Sahiyar

દાવત : મોસમ આવી પૌષ્ટિક વાનગીઓની

By GS Team
12 Oct 20264 mins read
દાવત : મોસમ આવી પૌષ્ટિક વાનગીઓની

બદામનો હલવો
સામગ્રી : બદામના ફડચા ૧/૨ કપ, ખાંડ ૧.૧/૪ કપ, મેંદો ૧/૨ કપ, પાણી ૨.૧/૨ કપ, ઘી ૧.૧/૪ કપ, કેસર અથવા લેમન યલો કલરનાં થોડાં ટીપાં, ગુલાબનું એસેન્સ.
રીત : ખાંડમાં ૧.૧/૪ કપ પાણી રેડી ગરમ કરવું. ખાંડ ઓગળે એટલે ૧ ટે. સ્પૂન દૂધ નાંખી મેલ કાપવો. પિત્તળની તાવડીમાં ચાસણી ગાળી, ધીમા તાપે ગરમ રાખવી. મેંદામાં ૧.૧/૪ કપ પાણી રેડી ખીરું બનાવવું. બદામના ફડચાને થોડા પાણીમાં અડધો કલાક પલાળીને નિતારી લેવા. થોડા ફડચા કોરા રાખવા. ઘીને ગરમ કરવું. ઉકળતી ચાસણીમાં ઘી તથા મેંદાના ખીરાની એકસાથે ધાર કરવી. સતત હલાવવું. ઘટ્ટ અને પારદર્શક થાય ત્યાં સુધી ગેસ પર રાખી નીચે ઉતારી બદામનાં ફડચા, કેસર તથા એસેન્સ નાંખવા. એક પ્લેટમાં કાઢી ઉપર થોડા બદામનાં ફડચા ગોઠવવા.

જૈન વેજીટેલ મક્ખનવાલા
સામગ્રી : ફણસી ૧૦૦ ગ્રા., વટાણાના દાણા ૧ કપો, મલાઈ ૧ કપ તાજી, દૂધ ૧ કપ, માખણ ૨ ચમચા, તેલ તળવા માટે, ગરમ મસાલો ૧ ચમચી, ફ્લાવર ૧૦૦ ગ્રા., કાચું કેળું એક ત્રણધારી, મેંદો ૨ ચમચી, ટામેટાંનો સોસ ૩ ટેબલ સ્પૂન, લાલ મરચું અડધી ચમચી, મીઠું સ્વાદ મુજબ.
રીત : ફણસીને લાંબી કાપવી. કેળાંની છાલ કાઢી લઈ તેની લાંબી (લગભગ ૨ ઇંચ) અને પાતળી ચીપ્સ કાપવી. તેને ગરમ તેલમાં તળવી. ફણસી, વટાણા, મોટું સમારેલું ફ્લાવર, મીઠાના પાણીમાં બાફી લેવા. દૂધ, મલાઈ, મેંદો અને સોસ એક વાસણમાં મિક્સ કરવા. બીજા એક વાસણમાં માખણ ગરમ કરી તેમાં બાફેલું શાક નાંખી મિક્સ કરેલું દૂધ, મલાઈ અને સોસ નાંખવા. સ્વાદ મુજબ મીઠું, લાલ મરચું નાંખવું. ૧ ચમચી ગરમ મસાલો નાંખવો. ધીમા તાપે ઘટ્ટ થાય ત્યાં સુધી રહેવા દેવું.

