દાવત : નોખી વાનગી અનોખા સ્વાદ

બેસનના ગટ્ટાનું શાક
સામગ્રી : ૨૫૦ ગ્રામ ચણાના લોટમાં સ્વાદ મુજબ, મીઠું લાલ મરચું, બે ચમચી તેલ અને એક ચમચી ખાવાનો સોડા મિક્સ કરી થોડા પાણીની સાથે પૂરીનો લોટની જેમ ખૂબ કડક લોટ બાંધો. લોટમાંથી આંગળી જેટલા લાંબા લાંબા રોલ બનાવીને એક લીટર ઉકળતાં પાણીમાં નાખી દસ મિનિટ સુધી ઉકાળી લો. પાણીમાંથી નિતારી રોલના નાના-નાના ટુકડા કાપી લો.
રીત : એક તપેલીમાં બે ચમચી તેલ ગરમ કરી તેમાં એક ચમચી રાઈ અને જીરું તતડાવી મીઠું સ્વાદ મુજબ હળદર લાલ મરચું, ધાણાજીરુ મિક્સ કરો. પછી બેસનના ટુકડા નાખી થોડોક સમય સાંતળો હવે જે પાણીમાં બેસનના રોલ ઉકાળ્યા હતા તે પાણી પણ મિક્સ કરી દસ મિનિટ સુધી ચડવા દો. શાક ઠંડુ પડી ગયા પછી તેમાં એક કપ દહીં બે સમારેલા લીલાં મરચાં અને કોેથમીર મિક્સ કરી દો.
ભુટ્ટાનો ઓળો
સામગ્રી : ૨ મોટા ભુટ્ટા, ૨ ડુંગળી (સમારેલી) ૧ ૧/૨ ચમચો ટોમેટો પ્યુરી, ૨ લીલા મરચાં (સમારેલાં), ૧ ટુકડોે આદું, (સમારેલું) ૨ ચમચી કોથમીર (ઝીણી સમારેલી), ૧ ચમચો દેશી ઘી, ૧/૪ ચમચી લાલ મરચું,
રીત : ભુટ્ટાને માઈક્રોવેવ ઓવનમાં બરાબર પોચા પડે ત્યાં સુધી શેકો. ત્યારબાદ બહાર કાઢી ઠંડા પડી જાય પછી છોલીને તેને નરમ કરવા હાથથી બરાબર મસળો. તેમાં ડુંગળી સિવાયની તમામ સામગ્રી નાખો. માઈક્રોવેવ ડિશમાં ૫ મિનિટ સુધી ઓળો પકાવો. પછી તેમાં ડુંગળી મિક્સ કરીને બે-ત્રણ મિનિટ સુધી વધુ પકાવો. ગરમાગરમ ઓળો તૈયાર છે. ગરમાગરમ ઓળો બાજરીના રોટલા સાથે જમો અને જમાડો.
રતાળુની કચોરી
સામગ્રી : ૫૦૦ ગ્રામ રતાળુ, ૨૫૦ ગ્રામ રાજગરાનો લોટ, ૨૫૦ ગ્રામ ઘી, જોઈતા પ્રમાણમાં મીઠું, તેલ, આદું-મરચાં, કોપરું, લાલ દ્રાક્ષ, તલ, લીંબુ.
રીત : રતાળુને છોલી તેના નાના ટુકડા કરી થોડું ઘી મૂકી ધીમે તાપે રતાળુને ચડવા દેવું. બરાબર ચડી જાય એટલે તેને છૂંદી તેમાં મીઠું, આદુ-મરચાં, ખમણેલું કોપરું, લીંબુ, ખાંડ, લાલ દ્રાક્ષ, તલ જોઈતા પ્રમાણમાં નાખવા અને બધું ભેગું કરવું. રાજગરાના લોટમાં પાણી નાખીને બાંધવું ને પુરી વણવી. એમાં તૈયાર કરેલ રતાળુનો મસાલો મૂકી કચોરી બનાવવી. તે પ્રમાણે બટાટાની સૂરણની કે શક્કરિયાની કચોરી થઈ શકે છે.
બ્રેડના દહીંવડા
સામગ્રી : એક મોટી બ્રેડ, પાંચસો ગ્રામ દહીં, આઠ-દસ લીલાં મરચાં, થોડું આદું, લીલા ધાણા, દસેક ગ્રામ દળેલું જીરું, નાની ચમચી ભરીને સંચળ તથા જરૂર પડતું મીઠું-મરચું.
