Sahiyar

મહેનત વગર મળેલું કલ્પવૃક્ષ પણ નકામુ

By GS Team
3 Aug 20263 mins read
મહેનત વગર મળેલું કલ્પવૃક્ષ પણ નકામુ
  • વંદના ગોસ્વામી

એક સ્ત્રી ચાલતી ચાલતી જઇ રહી હતી. ઘણા કિલો મિટર ચાલ્યા પછી એને થયું થોડો આરામ કરું. પણ ક્યાંક સારી જગ્યા મળે એની રાહે એ આગળ ચાલતી રહી. પગમાં હવે ચાલવાનું જોર ન હતું પણ નિરાંતે આરામ કરી શકાય એવી જગ્યાની આશાએ ચાલતી રહી. ત્યાં એક જગ્યા બાકડો જોયો. ત્યાં બેસવા જાય ત્યાં કૂતરાઓએ ભસવાનું ચાલુ કરી દીધું. એક બંગલા બહાર એક વૃક્ષ હતું ત્યાં પોરો ખાવા ગઈ તો ચોકીદારે એના મેલાઘેલા કપડા જોઈ બેસવા ન દીધી. ક્યાંય છાયો દેખાતો ન હતો.
અચાનક એની નજર એક સરસ મજાના વૃક્ષ પર પડી. એની નજીક જતા જ મનને શાતા વળી. વૃક્ષ નીચે પહોંચતા જ કોણ જાણે કેમ અર્ધો થાક ઊતરી ગયો. બસ તેની ધીરજ હવે ખૂટી હતી. હવે પગમાં પણ ક્યાં ચાલવાનું જોર હતું ! તેણે આ વૃક્ષ નીચે સુઈ જવનું નક્કી જ કરી નાખ્યું હોય એમ ત્યાં આડી પડી ગઈ. ખૂબ થાક લાગ્યો હતો. વૃક્ષ પરના પંખીનો કલશોર પણ કાનને વાગી રહ્યો હતો. વૃક્ષનો પવન શીતળતા આપતો હતો. ઊંઘ પાંપણ પર બેસી ગઈ હતી પણ તરસ ખૂબ લાગી હતી. એટલે ઊંઘ બરાબર આવતી ન હતી. જીભ સુકાતી હતી. એણે મનમાં વિચાર્યું કે પાણી મળી જાય તો ઊંઘ આવી જાય. ત્યાં તો આંખના પલકારમાં જ શીતળ જળ આવ્યું. તરસ જ એટલી લાગી હતી કે બીજું વિચારવાનો કોઈ અવકાશ જ ન હતો. એ તો આખો મોટો ગ્લાસ એક શ્વાસે પી ગઈ !
પેટ ને મન બંને શાંત થયાં. પણ ઈચ્છાઓ તો અનંત છે. એક ઈચ્છા પૂરી થાય એટલે બીજી શરુ થાય જ. તરસ તો મટી પણ હવે ભોજન મળી જાય તો મોજ પડી જાય, આવો સ્ત્રીએ વિચાર કર્યો ત્યાં જ ગરમાગરમ સ્વાદિષ્ટ ભોજન હાજર. એ તો ભોજન જોઇને તૂટી જ પડી. પેટ ભરીને જમી. થાળીમાં એટલી વાનગી હતી કે એના નામ પણ એ જાણતી ન હતી. 'હવે એયને નિરાંતે સૂઈ જવું છે' એમ મનોમન બોલી એ લાંબી થઇ પણ પીઠમાં જમીનના પથ્થર ખૂંચવા લાગ્યા. ત્યાં પાછો વિચાર આવ્યો કે મસ્ત સુવાની પથારી મળી જાય તો ? ને ત્યાં તો રેશમી રજાઈ સાથે મુલાયમ ગાદલાવાળી પથારી હાજર. એ તો મસ્ત ગાદલાંમાં સૂતી પણ હવે એને હવે વિચાર આવ્યો કે મારું આ બધું આવ્યું ક્યાંથી ? કોઈ ડાકણ અહીં તો નથી ને ? ક્યાંક એ આવી ચડશે તો ? મને મારી નાખશે તો ? એનો વિચાર પૂરો થયો એવો તરત જ ડાકણ હાજર ! મોટાં દાંત, લાંબા વાળ ને પગના નખ તો માણસના હાથ જેવડાં…
સ્ત્રી ગભરાણી. ધ્રૂજવા લાગી. ડાકણ સ્ત્રીનો કોળિયો કરી ગઈ. સ્ત્રીની સફર અને અંતિમ સફર અહીં સમાપ્ત થઇ ! આમ પણ 'અતિની ગતિ નહીં' મુજબ મહેનત વગરનું મળે એ પચાવવું અધરું છે. મહેનતનો મંત્ર સૌથી શ્રેષ્ઠ છે. ક્યારેક નસીબથી મળી જાય તો આગળ ઉપર મહેનત કરી એને બેલેન્સ કરવું જોઈએ.
એ સ્ત્રી કલ્પવૃક્ષ નીચે હતી એટલે એની બધી ઈચ્છા પળવારમાં પૂર્ણ થતી હતી. એને એ વાતની ખબર નોહતી કે પોતે જે વૃક્ષ નીચે છે. જેની નીચે રહી જે માંગો કે વિચારો એ તરત જ મળે. છેલ્લે એને ભૂતની જગ્યા એ ભગવાન બધું કરે છે એમ વિચાર્યું હોત તો એને ભગવાન મળી જાત. 'વિનાશ કાળે વિપરિત બુદ્ધિ'ની જેમ એને સારો વિચાર ન આવ્યો. સારું વિચારવાનો કોઈ ખર્ચ નથી પણ માણસ… જેવું વિચારો એવું તમારું જીવન બને છે. શરીરનું પહેરણ વસ્ત્રો છે અને મનનું પહેરણ વિચારો છે. સારો વિચાર તમને આકાશે પહોંચાડી શકે છે અને ખરાબ વિચાર જમીનદોસ્ત કરી શકે છે. વિચાર કર્યા વિના બોલવું એ તો કોઈને ગોળી વગરની બંદૂક તાકવા જેવું છે.
સમાપન
જોખમ ઓછું હોય છે ત્યાં મળતર પણ ઓછું હોય છે.
-હેલન કેલર