Sahiyar

રસ રઢિયાળી રાતડીમાં ગરબે રમવા આવોને

By GS Team
12 Oct 20268 mins read
રસ રઢિયાળી રાતડીમાં ગરબે રમવા આવોને
  • રબો નાનો હોય કે મોટો, ઘર માટે હોય કે મંડળ માટે, પણ તેનું વજન ઓછું હોવું જોઈએ. આનું કારણ છે કે વિસર્જન સમયે ગરબામાં દીવો પ્રગટાવીને તેને પાણી પર મુકવામાં આવે ત્યારે બધા ભક્તોની અંદરની ઇચ્છા એવી જ હોય કે તેમનો ગરબો ઘણી વાર સુધી તરતો રહ્યા પછી જળ સમાધિ લે. ગરબો વજનદાર હોય તો તે જલદી ડૂબી જાય.

ભારતીય પરંપરામાં તહેવારો એવી રીતે જોડાયેલાં છે જાણે દીવો અને જ્યોત. દરેક તહેવાર પાછળ કોઈ ચોક્કસ તર્ક, એક લાગણી સંકળાયેલી છે. જે કુટુંબ-સ્નેહીજનો અને મિત્રોને સ્નેહસેતુથી જોડી રાખે છે અને જીવનને રોજિંદી ઘટમાળમાંથી બહાર આવવાનો મોકો આપે છે. કારતક મહિનાના બેસતા વરસથી શરૂ થતાં તહેવારોની પૂર્ણાહુતિ આસો મહિનાના નોરતાથી થાય. નોરતા એટલે શક્તિની આરાધનાનું પર્વ, અંબે માની સ્તુતિ આરાધનાનું પર્વ. આપણને સહજ પ્રશ્ન થાય કે શક્તિની આરાધના વર્ષાન્તે કેમ? જવાબ છે, માણસ આખું વરસ દોડીદોડીને થાકે ત્યારે થાક્યા પાક્યા મન અને શરીરનું જોમ ઓસરવા માંડે. આવા સમયે તેના મનને તરોતાજા કરવા, તેના શરીરમાં ફરીથી જોમ-ઉત્સાહનો સંચાર કરવા શક્તિની આરાધના જ ખપ લાગે. હિન્દુ પ્રણાલીમાં વર્ષના આખરી મહિનામાં નવરાત્રિનું આયોજન કરવા પાછળનો આ છે તર્ક. નવલાં નોરતામાં મા અંબે સોળે શણગાર સજીને ગરમે ઘૂમે. તો પછી માતાના ભક્તો કેમ પાછળ રહે? અંબે આરાધકો પોતે તો સોળે શણગાર સજીને નવ રાત સુધી ગરબા-દાંડિયા રમવા જાય પણ તેઓ એમ પણ વિચારે કે અમે પોતે આટલાં શણગાર સજીએ તો ગરબાને કેમ ન શણગારીએ? આખરે આખી નવરાત્રિ તો ગરબાની ચોફેર જ ઘૂમે છે.
નવરાત્રિના બેએક મહિના પૂર્વે ધારાવીમાં આવેલા કુંભારવાડામાં એક લટાર મારો તો પેઢી દર પેઢીથી અહીં વસતા કુંભારો માટીના પીંડમાંથી ગરબા તૈયાર કરીને તેને શણગારતા નજરે પડે. વિવિધ રંગો, લેસ, આભલાં, કોડી, મોતીનું ડેકોરેશન અને જરીથી લખાયેલું 'જય ભવાની જય અંબે' અને જરીથી જ આલેખાયેલાં સાથીયા, ઓમ અને માતાજીનું ત્રિશુલ. કુંભારો દ્વારા કરવામાં આવેલી સજાવટની આ ખાસિયત. આ તો થઈ પેઢી દર પેઢીથી આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની વાત. પણ ગરબાને ડેકોરેટ કરવાનું કામ ગૃહિણીઓ પણ બહુ નિપુણતાથી કરી જાણે છે. તેમાં પાછું આ તો માનો ગરબો, એટલે કલા સાથે ભક્તિનો સંગમ પણ થાય. આવાં ગરબા બનાવવામાં ઘાટકોપરમાં રહેતી સાસુ-વહુ બાલીબેન અને નયનાબેન જોડી નિષ્ણાત છે.
