Sahiyar

ઉજાસના અવસરે ઘર-આંગણાનો શણગાર

By GS Team
2 Nov 20264 mins read
ઉજાસના  અવસરે ઘર-આંગણાનો શણગાર

''જેવું જેનું મન તેવું તેનું આંગણું
એ પુરાણી ઉક્તિ યથાર્થ છે! તંદુરસ્ત, સ્વસ્થ, સ્વચ્છ મન હોય ત્યારે તેનું શરીર પણ એવો જ સાથ આપે છે અને આ તન અને મનનું પ્રતિબિંબ આંગણામાં ઝીલાય છે.
આંગણુ એ ગૃહ પ્રવેશનું પ્રથમ સોપાન છે અને તે પ્રવેશમાં જેટલી પ્રસન્નતા, ઉલ્લાસ વેરાયા હોય છે. તેટલી ઘરની સુખ-સમૃદ્ધિની માત્રા વધતી હોય છે. આંગણાને સ્વચ્છ રાખવાનો આપણો આગ્રહ હોય છે પણ તેને શણગારવાનુ ંકામ આપણે માત્ર વાર તહેવાર કે શુભ પ્રસંગે જ કરતા હોઈએ છીએ, ખાસ કરીને દિવાળીના દિવસોમાં આંગણુ બારણું, ચોકની સજાવટ ખાસ થાય છે. અને એ રીતે દિવાળીનું મહત્ત્વ સમજાય છે.
દિવાળી એટલે સામાજિક, ધાર્મિક, મનોરંજક તહેવારનો સંગમ દિવાઓનો પ્રકાશ પથરાતા કાળીરાતના અંધકારના ઓળા અદ્રશ્ય થતા નજરે પડે છે. દિવાળીના પ્રસંગને પણ અનેરા શણગાર સજી તહેવારને વધાવીએ છીએ એ જ રીતે આંગણાને પણ સજી-ધજીને તેને પુનિત પાવન કરવાનું કામ સદીઓ જુનું છે.

