Sahiyar

દાવત : શ્રાવણનો સથનારો : ફરાળી વાનગીઓ

By GS Team
24 Aug 20264 mins read
દાવત : શ્રાવણનો સથનારો : ફરાળી વાનગીઓ

બકુલ વડાં
સામગ્રી : ૬ કાચાં કેળા, ૧૦૦ ગ્રામ શિંગોડાનો લોટ, મરચાંનો ભૂકો, મીઠું, કોથમીર, લીલાં આદુ-મરચાં, કોપરું, લીંબુ, ખાંડ, તળવા માટે ઘી.
રીત : કેળાંના ગોળ મોટા ટુકડા કરી છાલ સાથે જ બાફી નાખવા. બફાઈ ગયા પછી છાલ ઉતારીને સરખું મસળી નાખોને પ્રમાણસર મીઠું, આદુ-મરચાં, ખાંડ, લીંબુ- કોપરું, કોથમીર વગેરે ભેળવો. પછી શીંગોડાનો લોટમાં તેલનું મોણ નાંખીને મીઠાના પાણીમાં લોટ બાંધોને પછી રોટલીની જેમ વણો. તેની ઉપર કેળાનો મસાલો સરખી રીતે ચોપડો, ને પછી ગોળ વાળો. પછી ચપ્પુ વડે નાના ટુકડા કરો તે ટુકડાને હાથ વડે દાબીને કડાઈમાં તેલ ગરમ મૂકીને તળો. બદામી થાય એટલે કાઢી લેવા. જો ફરાળ માટે ન કરવા હોય તો ગરમ મસાલો તથા લાલ મરચાં નાંખવા.

શિંગોડાના લોટની પાપડી
સામગ્રી : ૨૫૦ ગ્રામ શિંગોડાનો લોટ, ૧૦૦ ગ્રામ ખાટું દહીં, મીઠું, જીરું , તેલ, ઉપર ભભરાવા માટે કોપરું કોથમીર.
રીત : ખાટા દહીંની છાશ બનાવી લોટનું પ્રમાણ હોય તેના કરતાં ત્રણ ગણું પાણી નાખી છાશ બનાવી, તે છાશમાં લોટ, મીઠું નાખી ખીરું બનાવવું. પછી સગડી ઉપર ધીમા તાપે એક બાજુ હલાવ્યા કરવું. બરાબર ઘટ્ટ થઈ જાય અને તપેલીથી છૂટું પડે એટલે તેને પ્લાસ્ટિકના કકડા ઉપર પાતળું પાથરી દેવું. પછી ઠરી જાય એટલે તેના ઉપર તેલ અને જીરાનો વઘાર કરી ઉપર કોપરું, કોથમીર ભભરાવવું. ગરમાગરમ સ્વાદિષ્ટ લાગે છે
ફરાળી પાંદડા
સામગ્રી : ૧૫ અળવીના પાન, ૨૫૦ ગ્રામ શિંગોડાનો લોટ, ૧૦૦ ગ્રામ સીંગદાણા, ૧ કેળું, જોઈતા પ્રમાણમાં મીઠું, આદુ-મરચાં, ગરમ મસાલો, ખાંડ, દહીં, ઘી અથવા તેલ.
રીત : શિંગોડાના લોટમાં બધો મસાલો નાંખીને પાંદડા માટે ખીરું તૈયાર કરવું. એ ખીરામાં થોડોક સીંગનો ભૂકો અને એક કેળાનો છુંદો નાંખવો એ તૈયાર થાય પછી બે ચમચી તેલ નાંખીને હલાવવું. પાનને ધોઈને બધી નસો કાઢી નાખવી. અને તૈયાર કરેલું ખીરું ચોપડીને પાંદડાના વીટા તૈયાર કરવા. વીંટા વળાઈ જાય પછી તે પાણીમાં વરાળથી બફાઈ જાય એટલે તેના ઝીણા ઝીણા ટુકડા કરી તેલમાં તળવા અથવા વઘાર કરવો.

ખજૂર અને સીંગની બરફી
સામગ્રી : ૩૦૦ ગ્રામ ખજૂર, ૩૦૦ ગ્રામ મગફળીનો ભુક્કો, ૧૦૦ ગ્રામ માવો, ૪૦૦ ગ્રામ ખાંડ, ૧ ચમચો દૂધ, થોડોક વરખ, એક ચમચો ઘી.
રીત : ખજૂરને સાફ કરી તેના ઠળિયા કાઢી દૂધ નાખી તેનો માવો બનાવવો. મગફળીને શેકી તેનો ગર કાઢી નાખવો. ત્યાર બાદ ખાંડની ચાસણી બનાવો. ચાસણી બે-તારની હોવી જોઈએ. ચાસણી તૈયાર થાય પછી મગફળીનો ભૂકો / ખજૂરનો માવો નાંખી હલાવવું અને થાળીમાં કાઢી લેવું ઉપરથી વરખ લગાડવો.