જોકે, ગરબાની સજાવટ કરવાની શરૂઆત તો તેમણે ફક્ત પોતાના માટે અને થોડાં સંબંધીઓ માટે શોખ ખાતર જ કરેલી. હવે શણગારની વાત પર આવી એ બાલીબેન ગરબાઓને વિવિધ રંગે રંગી લે પછી નયનાબેન તેના ઉપર સિરામિકથી ફૂલ, ગણપતિ, સ્વસ્તિક, તોરણ જેવી ડિઝાઈનો રચે. તોરણમાં વળી પાછાં જુદી જુદી જાતના અનાજ એવી રીતે ભરે કે ગરબા પર કોઈએ સાચુકલું તોરણ લટકાવી દીધું હોય એવું લાગે. સાથે કુંદન, જરી પટ્ટી, બિડ્સ, ટીકી, જરીનાં ફૂલ, જ્વારા જેવી વસ્તુઓથી સુશોભન કરે. આ વર્ષે તેમણે ઘુઘરીવાળા ગરબા પણ બનાવ્યાં છે. બાલી બહેન જ્યારે જ્યારે બહારગામ જાય ત્યારે સુશોભનની આવી સામગ્રી લેતાં જ આવે એટલે તેમના ગરબાઓમાં ભારતભરની શણગારની વસ્તુઓનો શંભુમેળો જામે. આ ગરબાઓ સિવાય મોટી ગરબીઓ માટેના ગરબા ખાસ પ્રકારના પણ હોય, સામાન્ય રીતે મળતાં ફક્ત કાણાં પાડેલાં ગરબાઓ કરતાં જુદાં. આ ગરબાઓમાં પહેલેથી જ જય ભવાની જય અંબે, ઁ, સ્વસ્તિક, દીપ અને ત્રિશુલ કોતરેલા હોય. બીજાં ગરબાઓની કિંમત ૧૦૦ રૂપિયાથી લઈને ૨૦૦ રૂપિયા સુધી હોય જ્યારે આ ગરબા કુંભારવાડેથી જ પાંચસો રૂપિયાથી ઓછા ભાવે ન મળે. કોતરણી સાથે સજાવટનો સંગમ થાય એટલે કોઈ રૂપ સુંદરીને સરસ મઝાના રંગબેરંગી કપડાં અને સુંદર આભૂષણોથી મઢી દીધી હોય એવું લાગે.
ગરબો નાનો હોય કે મોટો, ઘર માટે હોય કે મંડળ માટે, પણ તેનું વજન ઓછું હોવું જોઈએ. આનું કારણ છે કે વિસર્જન સમયે ગરબામાં દીવો પ્રગટાવીને તેને પાણી પર મુકવામાં આવે ત્યારે બધા ભક્તોની અંદરની ઇચ્છા એવી જ હોય કે તેમનો ગરબો ઘણી વાર સુધી તરતો રહ્યા પછી જળ સમાધિ લે. ગરબો વજનદાર હોય તો તે જલદી ડૂબી જાય.
આ તો થઈ માટીના ગરબાઓની વાત. પણ, સોના-ચાંદીના ગરબા ઘડાવવામાં પણ અંબેમાના ભક્તો પાછુ વળીને નથી જોતાં. અલબત્ત સોનાનાં ગરબા લેવાનું ગજુ કોઈકનું જ હોય પણ ચાંદીનો ગરબો પધરાવનારાઓની સંખ્યા નાની સુની નથી. સોનાનો ગરબો શિરે અંબેમા ચાલો ધીરે ધીરે… ચાંદીના ગરબાની વાત પર પાછા ફરીએ તો કંસારા જાતિના લોકોમાં આ ગરબાઓ ઘડવાની જે નિપુણતા છે તે બીજા કારીગરોમાં જોવા ન મળે. આમ છતાં કુંભાર અને પાંચાલ જાતિના કારીગરો પણ આ કલામાં નિષ્ણાત ગણાય છે. ચાંદીના ગરબાઓમાં આંખે ઊડીને વળગે એવી વાત એ છે કે, તેમાં ઓમ, શ્રી, ત્રિશુલ અને સ્વસ્તિકનું કોતરકામ અચૂક જોવા મળે. આ સિવાય સામાન્ય રીતે ફૂલ-પાનની કોતરણી હોય. ચાંદીના ગરબાની કોતરણીને સોનાના ઢોળથી ડિઝાઇન કરવામાં આવે ત્યારે તેની આકર્ષક ભાત મનભાવન બની જાય. ચાંદીના ગરબાઓ દોઢસો ગ્રામથી લઈને સવા કિલો સુધીના વજનમાં બને. સાથે ચાંદીના દીવા, ત્રિશુલ, આરતી, આરતીની થાળી, અખંડ દીવા અને માતાજીની પૂજા માટે કેટકેટલુંય.
