દાવત : સોયાબીનની ટેસ્ટી વાનગીઓ

સોયાબીન પાપડી ચાટ
સામગ્રી : ૧ કપ સોયાબીનનો લોટ, ૧ કપ મેંદો, ૧ ચમચો તેલ મોણ માટે, મીઠું સ્વાદ મુજબ, તળવા માટે તેલ.
સર્વ કરવા માટે : ૨ બાફેલાં સમારેલાં બટાકાં, ૧ કપ વલોવેલું દહીં, ૧/૪ કપ ગળી ચટણી, ૧ ચમચો ભુજિયાં સજાવવા માટે, સમારેલી દ્રાક્ષના થોડા દાણા, મીઠું અને ચાટ મસાલો સ્વાદ મુજબ.
રીત : સોયાબીનનો લોટ અને મેંદો મિક્સ કરો. એમાં મોણ અને મીઠું નાખી પૂરી જેવો કઠણ લોટ બાંધો. તેને પાંચ મિનિટ સુધી ઢાંકીને રાખો. પછી પાતળી પૂરી વણી કટરથી ગોળ પાપડી કાપો. તેને સોનેરી રંગે તળી લો.એક પ્લેટમાં પાપડી મૂકો. દરેક પાપડી પર થોડાં સમારેલાં બટાકાં મૂકો. પછી તેના પર દહીં અને મીઠું, ચાટ મસાલો વગેરે નાખો. ભુજિયાં અને દ્રાક્ષથી સજાવીને સર્વ કરો.
ઓવન સોયાબીન સેન્ડવીચ
સામગ્રી : ૪-૬ સ્લાઈસ બ્રેડ, ૧/૨ કપ સોયાબીન, ૧/૨ કપ ટામેટાંનો સોસ, ૧ ચમચી કોર્નફલોર, ૧/૨ ચમચો બટર, ૧ નાની ડુંગળી ઝીણી સમારેલી, ૧/૨ ચમચી આદુંની પાતળી ચીરીઓ, ૧ ક્યૂબ ચીઝ, મરી અને મીઠું સ્વાદ મુજબ.
રીત : સોયાબીન ધોઈને રાત્રે પાણીમાં પલાળી દો. તેમાં મીઠું નાખી કૂકરમાં બાફી લો. પેનમાં બટર ગરમ કરો. ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. પછી તેમાં સોયાબીન નાખી થોડીવાર હલાવો. તેમાં ટોમેટો સોસ નાખી થોડા પાણીમાં કોર્નફલોર ઘોળી એ પણ મિક્સ કરી દો.
તેને બરાબર હલાવો. મિશ્રણમાંથી પાણી શોષાઈ જાય એટલે નીચે ઉતારી લો. બ્રેડની કિનારી કાપી તેના પર થોડું બટર લગાવો. તેના પર એક ચમચી સોયાબીનનું મિશ્રણ મૂકી ઉપર છીણેલું ચીઝ ભભરાવી બે મિનિટ ઓવનમાં મૂકો. ચીઝ ઓગળી જાય પછી આદુંની ચીરીઓથી સજાવીને ગરમાગરમ સર્વ કરો.
ચટપટા ફ્રાઈડ સોયા ચંક્સ
સામગ્રી : ૧૦૦ ગ્રામ સોયા નગેટ્સ, ૧ ચમચો લોટ, ૧ ચમચો કોર્નફલોર, ૧ ચમચી આદું, મરચાં અને લસણની પેસ્ટ, ૧-૧ ચમચી ટામેટાં અને સોયા સોસ, ૩ લીલી ડુંગળી ઝીણી સમારેલી, મીઠું સ્વાદ મુજબ, તળવા માટે તેલ.
રીત : સોયા નગેટ્સને પાણીમાં અડધો કલાક પલાળી રાખો. પછી બીજા પાણીમાં નરમ થાય ત્યાં સુધી બાફી લો. બધી સામગ્રી મિક્સ કરી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં નગેટ્સ અડધો કલાક સુધી રાખી મુકો. એક પેનમાં તેલ ગરમ કરો. હવે મેરીનેટેડ ચંક્સ સોનેરી રંગના તળી લો. ચટપટા ફ્રાઈડ ચંક્સ ચા સાથે સર્વ કરો.
સોયાબીન રેપ્સ
સામગ્રી : ૧ કપ સોયાબીન, ૧ કપ ટામેટાનો સોસ, ૧ નાનું સિમલા મરચું ઝીણું સમારેલું, ૧ ચમચી કોર્નફલોર, ૧ ચમચો બટર, ૧ નાની ડુંગળી ઝીણી સમારેલી, મીઠું અને મરી સ્વાદ મુજબ.
