Sahiyar
મૂંઝવણ
By GS Team
2 Nov 20263 mins read

- મને મારા પરથી જાણે વિશ્વાસ ઊઠી રહ્યો છે. મન નેગેટિવ વિચારોથી ઘેરાયેલું રહે છે. વસ્તુને વારંવાર ચકાસવાની ટેવ પડી ગઈ છે.
હું ૨૮ વર્ષની અપરિણીત યુવતી છું. છેલ્લા લગભગ ત્રણ વર્ષથી મારું સ્વાસ્થ્ય સારું રહેતું નથી. વાત ઘણી જૂની છે. જ્યારે પપ્પાએ જરાઅમથી વાત પર મારા પર ખિજાયા ત્યારથી મને દરેક વખતે ભય સતાવતો રહે છે કે જે કોઈ ચીજને અડીશ તે ગંદી થઈ જશે.
હું મારા હાથ વારંવાર સાફ કરતી રહું છું, છતાં પણ એ ડર જતો નથી. મારી પોતાની ચેન, ઘડિયાળ અને બીજી તમામ વસ્તુને સાફ કર્યા છતાં શાંતિ મળતી નથી. મને મારા પરથી જાણે વિશ્વાસ ઊઠી રહ્યો છે. મન હંમેશાં નેગેટિવ વિચારોથી ઘેરાયેલું રહે છે. વસ્તુને વારંવાર ચકાસવાની ટેવ પડી ગઈ છે.
કેટલાંક ડોક્ટરોને બતાવ્યું, તેમણે કેટલીક દવા પણ આપી હતી, પરંતુ સાથે કહેલું પણ ખરું કે કશો રોગ નથી અને હું જાણીસમજીને આવું વર્તન કરું છું.
કોઈ એવા ડોક્ટર બતાવો કે જેની મદદથી અને સારું થઈ શકે. આ ક્યા પ્રકારનો રોગ છે?
એક યુવતી (રાજકોટ)
- તમે જે મનોવિકારથી ઘેરાયેલાં છો, તેને ઓબ્સેસિવ કલ્પલસિવ ડિસઓર્ડર કહે છે. આની શરૂઆત મોટાભાગે યુવાનીમાં થાય છે. લગભગ ૬૦ ટકા દર્દીઓમાં આ રોગ દેખાય તે બાબત તેના જીવનની કોઈ મોટી ઘટના સાથે જોડાયેલી હોય છે. તે પછી આ રોગ કેવો વળાંક લેશે તેનું અનુમાન કરવું મુશ્કેલ હોય છે.
મોટાભાગે લોકોમાં આ વિકાર ક્યારેક ઉગ્ર, તો ક્યારેક શાંત થઈ જાય છે. ૧૦ ટકા લોકોમાં કેટલાંક સમય પછી બિલકુલ સારો પણ થઈ જાય છે અને કેટલાંકમાં આ રોગ આખી જિંદગી સુધી રહે છે.
આ મનોવિકારની સૌથી મહત્ત્વની વાત એ છે કે આમાં મન કેટલાક ચિત્રવિચિત્ર વિચારો, છબીઓ અને આવેગ એટલા હાવી થઈ જાય છે કે દર્દીનો વ્યવહાર લાચાર બની જાય છે.
આ રોગનો પડછાયો જ વ્યક્તિગત, સામાજિક, પારિવારિક અને વ્યાવસાયિક જીવનને અસ્તવ્યસ્ત કરી નાંખે છે.