ગામઠી ચણિયા-ચોળી, હાથમાં બલોયાં, ચૂડલાં અને બંગડીઓ, પગમાં કડા, ગળામાં હાંસડી કે હાર, કાનમાં ઝુમખાં, માથે દામડી, આંગળીએ વીંટીનો શણગાર સજી ગોરી ગરબે ઘુમવા ચાલી. તો જુવાનિયાં પણ કેમ પાછળ રહે? રબારી જેવું કેડીયું-ધોતી, સલવાર-ઝભ્ભા સાથે પરંપરાગત બાંધણીનો દુપટ્ટો, કાનમાં નાનકડી વાળી, ગળામાં કાળા દોરામાં ઝુલતું ચાંદીનું મોટું પેન્ડન્ટ. આવી જોડીઓ જ્યારે ઢોલ-શરણાઇ કે પછી આધુનિક ઓર્કેસ્ટ્રાનાતાલે રાસ રમે ત્યારે મેદાનમાં હજારો રંગબેરંગી પતંગિયાઓ ઊડી રહ્યાં હોય એવું દ્રશ્ય સર્જાય. ગરબાની સજાવટ પછી હવે ગોરી-યુવાનોના શણગારની વાત પર આવીએ. ગામડાઓમાં તો ગામઠી પહેરવેશ પહેરીને રાસ લેતાં યુવાવર્ગને જોવા એ બહુ સામાન્ય બાબત ગણાય પણ મુંબઈના યુવાનો અને યુવતીઓમાં પણ છેલ્લાં ઘણાં વર્ષોથી નવરાત્રિ દરમ્યાન આવા પરંપરાગત કપડાં પહેરવાની ઘેલછા વધી છે. ખાસ કરીને વ્યવસાયિક નવરાત્રિના ગ્રાઉન્ડમાં લટાર મારીએ તો અહીં જાણે આખેઆખું ગામડું ઉતરી આવ્યું હોય એવો ભાસ થાય. ઇન્ડો વેસ્ટર્ન સંગીતના તાલે નાચતું ગામડું! વડોદરા, અમદાવાદ, રાજકોટ કે મુંબઈના અમુક સ્થળોએ આ પ્રકારના પોશાક ખાસ નવરાત્રિથી પહેલાં નવી નવી વિવિધતા સાથે જોવા મળે છે. મુંબઈમાં પહેલાં આવા ગામઠી ડ્રેસ નહોતા પહેરાતા. ચાર દાયકા પહેલાં તેમણે રાજકોટ, પાલીતાણા અને તેની આજુબાજુના ગામડાંઓમાંથી આવા ડ્રેસ બનાવડાવીને મુંબઈમાં વેચવાનું શરૂ કર્યું ત્યાર બાદ ધીમે-ધીમે આ ચલણ વેગ પકડતું ગયું. આજે આ પ્રથા પુરબહારમાં ખીલી છે. પહેલાં બાંધણીનુંજે ચલણ હતું તેમાં થોડી ઓટ આવી છે. આ વર્ષે બુક્કા વર્ક અથવા પાકિસ્તાની પેચ વર્ક જેમાં ખાસ કરીને સળી અને મોતીનું બારીક કામ કરેલું હોય તે, કસબ વર્ક, જરદોશી વર્ક, શાલના કપડાં પર ટીકી વર્ક, કસબ આરી વર્ક જેવા જુદાં જુદાં પેચને જોડીને તેમાં નાની-મોટી કોડી અને મોટાં મોટાં અરીસા જડી ઘેરદાર ઘાઘરો બનાવ્યો છે. સાથે એવી જ ચોળી અને ટીકી-મોતી-સળીના પેચવર્કવાળી મનમોહક ઓઢણી. એકવાર આ એક્સક્લુઝિવ પોશાક જોયા પછી કદાચ બીજા ડ્રેસ ઝટ નજરમાં ન વસે. આ સિવાય એન્ટિક રબારી વર્ક, શીબોરી, પ્રિન્ટ પર કોડી અને આભલાં, કચ્છી રબારી-પાકિસ્તાની જરીકામના જુદાં જુદાં પેચને