Sahiyar

તમારી બ્યુટીને ઓર નિખારો

By GS Team
28 Sep 20264 mins read
તમારી બ્યુટીને ઓર નિખારો

કુદરતે બક્ષેલા સૌંદર્યમાં નિખાર લાવવા માટેના જાતજાતના નુસખાઓ વર્ષોથી અપનાવવામાં આવી રહ્યા છે. હવે તો કોસ્મેટીક સર્જરી કે પ્લાસ્ટીક સર્જરી દ્વારા ચહેરાનો નાક-નકશો પણ જોઇએ એવો બનાવી શકાય છે. આ ઉપરાંત વર્ષો જૂના આયુર્વેદીક તેમજ દાદીમાના નુસખાઓ તો આજે પણ પોતાનો પરચો બતાવી રહ્યાં છે. જાણવા મળ્યા મુજબ હાલમાં તો એક્યુપંકચરની મદદથી સૌંદર્યનું માવજત કરવાની નવી પધ્ધતિ વિકસાવવામાં આવી છે. દિવસનો એક કલાક અને તે પણ માત્ર છ સપ્તાહ સુધી સૌંદર્યની માવજત પાછળ ફાળવવામાં આવે તો પણ બસ છે.
વાળ અને ખોપરી
ખોપરી તેનું કાર્ય વ્યવસ્થિત પણે કરે તે માટે નિયમિત તેલથી માલિશ કરવાની જરૂર છે. તમારા હાથ અને આંગળીઓના સ્પર્શ અને હલનચલનને કારણે સપાટીની નીચે આવેલી રક્તવાહિનીઓ અને વાળના મૂળને પોષણ મળશે જેને લીધે આ વિસ્તારમાં રક્ત પુરવઠો વધી જશે.
આ માટે કોપરેલ સૌથી શ્રેષ્ઠ છે. પરંતુ ઑલિવ કે બદામનું તેલ વાપરવામાં વાંધો નથી. એક વાડકામાં ત્રણ ચમચી તેલ લેવું (તૈલી કેશ માટે દોઢ ચમચી પૂરતું છે.)
શક્તિનું સ્તર વધારવા કે લાગણીઓને સમતોલ બનાવવા સૌ પ્રથમ તમારી ખોપરીમાં રહેલા એક્યુપ્રેશર પોઇન્ટને કાર્યશીલ બનાવવાની જરૂર છે. એ પોઇન્ટ શોધવા માટે અંગુઠા કાનની બૂટ પર મૂકી વચલી આંગળી વડે માથા ઉપર દબાણ આપો.
હવે તેલમાં બોળેલા રૂના પૂમડાંથી પાંથીમાં તેલ ઘસો. થોડા થોડા અંતરે સેંથો પાડી તેમા તેલ ઘસતા જાવ. આમ લમણા સુધી તેલ ઘસો. સાથે સાથે હાથના ટેરવાથી પણ ખોપરીમાં માલિશ કરો. સહન થાય એટલું દબાણ આપો. બોચીના ભાગમાં બે અંગુઠા દબાવી ટેન્શન ઓછું કરો. વધેલું તેલ મધ્ય સેંથામાં નાખી જોરથી ઘસી માલિશ કરો.
બે કલાક સુધી માથામાં તેલ રહેવા દો. શક્ય હોય તો આખી રાત રહેવા દેવામાં વાંધો નથી પરંતુ બહુ જ ઉતાવળ હોય તો દસ મિનિટ પછી શેમ્પુ કરી શકાય છે. પરંતુ વાળમાંથી તેલ પૂરેપૂરું બહાર નીકળી જાય તે માટે બે વાર શેમ્પુ લગાડવાની જરૂર છે. શેમ્પુ કર્યા પછી છેલ્લે સિડાર વિનિગર (કાળા અને ખોડો પર) અથવા લીંબુનો રસ (ભૂખરા અને તૈલી ખોપરી પર)પાણીમાંભેળવી લગાડવાથી કેશ ચમકીલા થાય છે.
લલાટ
તમારા લલાટ પર જેટલા વધુ વળ પડશે તેટલી જ વધુ કરચલી પડશે.કપાળ પર રૂધિરાભમણને વેગ આપવા માટે ઝીણી ચીમટીઓ ભરો દિવસમાં એક-બે વખત નહિં પરંતુ શક્ય હોય તેટલી વાર કરો.
લલાટ પરની ત્વચાની ક્રાંતિ જાળવી રાખવા ત્રણ સપ્તાહ સુધી ફેસ માસ્કનો ઉપયોગ કરો. ત્યાર પછી સપ્તાહમાં એકવાર ફેસ માસ્ક લગાડો. આ માટે એક ચમચી ચણાનો લોટ, એક ચમચી મલાઇ, ૨ ચમચી પાણી અને એક ચપટી મીઠું લઇ તેની પેસ્ટ બનાવી લગાડો. દસ મિનિટ પછી મોઢું ધોઇ નાખો.
નેત્ર