રીત : સહુથી પહેલાં આદુ, મરચાં અને ધાણા બરાબર ધોઈને ઝીણાં કાંતરી લો. દહીં , વલોવી નાખો. હવે કઢાઈમાં ઘી નાખીને ધીમા તાપે ગરમ થવા દો. બ્રેડની પાતળી સ્લાઈસ કાપો. પછી દરેક સ્લાઈસની કિનારી કાપી નાખો. કિનારી કાપ્યા પછી સ્લાઈસને પાણીમાં નાખીને તરત કાઢી લો અને બંને હાથ વડે દબાવીને નિચોવી લો.
હવે દરેક સ્લાઈસમાં એક દ્રાક્ષ, એક ચારોળી, તથા થોડા આદુ-મરચાં, ધાણા મૂકીને એનો લાડવો બનાવી લો. પછી એ લાડવાનો ઘીમાં તળી લો. બ્રેડ લાલ થઈ જાય તો કઢાઈમાંથી કાઢીને વલો વેલા દહીંમાં નાખી દો. બસ દહીંવડા તૈયાર થઈ જશે.
થાળીમાં થોડા દહીં સાથે કાઢી ઉપર લાલ મરચાં, મીઠું, વાટેલા ધાણા અને સંચળ ભભરાવીને ખાવાથી સ્વાદિષ્ટ લાગશે.
વેજીટેબલ પુલાવ
સામગ્રી : ૨ વાટકી બાસમતી ચોખા, ૧ વાટકી વટાણા, ૧ નાનું ફ્લાવર, ૨ બટાકાં, ૨ લીલા મરચાં, ૧ વાટકી ન્યુટ્રી નગેટ, ૨ ટામેટાં, થોડી સમારેલી કોથમીર, ૧ ચમચી આદુ-લસણની પેસ્ટ, ૧ સમારેલી ડુંગળી, ૧ ૧/૨ ચમચી મીઠું, ૨ ચમચી ધાણા પાઉડર, ૧ ચમચી ગરમ મસાલો, ૩/૪ ચમચી હળદર, ૩-૪ તમાલપત્ર , ૩ ૪ સૂકાં લાલ મરચાં, ૨-૩ ચમચા તેલ, સૂકો મેવો ઈચ્છા પ્રમાણે.
રીત : તેલ ગરમ કરીને તેમાં ફ્લાવર લાંબા સમારેલા બટાકા તળી લો. ન્યુટ્રી ગેનેટ તળીને સાદા ત્રણ કપ પાણીમાં પલાળી દો. તે તેલમાં તમાલપત્ર તથા સૂકાં લાલ મરચાં વઘારમાં મૂકી ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી લો. તેમાં સમારેલા ટામેટા તથા આદું-લસણની પેસ્ટ નાખીને સાંતળો. બધા મસાલા કરીને સાંતળો. અને એક સીટી વગાડો. નગેટ ગળી જાય એટલે બધા શાકભાજી અને નિતારેલા ચોખા મિક્સ કરી તેમાં નગેટ પલાળેલું પાણી નાખી ચડવા દો. સૂકો મેવો, કોથમીર તથા લીલા મરચાંથી સજાવીને રાયતા કે ચટણી સાથે પીરસો.
કાચરનું શાક
કાચર વિસ્તારમાંથી થતી એક જાતની વેલ છે. તેમાં નાના નાનાં ગરથી ભરેલાં ફળ થાય છે. તેનું બોટનિકલ નામ કુકુમિસ મેલો છે.
રીત : ૨૫૦ ગ્રામ કાચરણને છાલ સાથે ચોરસ ટુકડામાં સમારો. કૂકરમાં બે ચમચી તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું તતડાવી મીઠું, લાલ મરચું, હળદર, ધાણા-જીરુ, સ્વાદ મુજબ મિક્સ કરો. હવે કાચર નાખી અડધો કપ પાણી મિક્સ કરી એક સીટી વગાડો. શાક ચડયા પછી તેમાં બે કાપેલા લીલાં મરચાં અને કોથમીર મિક્સ કરો.
મટર પુલાવ
સામગ્રી : ૧ કપ ચોખા (૨ કપ પાણીમાં પલાળેલાં), ૧ કપ લીલા વટાણાં (છોલેલાં) ૧ ચમચી મીઠું, ૨ ડુંગળી (લાંબી સમારેલી), ૨ એલચી, ૨ લવિંગ, ૧ તજનો ટુકડો, ૧ તમાલ પત્ર, ૨ ચમચા ઘી અથવા માખણ, ૭-૮ કાળા મરી.
રીત : ચોખામાં સામગ્રી મિક્સ કરીને માઈક્રોવેવ ઓવનમાં ૨૦-૨૨ મિનિટ સુધી રાંધો. પછી તેને બંધ કરીને ૫ મિનિટ સુધી ઓવનની અંદર જ રહેવા દો.
- હિમાની