મિક્સ એન્ડ મેચ કરી તેની સાથે બાંધણીની બોર્ડર અને કોડીનું વર્ક કરી બનાવેલો ડ્રેસ દેશ-કાળ અને નાત-જાતના સીમાડાને ભૂલાવી દે. લહેરિયા, બાંધણીમાં ટીકી વર્ક રંગબેરંગી કોડી, ગામઠી અને વોયલ મટિરિયલ પર જરી, ટીકલી, મોતી સળી, દોરાનું ભરતકામ અને ટાઈ એન્ડ ડાઇનો અદ્ભુત સંગમ ધરાવતા વસ્ત્રો પહેરીને સાવ સામાન્ય દેખાવની છોકરી પણ આકર્ષક દેખાય. યુવાનો માટે સૌરાષ્ટ્ર-કચ્છનું ઊનનું કામ કરેલાં કેડિયું-ધોતી ઊનના વર્ક સાથે ટીકી, ભરવાડી વર્ક સાથે કોડી મઢેલાં કેડિયાં જેવી વિવિધતા જોવા મળે. કોડી મઢેલાં ડ્રેસ સાથે કોડીના દાગીના પહેરો તો કેવું લાગે? જવાબ છે, જો શો-કેસમાં ગોઠવેલાં ઘરેણાં આટલાં આકર્ષક લાગતાં હોય તો કોઇ યુવતી તે પહેરે ત્યારે વિચાર કરવો પડે કે દાગીના થકી યુવતી શોભે છે કે કન્યાને લીધે દાગીના. હા, તમને કોડીના દાગીનાનો આખો સેટ મળી શકે. આમાં નેકલેસ, કાનના ઝુમખાં, બાજુબંધ, પગના પાયલ, દામડી, કમર પટ્ટો જેવાં ઘરેણાંનો સમાવેશ થઇ જાય. આ ઉપરાંત કોડીના અલગ અલગ જાતના કમરપટ્ટા, ઓક્સિડાઇઝમાં કુંદનના સ્ટોન લગાવેલા નેકલેસ, દામડી, કાનના મોટાં ઝુમ્ખાં, મેટલ બોલ અને ઘુઘરીનો નેકલેસ જેવી અનેક વિવિધતા જોવા મળે. ઘરેણાંની જ વાત માંડી છે તો આવા ઘરેણાંનું સૌથી મોટું બજાર એટલે ભુલેશ્વર. ઇશ્વર પણ ભૂલો પડી જાય એવાં ભુલેશ્વરમાં નવરાત્રિ પૂર્વે મુંબઈની ગૃહિણીઓ, યુવતીઓ અને કિશોરીઓ પરંપરાગત ઘરેણાં લેવા ઊમટી પડે. અહીં તમને નવરાત્રીમાં પહેરવા જેવા દાગીનાનો શંભુમેળો જોવા મળે પછી ખરીદી માટે મેળો ન ભરાય તો જ નવાઈ. ઘરેણાં પરથી વસ્ત્રોની વાત પર પાછા ફરીએ તો નાના-મોટાં બધાના ખિસ્સાને પોસાય એવા ચણિયા-ચોળી-ઓઢણીની અનેકવિધ વરાઇટી ભુલેશ્વરમાં પણ જોવા મળે.
મુંબઈમાં સૌથી વધારે દાટ તો રાતના દસ વાગ્યા સુધી જ દાંડિયા રમવાના સમયે વાળ્યો છે. આટલો ખર્ચ કર્યા પછી થોડો સમય રમે ત્યાં તો રાસ-ગરબા બંધ કરવાનો સમય થઈ જાય. સ્વાભાવિક રીતે જ આવી પરિસ્થિતિમાં ખીસ્સું ઝાઝુ હળવું કરવાની ઇચ્છા ન થાય. છોકરાઓ માટે ટ્રેડિશનલ ડ્રેસ ઉપરાંત જિન્સ સાથે પહેરી શકાય એવી જુટ અને મિરર વર્કની કોટી અને નાની નાની કન્યાઓ માટે બાંધણીમાં જરીકામ કરેલાં ચણિયો-ચોળી ઉપલબ્ધ છે.
