Sahiyar

દાવત : ચોખાની ચટાકેદાર વાનગીઓ

By GS Team
3 Aug 20265 mins read
દાવત : ચોખાની ચટાકેદાર વાનગીઓ

બેક્ડ બટર ચીઝ પુલાવ
સામગ્રી : એક કપ બાસમતી ચોખા, બે બાફેલા બટાટા, એક કાંદાની ચીર, બે ચીઝ ક્યુબ, બે ટામેટાં, બસ્સો ગ્રામ સફેદ માખણ, સ્વાદાનુસાર નમક અને મરીનો ભુકો.
રીત : ચોખાને પંદર મિનિટ સુધી પલાળી એકદમ છૂટાં રાંધો, ભાત રાંધતી વખતે તેમાં મીઠું નાખી દો. કડાઈમાં માખણ નાખી પીગળે એટલે તેમાં કાંદાની ચીર તળી લો. ત્યાર પછી ગ્રીસીંગ કરેલી ડીશમાં કાંદાની તળેલી ચીર ફેલાવી દો.
તેની ઉપર રાંધેલા ભાત ફેલાવો. ભાત ઉપર ટામેટાંની જાડી સ્લાઈસ કરીને ફેલાવી દો. તેની ઉપર ચીઝ છીણી લો. ડીશના કિનારે બાફેલા બટાટાની સ્લાઈસ કરીને સજાવો. ચીઝ અને બટાટા પર થોડા થોડા અંતરે થોડું થોડું માખણ નાખી આખી ડીશ પર મરીનો ભુકો છાંટો. અગાઉથી ગરમ કરી રાખેલા ઓવનમાં મધ્યમ આંચ પર આ પુલાવ બેક કરો, ગરમ ગરમ પીરસો.

સ્વીટ મેંગો રાઈસ
સામગ્રી : બે કપ બાસમતી ચોખા, ત્રણ મોટા ચમચા શુધ્ધ ઘી, સો ગ્રામ સાકર, અડધો કપ ખમણેલું નાળિયેર, બે પાકેલી કેરી, એક પાકી પણ કડક કેરી, થોડી કેસર, એક ચપટી મીઠું, એક ચપટી એલચી પાઉડર, દસ ઝીણી કાપેલી બદામ, દસ કાજુ અને એક મોટો ચમચો કિશમિશ.
રીત : ચોખા ધોઈને પંદર મિનિટ પલાળી રાખો. પાકેલી કેરીનો પલ્પ કાઢી મિકસરમાં નાખી એકરસ કરી લો, જાડા તળિયાવાળી કડાઈમાં ઘી નાખી તેમાં કાજુ તળીને કાઢી લો. આ ઘીમાં જ ધીમા તાપે ચોખા પાંચેક મિનિટ શેકો, ચોખા શેકાઈ જાય પછી તેમાં ચપટી મીઠું અને ચાર કપ ગરમ પાણી નાખી ભાત રાંધી લો. ભાત રંધાઈ ગયા પછી એક થાળીમાં નાખીને ઠંડા કરવા મુકો, બીજા વાસણમાં કેરીનો પલ્પ, સાકર અને નાળિયેર નાખી ઘટ્ટ થાય ત્યાં સુધી રાંધો. આ મિશ્રણને હળવા હાથે ભાતમાં મિક્સ કરો. કેસરને પણ દૂધમાં નાખી દૂધ કેસરનો રંગ પકડે એટલે ભાતમાં નાખી દો. સાથે એલચી- પાઉડર અને સુકો મેવો મિક્સ કરી દો. સર્વિંગ ડીશમાં નાખી ઓવનમાં પાંચ મિનિટ ધીમા તાપે ગરમ કરો. સર્વ કરવાથી પહેલા કેરીના ટુકડા વડે ડીશની ચારે તરફની કિનારી સજાવો.