મનુષ્યની આંખો તેના મનની લાગણીઓનો અરિસો છે. એટલું જ નહીં પરંતુ સ્વચ્છ આરોગ્યની ચાડી પણ તેની આંખો જ ખાય છે. જો કે આંખની આસપાસની ત્વચા ખૂબ જ કોમળ છે. આથી તેની ખાસ માવજત જરૂરી છે.
આંખ બંધ કરી આંખના પોલાણમાં રહેલા હાડકાની બહારના ભાગ પર ધ્યાન કેન્દ્રીત કરો. આ ભાગને શોધવા માટે તમારી ત્રીજી આંગળીનો ઉપયોગ કરો. ભામર પર અને નાક પાસે બે ભામરના છેડા મળે તથા વધુ દબાણ આપો. બંને આંખો પર એક સાથે દબાણ આપતા જાવ. મેકઅપ દૂર કરી આંખની આસપાસ બદામનું તેલ અથવા પાણી ધરાવતું મોઇશ્વરાઇઝર લગાડો.થાકેલી આંખોને આરામ આપવા અને ઝેરી તત્વો દૂર કરવા માટે ઠંડા પાણીમાં રૂના પૂમડાં બોળી દસ મિનિટ સુધી આંખ પર મૂકી રાખો.
ગાલ
ગાલના સ્નાયુઓ નીચે મેલ, ચરબી જમા થવાની શક્યતા વધુ છે. અને આને કારણે ગાલનો કુદરતી આકાર બદલાઇ જાય છે આમ ન બને તે માટે અંગુઠા વડે ગાલના હાડકાની અંદરના ભાગમાં દબાણ આપો. ઉપરની ત્વચાની ચરબી પર ચીમટા ભરો. દબાણ ચાલુ રાખીને અંગુઠાઓને હાડકા પર આગળ ફેરવો અને ચીમટા ભરતા જાવ. ગાલના હાડકા અને જડબા ભેગા મળે ત્યાં સુધી આ ક્રિયા કરો. આમ ત્રણવાર કરો. દિવસમાં બે વખત આ પ્રક્રિયાથી લાભ થશે.બે ચમચી ચણાના લોટમાં ૨ ચમચી પાણી અને અડધી ચમચી મધ ભેળવી. તેની લુગદી બનાવી ચહેરા પર ૧૫ મિનિટ સુધી લગાડો.
હોઠ
સૂર્યથી રક્ષણ મેળવવા માટે ઓષ્ઠ પાસે કોઇ કુદરતી કવચ નથી આથી તડકામાં બહાર જતી વખતે સન ક્રીમનો ઉપયોગ કરો. તેમજ શિયાળામાં બેરિઅર ક્રીમ વાપરો. ધુમ્રપાન અને હોઠ દબાવવાની આદતને કારણે કરચલી પડી જવાની શક્યતા છે આને કારણે ઉંમર પણ વધારે લાગે છે. પરંતુ વ્યાયામને કારણે સ્નાયુઓને નવજીવન મળશે અને રક્ત ભ્રમણમાં પણ ખાસ્સો ફાયદો થશે.
મોઢું બંધ કરી ઉપરના હોઠની બંને બાજુની ત્વચામાં હવા ભરો. દસ સુધી ગણો. આ સમયે નાક વડે શ્વાસ લો. ચહેરાની મધ્યના સ્નાયુઓ માટે સસલાની જેમ નાક ઉપર નીચે ખેંચો.લોહીના ભ્રમણની પ્રક્રિયા સુધારવા તેમજ મૃત ત્વચા દૂર કરવા નરમ ટુથ બ્રશથી હોઠ પર માલિશ કરો.
જડબું અને હડપચી
ગાલ કરતા જડબું વધુ જાડા સ્નાયુઓથી બનેલું છે. આ જ કારણે બેવડી હડપચીની સમસ્યાનો સામનો કરવો પડે છે.વજન વધવા ઉપરાંત જડબામાં પ્રવાહી અને ઝેરી તત્વો જમા થવાની પણ આ નિશાની છે. આ સમસ્યાથી બચવા હડપચીની નીચે અંગુઠા રાખી વચ્ચેની ત્રણ આંગળીઓ ઉપર રાખી દબાણ આપો અને ધીરે ધીરે આંગળીઓ ફેરવો. જડબાના હાડકાના છેવાડે આવતા (કાનની બૂટ નજીક) વધુ દબાણ આપો. દિવસ દરમિયાન શક્ય હોય તેટલી વાર આ વ્યાયામ કરવાથી ઘણો ફાયદો જણાશે.બે ચમચી ઓટમીલ અને એક ટેબલ સ્પૂન બદામનું તેલનું મિશ્રણ લગાડવાથી ત્રણથી છ મહિનામાં ફાયદો જણાશે.
ગરદન અને ખભા
વધતી જતી ઉંમરની અસર ગરદનપર ઝડપથી થાય છે.અને શરીરનું આ જ અંગ ખૂબ જ કામગરું અને નમણું છે એ વાતમાં કોઇ શંકા જ નથી. અને આ અંગની નજાકત જાળવી રાખવા ટેકાવાળી ખુરશી પર બેસી માથાને એક તરફ ફેરવો. આ દરમિયાન હડપચી ખભાની ઉપર રહેવી જોઇએ.

  • નીપા