કેટલાંક ઘરોમાં ખાસ કરીને ગામડાઓમાં હજી આજે પણ આંગણામાં તુલસીનો ક્યારો, ક્યારામાં દીવોને દીવા નીચે સાથિયો બનવા લાગ્યા છે. ત્યારે આંગણા સંકોચવા લાગ્યા છે તેનું ક્ષેત્રફળ ઘટવા લાગ્યું છે.
૧૦ ટ ૧૨ની (ફૂટની) ઓરડીનું આંગણું પાડોશી સાથે બે ભાગમાં વહેચાય છે! એવા આંગણાને શણગારવાનુ ંકામ, સજાવવાનું ગૃહિણી માટે કલાત્મક બની જાય છે! ફ્લેટનુંય નાનું આંગણુ હોય તોય તેને સજાવવાથી જિંદગીના અનેક અજંપાને ટેન્શનમાં મધુર રાહત રહે છે.
આંગણાની સજાવટમાં દિવાળીમાં ખાસ કરીને સાથિયા, દિવડાની હારમાળા, આસોપાલવના તોરણ, ફુંડાઓ અને ફૂલ-પાનના શણગાર કરી શકાય.
સાથિયાના પલટાતા રંગો
પારસી કોમના આંગણામાં સદાય બીબા ઢાળેલો ચુનાનો સાથિયો બારેમાસ તમારું સ્વાગત કરતો હોય છે? મહારાષ્ટ્રમાં ભોજનના થાળ નીચે પાટલા પર રંગોળી ચીતરાય છે. આપણે ત્યાં ધાર્મિક વાર-તહેવારે સાથિયા થાય છે. હવે આધુનિક યુગમાં સાથિયાનું ય સ્વરૂપ બદલાયું છે.
રંગોેળી અને કરોટીના ભુકાનુ ંસ્થાન આધુનિક સ્ટિકર્સે લઈ લીધું છે, પ્લાસ્ટિકના વિવિધ રંગીન ડિઝાઈનના તૈયાર, વિવિધ આકારના સ્ટિકર્સના બે ત્રણ ફાયદા છે. તેને બહારથી લાવી ટાઈલ્સ પર ચિપકાવી દેવાના અને ન જોઈએ ત્યારે ઉખેડી લેવાના! કોઈ બાળક એની ઉપર ચાલી જાય તોય વાંધો નહીં.
પણ સ્ટિકર્સમાં કલાના સ્પર્શનો અભાવ લાગે છે! ગૃહિણીની હૃદય-પૂર્વકની શણગારની પ્રીતિનો અભાવ મને હંમેશ લાગે છે! આંગણાને શણગાર માટે થોડા પ્રયત્નોની કચાશ તેમાં પ્રાણ પૂરી શકતી નથી. ચિરોટીના રંગોથી, ચોકની લાકડીથી અલ્પનાના ચુનાના બનાવેલાં રેખાંકનો આગંતુકની જે પ્રશંસા મેળવે છે તે સ્ટિકર્સ મેળવી શકતા નથી. તેમાં ભૌતિકતાનું ધોરણ નીચું હોય તેમ લાગે છે. એટલે બહેનો થોડો પરિશ્રમ લઈને પણ રંગોળી બનાવે એ સ્પર્શ વધુ પ્રાણવંતુ બની જાય છે. તેમાં ફૂલ, અનાજ, રેતી, કોલસો,લાકડાનો વ્હેર, રંગોે પાનડાની વિવિધતા વગેરે ઘણું બધું વાપરી શકે છે. આવી રંગોળીપ્રાંગણને નવું રૂપ આપે છે. આંગતુકનો તે ઉમળકાભેર સત્કાર કરે છે.
દીવડાઓમાં આધુનિકતા
''ગગન ગોખે દીવડો એક ચાંદ
ને આંગણામાં તેજ ભર્યો દીપ,
અંતરમાં ઝળકી રહ્યો પ્રેમ
ને આંગણામાં શતશત તેના તેજ.''
એવી પંક્તિઓ આપો આપ જ સ્ફૂરી ગઈ છે!
આંગણામાં ઉંબરો તો હવે અદ્રશ્ય છે. નવા મકાનોની ગુંથણીમાં પણ ઊંબર ઉપર, ટોડલા ઉપર કોડિયા એ દિવાળીના જીવંત પ્રતીક છે! એક નાનું સરખું કોડિયું દૂરથી અનુપમ શણગાર બની ગયું છે! પણ શહેરોની બલિહારી એવી છે કે દિવાઓ પણ ઈલેક્ટ્રીક લાઈટના પ્રકાશિત હોય! તેલના આસમાને જતાં ભાવ દીવડાનો પ્રકાશ ઝૂંટવી લે છે એવું લાગે છે! અનુકૂળતા માટે ભલે ઈલેક્ટ્રીક લાઈટની હારમાળા રચાઈ હોય ને તેનો પ્રકાશ ઝબુક ઝબુક થતો હોય પણ કોડિયું જેપ્રાણ પાથરે છે જે ઉજાસ પાથરે છે તે જ આંગણાનો સાચો શણગાર છે! કંઈ નહીં તો આંગણુ સુંદર લાગે જ છે! જીવંત લાગે છે.
તોરણમાં આધુનિકતા
વિજ્ઞાાન જેટલું આગળ વધતું જાય છે તેટલી જીવનની સ્વાભાવિકતા લુંટાતી જાય છે. બારણે સ્વાગત કરતાં આસોપાલવના તોરણ જેટલા જીવંત લાગે છે એટલા બીજા એ કે તોરણ લાગતા નથી! પણ હવે તેમાં પ્રવેશેલી ફેશને ભરત-ગુંથણને વેલ્વેટના કપડાના તૈયાર તોરણ લટકાવી દીધાં છે! ગમે ત્યારે ખીલામાં ભરાવી દેવાનું! પણ આસોપાલવ અને હજારી ગોટાના ફૂલના હાર જેટલી પ્રસન્નતા આપે છે તેવી પ્રસન્નતા બીજા કોઈ શણગાર આપતો નથી. એટલી હદ સુધી આધુનિકતા પ્રવેશી છે કે આસોપાલવના પાન પણ પ્લાસ્ટિકના! એટલાં તો આબેહૂબ કે છેતરાઈ જવાય! પણ આંગણાને ખરેખર સજાવવું હોય તો જીવંત પાન ચૂંટીને તોરણ બનાવી જુઓ. હૃદયને એક નવા ઊમંગની ભેટ મળી જશે ને ચિરંજીવ પણ હશે.
ફૂલ-ઝાડ ને કુંડા
જેમને સગવડ હોય તેઓ પ્રવેશદ્વારમાં ફૂલ-ઝાડના કુંડા પણ મુકે તો પ્રવેશ સુંદર આકર્ષક બની રહે છે, એથી ય વધુ સગવડ હોય તો મોટો ફ્લાવર વાઝ તૈયાર કરી બારણામાં ગોઠવી દેવાથી આવનારા ઘણા જ પ્રસન્નતા અનુભવે છે! ફ્લાવર-વાઝને માત્ર દિવાનખાનાનો શણગાર ન બનાવતાં તેને આંગણાનો શણગાર પણ બનાવી શકાય.
આંગણામાં જેટલી મૌલિકતા સાહજીકતા અને નવીનતા હશે તેટલી તેની મહત્તા વધવાની છે. પ્રકૃતિના આ અંશોેને વિજ્ઞાાન યુગમાં વિસારે પાડવા જેવા નથી, નહીંતર જીવન અને પ્રસન્નતા બંને યંત્ર વત્ બની જશે!

  • અમલા