પનીર હાંડી બિરયાની
સામગ્રી : બે કપ બાસમતી ચોખા, ચાર નંગ લવીંગ, ચાર નંગ નાની લીલી એલચી, એક તમાલ પત્ર, પાંચ નંગ આખી મરી, પાંચ સો ગ્રામ પનીર, બે કાંદાની પેસ્ટ, એક ચમચી આદુ-લસણની પેસ્ટ, બે મોટા ચમચા ટામેટાંની પ્યુરી, અડધી ચમચી લાલ મરચાંનો પાઉડર, પા ચમચી હળદર પાઉડર, એક ચમચી ગરમ મસાલા પાઉડર, અડધો કપ દહીં (ફેટેલી), એક મોટો ચમચો બારીક સમારેલો ફુદીનો, બે મોટા ચમચા શુધ્ધ ઘી, એક મોટો ચમચો વરિયાળીનો પાઉડર અને તેલ.
રીત : ચોખા ધોઈને ચાર કપ પાણી સાથે લવિંગ, લીલી એલચી, તમાલપત્ર, મરી અને મીઠું નાખી રાંધવા મુકો. ભાત અડધા રંધાય એટલે ઓસાવી લો. કડાઈમાં એક મોટો ચમચો તેલ નાખી કાંદાની પેસ્ટ શેકો, તેમાં ટામેટાંની પ્યુરી નાખો. તેમાં મીઠું, લાલ મરચાં, હળદર, એક ચપટી ગરમ મસાલો નાખી વધુ શેકો, પનીરના નાના નાના ટુકડા કાપી તેમાં નાખી થોડી વધુ વાર શેકો. ગેસ પરથી ઉતારી અલગ રાખી દો. એક હાંડીમાં થોડા રાંધેલા ભાત પાથરો. તેની ઉપર ફેંટેલુ દહીં પાથરો. તેની ઉપર પનીરનું શાક પાથરી શુધ્ધ ઘી, ગરમ મસાલો અને વરિયાળીનું પાઉડર છાંટો. ફરી પાછું ભાતનું થર અને અન્ય સામગ્રી પાથરો. છેલ્લે ભાત પથરાઈ જાય પછી તેના ઉપર બારીક સમારેલો ફુદીનો, તેલમાં શેકેલા કાંદા અને કોથમીર પાથરો. હાંડીને ઢાંકીને ઢાંકણને બાંધેલા લોટ વડે સીલ કરી દમ પર ધીમી આંચ પર સાતથી આઠ મિનિટ રાખો. સ્વાદિષ્ટ હાંડી બિરયાની તૈયાર થઈ જશે.