ઓબ્સેસિવ કમ્પલસિવ ડિસઓર્ડરમાં થતી મનોગ્રસ્તિ અનેક પ્રકારની હોઈ શકે છે. તે કોઈ વિચાર, કોઈ છબી, કોઈ આવેગથી જોડાયેલી હોય છે. સૌથી વધુ સામાન્ય મનોગ્રસ્તિ પવિત્રતાની બાબતમાં થાય છે. તેના કારણે એવો ડર રહે છે કે કોઈ વસ્તુને અડકવાથી, કોઈને મળવાથી, હાથ મિલાવવાથી, બહાર જવાથી શરીર દૂષિત થઈ જશે. ઓબ્સેસિવ કમ્પલસિવ ડિસઓર્ડરના ઉપચારમાં ખાસ દવાઓ અને મનોચિકિત્સા એ બંને ઉપયોગી સાબિત થાય છે. દવાઓમાં સિલેક્ટિવ રિઅપટેડ ઇન્હિબિટર (એસ. આર. આઈ.) દવાઓ તથા ટ્રાઇસાયકિલક હતાશાને દૂર કરતી દવાઓ બંનેથી લાભ થાય છે. એસ. આર. આઈ. દવાઓમાં ફ્લોક્સેટિન અને સરટરાલિન દવાઓ તથા ટ્રાઈસાયક્લિકમાં ક્લોમાપ્રિમિન દવા મુખ્ય રીતે ઉપયોગમાં લેવાય છે. ક્લોમાપ્રિમિન મગજના સેરાટોનિન સ્તરમાં વૃદ્ધિ લાવવામાં સક્ષમ છે, તેની અસરકારકતા તેની સાથે જોડાયેલી છે. આ દવાઓ અને મનોચિકિત્સાની મદદથી ૭૦-૮૦ ટકા દર્દીઓમાં સુધારો થાય છે.
દવાની અસર જો કે તરત દેખાતી નથી, તેમાં બે-ત્રણ મહિનાનો સમય લાગે છે. દવાની સાથે બીજી મોટી મર્યાદા એ છે કે દવા બંધ કરવાથી અનેક લોકોમાં રોગ ફરી બહાર આવે છે.
કુશળ અને અનુભવી મનોરોગી ચિકિત્સકની મદદ મળી શકે તો મનોચિકિત્સા પર ધ્યાન આપવાનું પણ સફળ થઈ શકે છે. જે વિચારો, પરિસ્થિતિઓથી મન ભયભીત થાય છે, તેમાંથી મુક્તિ અપાવવા માટે વ્યવહાર ચિકિત્સા (બિહેવિયર થેરપિ) ઉપયોગી સાબિત થઈ શકે છે. તેની મદદથી વિસંગત વિચારો પર નિયંત્રણ મેળવવાનો ઉપાય શીખી શકાય છે. માનસિક વ્યગ્રતા અને તાણથી રાહત મેળવવા માટે મનને શાંત કરનારા રિલેક્સેશન વ્યાયામ કરવાથી આરામ મળે છે.
ઉચિત રહેશે કે તમે પણ તમારાં માતાપિતા સાથે કોઈ યોગ્ય મનોવૈજ્ઞાાનિકને મળો અને ઉપચાર કરાવો. એવું પણ બને કે થોડા જ દિવસોમાં રોગ પર કાબૂ મેળવી શકાય અને તમે જીવનમાં આગળ વધી શકો.
હું ૨૩ વર્ષનો યુવાન છું. મારા શિશ્ન પર નાનકડી ફોલ્લીઓ થઈ છે. આ સમસ્યા છેલ્લા દસેક મહિનાથી છે. હસ્તમૈથુન કરતી વખતે ક્યારેક હું નાળિયેરનું તેલ લગાડું છું. એને કારણે ફોલ્લીઓ થતી હશે? આ ફોલ્લીઓથી છુટાકારો કેમ મેળવવો?
એક યુવક (જામનગર) - ફોલ્લી થઈ એનાથી ગભરાઈ જવાની કોઈ જરૂર નથી. કપાળમાં ફોલ્લીઓ થવી સામાન્ય છે એટલું સામાન્ય શિશ્ન પર ફોલ્લીઓ થવાનું છે. નાળિયેરનું તેલ લગાડવાથી હસ્તમૈથુન વખતે આનંદ વધુ મળશે, પણ એનાથી ફોલ્લીઓ નથી થતી.
- અનિતા




