Sahiyar

નવોઢાના ઝાંઝરનો ઝણકાર પણ નોખો

By GS Team
28 Sep 20263 mins read
નવોઢાના ઝાંઝરનો ઝણકાર પણ નોખો
  • આધુનિક કન્યાઓ પાયલને આપે પર્સનલ ટચ

નવોઢાના અલંકારોની વાત આવે ત્યારે માંગ ટીકા (દામડી)થી લઈને પગની પાયલ અને વિંછિયા સુદ્ધાંનો સમાવેશ અચૂક થાય. આજે આપણે નવવધૂઓના સઘળા ઘરેણાંની નહીં, બલ્કે ઝાંઝરની વાત કરીશું. સામાન્ય રીતે આપણે ચાંદીની પાયલ પહેરવા ટેવાયેલા છીએ. ચાહે તે હળવી હોય કે વજનદાર, ઝાઝી ઘૂઘરીવાળી હોય કે ઓછી, પણ તે ચાંદીની હોવાની. જો કે આધુનિક કન્યાઓ તેમાં પણ વૈવિધ્ય ઝંખે છે. સ્વાભાવિક રીતે જ જ્વેલરી ડિઝાઈનરો હવે પાયલને મૉડર્ન ટચ આપવા લાગ્યા છે. જેમ કે.., હવે ઝાંઝરમાં કુંદન, મોતી, આભલાનું કામ કરાવવામાં આવે છે. એમ કહેવાય છે કે સોનુ પગમાં ન પહેરાય. કદાચ એટલા માટે જ ચાંદીના ઝાંઝર પહેરવાની પરંપરા શરૂ થઈ હશે. જે આજદિન સુધી જળવાઈ રહી છે. પરંતુ જો નવોઢાને પોતાના પરિધાન સાથે મેળ પડતાં ઝાંઝર પહેરવા હોય તો તે ચાંદીની પાયલ પર સોનાનો ઢોળ ચડાવડાવે છે. ત્યાર પછી તેમાં કુંદનવર્ક કે પછી અર્ધકિંમતી અથવા આર્ટિફિશિયલ, કલરફુલ સ્ટોન જડાવે છે. આવા ઝાંઝર તેના ગોલ્ડન વર્કવાળા લહંગા સાથે ખૂબ સુંદર લાગે છે.
જ્વેલરી ડિઝાઈનરો કહે છે કે વાત અહીં નથી અટકતી. નવા જમાનાની નવોઢાઓ એકની ઉપર બીજી અને બીજી ઉપર ત્રીજી પાયલ પણ પહેરે છે, બિલકુલ બંગડીની સ્ટાઈલમાં. હા, આ રીતે પાયલ પહેરવામાં આવે ત્યારે એક ઝાંઝર બીજા કરતાં જુદું દેખાઈ આવે એવું હોવું જોઈએ. નવી ઉપરની પાયલ નીચે ઉતરી આવીને નીચેના ઝાંઝરને ઢાંકી ન દે એ વાતનું ખાસ ધ્યાન રાખવું રહ્યું. આ પ્રકારે ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ ત્રણ ઝાંઝર પહેરી શકાય. અને તેમાં ઘૂઘરી માત્ર નીચેના ઝાંઝરમાં રાખવી. તમે ચાહો તો ઉપરની પાયલ બનારસી પટ્ટા જેવી પણ બનાવડાવી શકો. જો તે તમારા લહંગા અથવા સાડીના રંગથી વિરોધાભાસી કલરની હોય, અથવા રંગબેરંગી હોય તો ઉડીને આંખે વળગશે.
તેઓ વધુમાં જણાવે છે કે ઘણી નવવધૂઓ હાથમાં પોંચા જેવી ડિઝાઈનના ઝાંઝર પહેરવાનું પસંદ કરે છે. આ સ્ટાઈલ પણ ખૂબ સુંદર લાગે છે. તેમનો પગ આવી ડિઝાઈનમાં ભર્યો ભર્યો દેખાય છે. આ રીતે દુલ્હન તેની પાયલને પોતાની કલ્પનાનો વેગળો સ્પર્શ આપે છે. નવવધૂઓ સ્ટેટમેન્ટ પીસ તરીકે પોંચા જેવી પાયલ પર પસંદગી ઉતારે છે. ખાસ કરીને વિવાહ સાથે સંકળાયેલા સંગીત સંધ્યા જેવા કાર્યક્રમમાં તેમને ડાન્સ કરવાની તક મળે ત્યારે આવા ઝાંઝર ઉડીને આંખે વળગે છે.
વિવિધ પ્રકારની પાયલ પહેરતી વખતે કેટલીક બાબતો ખાસ ધ્યાનમાં લેવી જરૂરી છે. જેમ કે…,
પેસ્ટલ લહંગા કે સાડી સાથે કુંદનવર્ક કરેલ ીકે મોતીવાળી પાયલ પહેરવાનો પ્રયાસ કરવો.
બનારસી પરિધાન કે આભલા જડેલા લહંગા સાથે સહેજ મોટા-વજનદાર અને વધુ ઘૂઘરીઓવાળા ઝાંઝર પહેરો. આવા ઝાંઝર તમારા પોશાકની શોભા વધારશે. જો કે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તે તમારા પરિધાનના સૌંદર્યને ફિક્કું ન પાડી દે.
ઝાંઝર એટલા બધા વજનદાર પણ ન લેવા કે નવવધૂને ચાલવામાં કે ડાન્સ કરવામાં આપદા પડે. ખાસ કરીને સંગીત જેવા કાર્યક્રમમાં ડાન્સ કરતી વખતે હળવા વજનના પાયલ પહેરવા.
અલગ અલગ એંગલથી ફોટા પડાવતી વખતે પણ ઝાંઝરની ડિઝાઈન નોખી તરી આવે એ વાતની કાળજી લેવી.
એમ કહેવું યોગ્ય રહેશે કે આધુનિક કન્યાઓ દરેક વસ્તુની જેમ પોતાના અલંકારોને પણ અંગત સ્પર્શ આપવાનું પસંદ કરે છે અને તેમાંથી પાયલ પણ બાકાત નથી.