહ્યું કે 'મહાત્માજી વાંધો ન હોય થોડો વધુ સમય પસાર કરું'. મહાત્મા હસ્યા અને કહ્યું 'જરૂર.' સાધુ જોઈ રહ્યા હતા કે, ગાય તે સ્ત્રીને વહાલ કરતી હતી. થોડીવાર પછી બહેન સંત પાસે ગયા અને કહ્યું કે 'મહાત્માજી, મનની શાંતિ નથી.'
'કારણમાં દીકરો.'
'તમને ક્યાંથી ખબર ? તમે નીમ કરોલી બાબા છો ?' બહેને પૂછયું,
'દરેક સાચો સાધુ નીમ કરોલી બાબા છે, એ દરેક વ્યક્તિની પીડા કહ્યા વગર સમજી જાય છે.'
'હું શું કરું બાબા ?'
'જેમ ગાયને સમય આપ્યો એમ દીકરાને પણ સમય આપો. ધંધાના પાંચ ટકા દીકરા માટે કાઢો છો એમ બીજા પાંચ ટકા બીજાના દીકરા માટે પણ કાઢો, મતલબ સત્કાર્યમાં વાપરો.'
સાનમાં સ્ત્રી બધું સમજી ગઈ અને બહેન જતા હતા ત્યાં પેલી ગાયએ ભાંભરડો કર્યો. બહેન એની પાસે ગઈ અને હાથ ફેરવ્યો. એણે નક્કી કર્યું કે 'આજથી ૫ % નહીં પણ ૧૦ % કાઢીશ.'
ગરીબોને ભોજન આપવામાં ગાયોને દાન કરવામાં કે અન્યની સહાય કરવામાં. બીજાને આપવામાં જે સુખ રહેલું છે એ બીજે ક્યાંય નથી. બહેન ધંધામાંથી થોડા વહેલા આવી બાળક સાથે સમય પસાર કરવા લાગ્યા. સંત પાસેથી મળેલી સુખની શીખથી એનું જીવન પ્રસન્નતાથી વીતવા લાગ્યું.
સમાપન
ધનસમૃદ્ધિ માણસને બદલી નથી નાખતી પણ માણસનું અસલ સ્વરૂપ પ્રગટ કરી દે છે.
- થોમસ પેઇન