આંબળા પાક
સામગ્રી : ૧ કિ. આંબળા-મોટાં લેવા, ૧।। કિ. સાકર, ૧૦૦ ગ્રામ ઘી, ૧૦૦ ગ્રા. બદામ, ૫૦ ગ્રામ ચારોળી, ૨૫ ગ્રામ પિસ્તા, ૧ ગ્રામ કેસર, ચપટી બરાસ, ચાંદીનો વરખ.
વસાણું : વાંસકપુર, એલચી, ધોળી મૂસળી, કાળી મૂસળી, પીપર, સફેદ મરી, ગંઠોડા, ગોખરુ, આસન દરેક ૦।। તોલો લેવું. (અર્ધો તોલો એટલે ૫ ગ્રામ લેવું.) તજ, લવિંગ, નાગકેસર, સૂંઠ, જાવંત્રી, દરેક ૦। તોલો લેવું.
રીત : આંબળાને વાંસની સળીથી કાણાં પાડી, ચૂનાના પાણીમાં એક રાત પલાળી રાખવાં. બીજે દિવસે પાણીથી ધોઈ, આંબળા બફાય તેટલું જ પાણી નાંખી, ધીમા તાપ ઉપર બાફવા મૂકવા. બફાઈ જાય પછી ઠળિયા કાઢી, સ્ટીલની અથવા પિત્તળની કલાઈવાળી ચાળણી ઊંધી પાડી તેના ઉપર છીણી નાંખવાં. જેથી રેસા અને છોડા નીકળી જશે. પછી તેની અંદર સાકરનો ભૂકો નાંખી, ગેસ ઉપર મૂકી હલાવતા રહેવું. ઉપર જણાવેલાં બબધાં વસાણાં ખાંડી, ચાળી અંદર નાંખવાં. કેસરને ગરમ કરી, વાટી, દૂધમાં ઘૂંટી અંદર નાંખવું. બદામ-પિસ્તાં અને ચારોળીનો ભૂકો નાંખીને બરાબર ઠરે ત્યારે ઉતારી, એલચી, બરાસનો ભૂકો નાંખી, થાળીમાં ઘી લગાડી પાક ઠારવો. સાધારણ ઠંડો પડે એટલે ચાંદીનો વરખ લગાડવા.
નોંધ : આંબળા ખૂબ પૌષ્ટિક છે. તેમાં રહેલું વીટામીન 'સી' ગરમ થવા છતાં નાશ પામતું નથી. માટે આંબળાનો પાક, જેમ, શરબત, છૂંદો, અથાણું ગમે તે મનપસંદ વાનગી બનાવી બાળકોને ખવડાવો.
ઓરેન્જ ફ્રૂટ જેલી
સામગ્રી : જિલેટીન ૨ એન્વેલપ, પાણી ૧ કપ, ગરમ પાણી ૧.૧/૨ કપ, ખાંડ ૧ કપ, મીઠું ૧ ચપટી, લીંબુનો રસ ૨ ટે.સ્પૂન, સંતરાનો રસ ૨ કપ, ૩ સંતરાની છોલેલી ચીરીઓ.
રીત : જિલેટીનને પાણીમાં પલાળવું. ૫ મિનિટ પછી તેના ઉપર ઊકળતું પાણી, ખાંડ તથા મીઠું નાંખવાં. જિલેટીન તથા ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવવું. ઠંડુ કરવું. લીંબુનો રસ તથા સંતરાનો રસ નાંખવો. મોલ્ડમાં ચાર ટેબલસ્પૂન જેલીનું પાણી રેડી સેટ કરવું. સેટ થયેલી જેલી ઉપર સંતરાની ચીરીઓ ગોઠવવી. પાછું થોડું જેલીનું પાણી રેડવું. ફરીથી રેફ્રિજરેટરમાં સેટ થવા માટે મૂકવું. બાકીનું જેલીનું પાણી રેડી સેટ થવા માટે મૂકવું. ત્રણથી ચાર ક્લાસ પછી, બરોબર સેટ થાય પછી પ્લેટમાં અનમોલ્ડ કરવું. ક્રીમ અથવા આઇસસ્ક્રીમ સાથે પીરસવું.
વટાણા સાબુદાણાની પેટીસ
સામગ્રી : ૧ વાડકી સાબુદાણા, ૦।। વાડકી શીંગદાણા, ૧ કી. વટાણા, દ્રાક્ષ, કોથમીર, ૦।। ઝૂડી, ૫ લીલા મરચાં, ગરમ મસાલો ૨ ચમચી, ૩ લીંબુનો રસ, ૧ ચમચી અજમો, ૦।। વાડકી-નાળિયેરનું ખમણ, થોડા તજ, લવિંગ, મીઠું, મરચું, ૨ વાડકી મેંદો, સાકર, તેલ.
રીત : સાબુદાણા ધોઈને છૂટા પાડવા. શીંગ શેકીને ફોતરાં કાઢીને ખાંડવી. વટાણાને છોલીને છૂંટો કરવો. તજ-લવિંગને સાંતળવા અને પછી અંદર સાબુદાણા તથા શીંગને ધીમે તાપે શેકવાં. આછો બદામી રંગ થાય એટલે નીચે ઉતારવું. પછી તેમાં વટાણાનો છૂંદો, દ્રાક્ષ, મીઠું, મરચું, સાકર, ગરમ મસાલો, કોપરું, અજમો, કોથમીર, મરચાં તથા લીંબુનો રસ નાંખી બરાબર હલાવવું. મેંદાના લોટમાં જરા મીઠું નાંખી ઘીનું મોણ નાંખી લોટ બાંધવો. પૂરી વણી તેમાં ઉપરનું પુરણ ભરવું. પેટીસને હાથથી દબાવી તેલમાં તળવી. ટોમેટો કેચપ સાથે પીરસો.
-હિમાની