પેનકેકની સામગ્રી : ૧/૨ કપ ચણાનો લોટ, ૧/૨ કપ મેંદો, ૧/૪ કપ કોર્નફલોર, ૧૧/૨ કપ દૂધ, ૧ ચમચી લીલાં મરચાંની પેસ્ટ, મીઠું સ્વાદ મુજબ, ૧ ચમચો ઘી પેનકેક શેકવા માટે.
સર્વ કરવા માટે : ડુંગળીનાં પતીકાં અને ટામેટાનો સોસ, પાર્સલે.
રીત : સોયાબીન ધોઈને રાત્રે પાણીમાં પલાળી રાખો. સવારે કૂકરમાં બાફી લો. પેનમાં બટર ગરમ કરો. તેમાં ડુંગળી ગુલાબી રંગની સાંતળો. હવે સમારેલું સિમલા મરચું નાખી થોડીવાર સુધી સાંતળો. તેમાં ટોમેટો સોસ નાખો. થોડા પાણીમાં કોર્નફલોર ઘોળીને ટોમેટો સોસમાં મિક્સ કરી હલાવો. તેમાં બાફેલા સોયાબીન નાખી હલાવો. જ્યારે આ મિશ્રણ થોડું નરમ બની જાય પછી તેમા ંમીઠું અને મરી નાખી નીચે ઉતારી લો. ચણાનો લોટ, મેંદો અને કોર્નફલોર સારી રીતે મિક્સ કરો. એક બાઉલમાં નાખી તેમાં દૂધ મિક્સ કરી પેનકેક માટેનું ખીરું તૈયાર કરો. એ જ વખતે તેમાં લીલાં મરચાંની પેસ્ટ મિક્સ કરો. પેનમાં તેલ લગાવી એક ચમચો ખીરું ફેલાવી દો. તેને બન્ને બાજુથી ગુલાબી રંગે શેકી લો. સોયાબીનની સામગ્રીમાંથી એક ચમચો લઈને પેનકેક પર મૂકો. હવે પેનકેકને વાળી નાખો. એક પ્લેટમાં ત્રણ-ચાર પેનકેક મૂકો. ડુંગળીનાં પતીકાં મૂકો. ટામેટાંનો સોસ અને પાર્સલેથી સજાવી સર્વ કરો.
સોયાબીન પોટેટો કટલેટ
સામગ્રી : ૧/૪ કપ સોયાબીનની દાળ, ૪ મોટાં બટાકાં બાફેલાં, ૨ સમારેલાં લીલાં મરચાં, ૧ ચમચો સમારેલી કોથમીર, ૧/૨ ચમચી ગરમ મસાલો અને આમચૂર-પાઉડર, તળવા માટે તેલ, મીઠું સ્વાદ મુજબ, ૧ ચમચો છીણેલું નાળિયેર.
રીત : સોયાબીનની દાળને અડધો કલાક પાણીમાં પલાળી રાખો. પછી તેને ઝીણી વાટી લો. દાળમાં બટાકાં, લીલાં મરચાં, કોથમીર અને નાળિયેર મિક્સ કરી તેને કટલેટનો આકાર આપો. બધી કટલેટ્સ ગરમ તેલમાં સોનેરી રંગની તળી લો. પછી ખટમીઠી ચટણી સાથે સર્વ કરો.
સ્ટીમ્ડ સોયા વડાં
સામગ્રી : ૧/૨ કપ આખા મસૂર, ૧/૨ કપ સોયાબીનની દાળ, ૩ લીલાં મરચાં, ૧ ચમચો છીણેલું લીલું નાળિયેર, ૧/૪ ચમચી હળદર, ૧ લીંબુનો રસ, ૧ ચમચો ઝીણી સમારેલી કોથમીર, ૧ ચમચો તેલ, થોડી હિંગ મીઠું.
રીત : આખા મસૂર સોયાબીનની દાળ, લીલાં મરચાં, નાળિયેર અને હિંગ મિક્સ કરી તેમને ઝીણા પીસી લો. બની શકે તો તેમાં પાણી ન નાખો. આ મિશ્રણમાં તેલ અને લીંબુનો રસ સારી રીતે મિક્સ કરી લો. પછી તેમાંથી નાના નાના રોલ બનાવી લો. તૈયાર રોલ ચાળણીમાં મૂકી ૧૦-૧૫ મિનિટ વરાળમાં બાફી લો. રોલ ઠંડા પાડી તેમાંથી નાના ટુકડા કાપી લો. ગરમાગરમ વડાં પછી ચટણી સાથે સર્વ કરો.
- હિમાની