રંગબેરંગી વસ્ત્રો અને સરસ મઝાના દાગીના પહેરીને દાંડિયા રમવા નીકળી તો પડયાં પણ જો બધું જ મનમોહક રંગોમાં હોય ને દાંડિયા સાવ સાદા હશે તો ચાલશે? ના, આ તો સોનાની થાળીમાં લોઢાની મેખ જેવો તાલ થયો. બધું જ સજાવેલું હોય તો પછી દાંડિયાને પણ સાજ-શણગાર કરીએ તો મઝા આવે. મૂળ દાંડિયાને બાંધણી અથવા સાટિનના રંગબેરંગી વસ્ત્રો પહેરાવાય, તેની ઉપર ઝરીની પટ્ટી લાગે, કિનારાએ ફુમતા અને ઘૂઘરી ઝુલે ત્યારે તે રાસ-રસિયાઓના હાથની શોભા બને. મુંબઈના ભુલેશ્વરમાં છેલ્લાં પાંત્રીસેક વર્ષથી દાંડિયાનો હોલસેલનો વેપાર કરતાં એક જાણીતા વેપારી પાસે દાંડિયાની ઓછામાં ઓછી ચાલીસેક જાતની વિવિધતા જોવા મળે. તેઓ નવરાત્રીના સાતેક મહિના અગાઉ જ ફેન્સી દાંડિયા બનાવડાવાની શરૂઆત કરી દે ત્યારે નવરાત્રી સુધીમાં માંડ કામ પૂરું થાય. અહીં ગ્રાહકોને એકસાથે બેથી ત્રણ રંગોમાં સાટિનના કપડાં પર જરી પટ્ટી અને છેવાડે ઘુઘરી અથવા ફૂમતાંના લટકણિયાં લટકાવેલાં દાંડિયા, ઘુઘરીના લટકણિયાં સાથે લોખંડ ઉપર ક્રોમિયમ પ્લેટિંગ કરીને સ્ટીલની ઇફેક્ટ આપેલાં સલી દાંડિયા, મલ્ટિ કલરના મિલેનિયમ દાંડિયા, મેટલના વિવિધરંગી દાંડિયા, એલ્યુમિનિયમના ઝીણા અને ત્રણ રંગે રંગેલા દેખાવમાં સાવ સાદા પણ રમીએ ત્યારે અંદરથી ઘુઘરીનો રણકાર કરતાં દાંડિયા, સ્ટીલના બેરીંગવાળા દાંડિયામાંથી પસંદગી માટેનો વિપુલ અવકાશ રહે. રંગે-ચંગે રાસ રમતા યુવાનોમાં હાથમાં રહેલાં દાંડિયામાં લાઇટ ઝબુકતી જુઓ તો નવાઇ ન પામતાં એમના હાથમાં રહેલા ડિસ્કો દાંડિયા બેટરી સંચાલિત છે. જોડીદારના દાંડિયા સાથે ટકરાતાં તેમાં લાઇટ ઝબુકી ઉઠે છે. અંબેમાને તો ચાંદીના દાંડિયા પણ બહુ ગમે. માતાના ભક્તો માતાજીની મૂર્તિ સામે મૂકવા ચાંદીના દાંડિયા લઇ પણ જાય. ઝવેરી બઝારની ચાંદીની વસ્તુઓ વેચતી અગ્રગણ્ય પેઢીઓમાં ચાંદીના દાંડિયા પણ મળે. જોકે મોટા ભાગે ચાંદીના દાંડિયા માતાજી સામે મૂકવા અથવા તો કોઇ મહાનુભાવના લગ્નના દાંડિયારાસના કાર્યક્રમ સમયે જ ખરીદાતા હોય છે. બાકી સામાન્ય માણસનું શું ગજું કે તે ચાંદીના દાંડિયાથી રાસ રમે. તો પછી સોળશણગારસજી, ચોખલીવાળી ચુંદડીમાં ગરબે રમવા આવો ને, રસ રઢિયાળી રાતડીમાં ગરબે રમવા આવોને…

  • અવન્તિકા