સાબુદાણાનું પુડિંગ
સામગ્રી : ૧ વાટકી સાબુદાણા, ૯ વાટકી દૂધ, એલચી (૪થી ૫), રોઝ એસેન્સ, ગુલાબી રંગ, ૧ વાટકી ખાંડ, સીઝન પ્રમાણે બધાં ફ્રુટ.
રીત : પહેલાં ૧ વાટકી સાબુદાણાને બે કલાક પલાળી રાખવાના. પછી તેને કોરા કરવાના. અને ૧ વાટકી સાબુદાણામાંથી ૩ વાટકી થઈ જશે ત્યારબાદ મોટા તપેલામાં સાબુદાણા નાખી અને જે ત્રણ વાટકી સાબુદાણા થયાં હોય તેનાથી ત્રણ ગણું દૂધ નાખવું. અને પછી તેમાં ગુલાબી રંગ નાખી ગેસ પર ઉકળવા દેવું. અને તે જાડું થઈ જાય એટલે તેને પાંચ મિનિટે ઓવનમાં મુકવાનું, જેથી સાબુદાણા ફૂલી જશે અને ઓવનમાંથી કાઢ્યા બાદ તેને થોડીવાર પછી ફ્રીઝમાં ૧૦-૧૫ મિનિટ ઠંડું થવા દેવાનું. પછી તેમાથી કાઢીને અને બધા ફ્રુટ નાખવા અને ચેરી, ટૂટી-ફ્રૂટી અન ેબધા ફ્રૂટથી ડેકોરેશન પણ કરી શકાય. પછી ખાવાના ઉપયોગમાં લઈ શકાય.

બટાટાનાં માલપૌંઆ
સામગ્રી : ૨૫૦ ગ્રામ બટાટા, ૧૦૦ ગ્રામ સોજી, ૩૦૦ ગ્રામ ખાંડ, ૧૦૦ ગ્રામ ઘી.
રીત : બટાટા બાફી છાલ ઉતારી છીણી નાંખો. સાકર તથા સોજી ભેંગા કરી તેમાં થોડું પાણી નાંખો. તવીમાં ઘી મૂકી તેને ગરમ થવા દો. તૈયાર કરેલા બટાટાના માવાને તવી ઉપર મૂકી ગોળાકાર બનાવો અને ગુલાબી રંગ થાય એટલે ઉલટાવો. બટાટાનું છીણ, સોજી, ખાંડ ત્રણે મિક્સ કરવું. તવામાં ઘી મૂકી માલપુવા ઉતારવા. ગરમ અને કરકરા હોય ત્યારે જ પીરસવા.

ફરાળી સામાની ઈડલી
સામગ્રી : ૧ કિલો સામાનો લોટ, ૨૫૦ ગ્રામ ખાટુ દહીં, ૨ ટી.સ્પૂન સોડા, એક ઝૂડી કોથમીરની , મીઠું પ્રમાણસર, થોેડું તેલ.
રીત : સૌપ્રથમ સામાના લોટને રાત્રે ઢોકળાની જેમ દહીં, મીઠું તથા જોઈતું પાણી નાખી આથો આપવો. પછી સવારે આથો આવી જાય એટલે એક વાટકીમાં બે ચમચી તેલ નાખી તથા ૨ ટી.સ્પૂન (નાની ચમચી) સોડા નાખી ગરમ કરવા મુકવું. પછી સ્હેજ ઉભરો આવે એટલે તરત જ ઈડલીના આથામાં નાખી દેવું, હલાવવું, પછી કોથમીર નાખી વાટકી ભરી અથવા ઈડલી સ્ટેન્ડમાં ભરી એક તપેલામાં કાંઠલો મુકી ચારણી મૂકવી તેમાં વાટકી ગોઠવી દેવી પછી ઉપર થાળી ઢાંકી દેવી. ૧૫ મિનિટ અથવા દસ મિનીટે જોવું. થઈ ગયું હોય તો ઉતારી લેવી. આ રીતે ઢોકળા પણ બને છે. આથો ઈડલીનો છે તેજ ચાલે પણ તેમાં થાળીએ સ્હેજ સોડા અને પાણી નાખી તપેલીમાં હલાવી થાળીમાં નાખવું પછી થાળી મૂકવી.

ચટણી બનાવવાની રીત
દહીંની ચટણી : ૨૫૦ ગ્રામ દહીં, ખાંડ, લીલા મરચાં, ધાણાજીરુ, મીઠું, કોથમીર, સુકી દ્રાક્ષ.
રીત : દ્રાક્ષને સાફ કરી દહીં ભાગીને અંદર નાંખવી. કોથમીર, મીઠું પણ દહીમાં નાખી દેવું પછી ખાંડ નાખી સારી રીતે હલાવવું અને ત્યારબાદ પીરસવું.
આંબલીની ચટણી : આમલી, મીઠું, ગોળ, જીરુ, શિંગદાણા, જાડુ પાણી બનાવી તેમાં ગોળ, મીઠું, જીરું, ખાંડીને શિંગદાણાનો ભુકો વગેરે નાંખવું. આ ચટણી ઘટ્ટ બનાવવી જેથી ખાવામાં ફાવે.

  • હિમાની