શાહી તિરંગા પુલાવ
સામગ્રી : ત્રણ કપ ચોખા, અડધો કપ ધોયેલી મગની દાળ, દોઢ કપ લીલા વટાણા, દોઢ સો ગ્રામ પનીર, એક ચમચી જીરું, ત્રણ નંગ આખા લાલ મરચાં, એક લીંબુ, અડધી ચમચી કાળા મરીનો પાઉડર, એક ચમચી આદુ-મરચાંની પેસ્ટ, એક ચપટી હીંગ, મીઠુ સ્વાદાનુસાર, અડધી ચમચી હળદર, બે મોટા ચમચા રિફાઈન્ડ તેલ.
રીત : ચોખાને ધોઈને પંદર મિનિટ પલાળી રાખો. પંદર મિનિટ પછી છૂટાં રાંધો. મગની દાળ પણ દસ મિનિટ પલાળી રાખો. પછી એક નોનસ્ટિક પેનમાં એક ચમચી તેલ ગરમ કરો. તેમાં અડધી ચમચી જીરૃં અને હીંગ નાખી વઘાર કરો. વઘારમાં જ આખા મરચાં અને હળદર નાખો. દાળમાંથી પાણી કાઢી વઘારમાં દાળ નાખો. સ્વાદાનુસાર મીઠું નાખી માપસર પાણી નાખી દાળ છૂટી રાંધો.રાંધેલા ભાતને ત્રણ ભાગમાં વહેંચી નાખો. પીળો ભાગ તૈયાર કરવા એક ભાગ ભાત રાંધેલી દાળમાં મિક્સ કરો. લીલા ભાત બનાવવા લીલા વટાણાને મિકસરમાં પાણી નાખ્યા વિના અધકચરા પીસી લો. કડાઈમાં તેલ ગરમ કરી તેમાં આદુ-મરચાંની પેસ્ટ નાખી શેકી લો. સ્વાદાનુસાર મીઠું અને અધકચરા વટાણા નાખો. વટાણાનું પાણી સુકાઈ જાય ત્યાં સુધી હલાવો. તેમાં રાધેલાં ભાતનો બીજો ભાગ નાખી હલાવો એટલે લીલો ભાત તૈયાર થઈ જશે. સફેદ ભાત માટે પનીરને એકદમ જાડંુ ખમણો. તેમાં અડધા લીંબુનો રસ, મરીનો ભુકો અને મીઠું ઉમેરો. ભાતનો ત્રીજો ભાગ તેમાં નાખી મિક્સ કરો. ત્રણે રંગના ભાત તૈયાર થઈ જાય પછી સર્વિંગ ડીશમાં ગોળાકારમાં અથવા સીધાં (કેકની જેમ) ભાત ગોઠવો. ધ્યાનાકર્ષક અને સ્વાદિષ્ટ- પૌષ્ટિક તિરંગા પુલાવ ગરમ ગરમ પીરસો.

ટામેટાંની બિરયાની
સામગ્રી : બે કપ બાસમતી ચોખા, અડધી ચમચી હળદર, બે ચમચી ખસખસ, એક મોટો ચમચો આદુ-લસણની પેસ્ટ, એક કાંદાની ચીર, બે ચમચી જીરૃં, એક ટુકડો તજ, ચાર આખા લાલ મરચાં, એક તમાલ પત્ર, એક મોટો ચમચો બારીક સમારેલી કોથમીર, પાંચ સો ગ્રામ ટામેટાં, ત્રણ મોટા ચમચાં રિફાઈન્ડ તેલ, મીઠું સ્વાદાનુસાર.
રીત : ચોખા ધોઈને ચાર કપ પાણીમાં પલાળો. પંદર મિનિટ પછી તેમાં હળદર મીઠું નાખી એકદમ છૂટાં રાંધો. દરમિયાન લાલ મરચાં, ખસખસ, તજ, જીરાને સુકા જ મિકસરમાં પીસી લો. ટામેટાંને બે મિનિટ માટે ગરમ પાણીમાં નાખી તેની છાલ ઉતારી પ્યુરી બનાવી લો. એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં કાંદાની ચીરી નાખી, તળીને બહાર કાઢી લો. આ તેલમાં જ આદુ-લસણની પેસ્ટ નાખી શેકી લો. સુકો પીસેલો મસાલો નાખી થોડી વધુ વાર શેકો. તેમાં ટામેટાંની પ્યુરી અને મીઠું નાખો. મિશ્રણ શેકતા ઘી છુટે ત્યારે ગેસ બંધ કરી દો. એક ઓવન પ્રૂફ ગ્રીસીંગ કરેલી ડિશમાં અડધા ભાત નાખો. તેની ઉપર મસાલા મિશ્રિત ટામેટાંની અડધા ભાગની પ્યુરી પાથરો. ફરીથી ભાતનો થર પાથરી તેની ઉપર વધેલી મસાલામિશ્રિત ટામેટાંની પ્યુરી પાથરી દો. તેની ઉપર ઝીણી સમારેલી કોથમીર છાંટો. તેની ઉપર તેલમાં શેકેલા કાંદા પાથરી થોડું ઘી નાખો. ડીશને ઓવનમાં મુકી ૧૦૫ ડિગ્રી સેલ્સિયસ પર ગરમ કરો. શાહી ટમાટર બિરયાની તૈયાર થઈ જશે.

  • હિમાની