બહાર ધોધમાર વરસાદ પણ ઘરમાં આનંદ-મંગલ

- બરખા બહાર, રસ કી ફહાર, અંખિયો મેં પ્યાર
બહાર ધોધમાર વરસાદ વરસે છે. ઘરની બહાર નીકળાય તેમ નથી. કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું વાતાવરણ મૂડ બગાડી દે તેવું છે. આવે સમયે સમય પસાર કરવાનું કામ સૌથી મુશ્કેલ છે. ટીવી જોઈ જોઈને પણ કંટાળો આવી જાય છે. હવે શું કરવું? એ પ્રશ્ન કેડો મૂકતો નથી. વેલ, અહીં થોડા ઘણા વિકલ્પો આપવામાં આવ્યા છે. એ અજમાવવાથી વરસાદનો એક હસીન દિવસ યાદગાર બની જશે અને તમે ગણગણી ઊઠશો, ''જિંદગીભર નહીં ભૂલેગી વો બરસાત કી રાત…''
જાણકારો કહે છે કે આવે સમયે હુંફાળા કે ગરમાગરમ પાણીથી સ્નાન કરવામાં આવે તો મન પ્રફુલ્લિત થઈ જાય છે. કંઠ સૂરીલો ન હોય તો બેસૂરા અવાજમાં ગાતા શરમાવ નહીં. હા, ગાવાનો શોખ ન હોય તો મ્યુઝીક સિસ્ટમ પર નાચવાનું મન થાય તેવા ગીતો વગાડો. વોલ્યુમ જરા હાઈ મૂકવામાં વાંધો નથી. પાસ-પડોશના લોકોને પણ તમારા મૂડમાં રંગી નાખો. નાચી-નાચીને કંટાળો આવે તો કોઈ રોમેન્ટીક ધૂન વગાડી એક ખૂબસૂરત નગરીની સફર કરી આવો. સાત સમંદર પાર આવેલી કલ્પના નગરીની સફર કરવા માટે તમારે કોઈ પાસપોર્ટ કે વિઝાની તો જરૂર નથી જ પરંતુ કોપાયમાન બનીને વરસતા મેઘરાજ પણ તમને આ સફરે જતા રોકી શકે તેમ નથી.
''સજના હૈ મુજે સજના કે લિયે'' ગણગણતા કબાટમાંથી નવા કપડાં કાઢી સાજ શણગાર કરવામાં પણ વાંધો નથી. હવે તમે તૈયાર થઈ જ ગયા છો તો મેકઅપ પણ કરી લો. જરા ભડક રંગોની પસંદગી થઈ જશે. એમાં પણ તમારા 'બેટરહાફ' ઘરે હશે તો દિન ઓર રંગીન બની જશે. તેને પણ તમારા રંગમાં રંગી લો. લગ્ન ન થયા હોય અને છાનુંછપનું પ્રેમપ્રકરણ ચાલતું હોય તો તેને ફોન કરીને તમારા મનની ઇચ્છા જણાવો. તેની સાથે ફોન પર પ્રેમાલાપ કરો. મ્યુનિસિપાલિટીની મહેરબાનીથી મુંબઈની સડકો પર પાણી ન ભરાયા હોય તો પ્રિય પાત્ર સાથે લોંગ ડ્રાઈવ પર નીકળી જવામાં વાંધો નથી. કાર નહીં હોય તો એક દિવસ ટેકસીની લકઝરી માણી લો. જોકે આ દિવસે તમને બસ પણ ખાલી મળશે એટલે બસના ઉપરના માળે બેસી મરીન ડ્રાઈવના દરિયામાંથી બસ સુધી ઉડતા મોજાઓમાં ભીંજાઈ જવાનો રોમેન્ટીક અનુભવ પણ લેવા જેવો છે. આવો મોકો ભાગ્યે જ મળે છે. આથી ચૂકવા જેવો નથી એ જણાવી દઈએ છીએ. સાંજના શોમાં કોઈ થિયેટરમાં ફિલ્મ જોવાનો વિચાર પણ ખોટો નથી. આ દિવસે રસ્તા પર ચકલું પણ ફરકવાની હિંમત કરે એ વાતમાં માલ નથી. આથી રસ્તા પર કે થિયેટરમાં કે બસમાં તમને ધાર્યું એકાંત મળી રહેશે એ વાત જણાવવાની જરૂર છે ખરી? હા, કોઈ હોટેલમાં પણ કેન્ડલ લાઇટ ડિનર લેવાનો વિચાર ખોટો નથી. હોટેલમાં પણ ઝાઝી ગરદી ન હોવાથી તેઓ તમારી સારી આગતા-સ્વાગતા કરશે.
બધાને બહાર જવા મળતું નથી. આથી ઘરમાં જ મનભાવતું ભોજન કેમ ન બનાવવું? પ્રિય પાત્રનો સાથ હોય, બહાર વરસતી વર્ષારાણી મૂડ તેમજ મોસમને વધુ રંગીન બનાવતી હોય, ઠંડી હવા વાતી હોય ત્યારે ગરમાગરમ ચા અને કાંદાના ગરમાગરમ ભજીયા ખાવાનો વિચાર ન આવે તો જ નવાઈ. કેટલાકને તો ગરમાગરમ ખીચડી, કઢી અને પાપડ ખાવાની ઇચ્છા થઈ આવશે. આ વિચારોને-અમલમાં મૂકો.
ઘર નજીક દરિયાકિનારો હોય તો દરિયા કિનારા પર એક લટાર મારી આવવાનો વિચાર આવે તો વધુ વિચાર્યા વગર એ વિચાર અમલમાં મૂકતાં અચકાવ નહીં. ઘરે પાછા ફરતા જ પેટમાં ગલુડિયા બોલતા હોવાનો અહેસાસ થયો? વેલ, ભૂખ લાગે તો ખાઈ લો. આ ઋતુ જ એવી છે. જેમાં ઘડી ઘડી ખાવાની ઇચ્છા થઈ જ આવે છે. એમાં પણ ઘરમાં બેઠા બેઠા વધુ ભૂખ લાગે છે. આવા સમયે વજન વધવાની ફીકર કરો નહીં. આ મોસમમાં થોડી ઘણી કેલેરી વધી જાય તો વાંધો નહીં. પછીથી વ્યાયામ અને ડાયેટ દ્વારા સરભર કરી નાખતા તમને કોઈ રોકશે નહીં.
એ કહેવાનું તો રહી જ ગયું કે આવા સમયે તમે પુસ્તક વાંચવાનો તમારો શોખ પૂર્ણ કરી શકો છો. સોફા કે પલંગમાં કોકડું વાળીને સૂઈને હાથમાં પુસ્તક લઈને વાંચવાનો વિચાર કેવો લાગે છે? સાધારણ સમયે દુર્લભ એવી લાંબી ઊંઘ ખેંચી કાઢતા પણ તમને કોઈ રોકે તેમ નથી. કેટલીકવાર કોઈ મિત્રને ત્યાં સરપ્રાઈઝ વિઝિટ આપવામાં પણ રોમાંચ મળે છે. પરંતુ હા સાથે કંઈ ગરમાગરમ અને તીખું ખાવાનું લઈ જતા ભૂલતાં નહીં.




