વર્ષાઋતુની રંગત કોલેજીયનો મનભરીને માણે છે

વર્ષાઋતુની રંગત અને કોલેજ જીવનની મસ્તી યુવાનો માટે દર વર્ષે નવો અનુભવ લઈને આવે છે. જુુન-જુલાઈમાં કોલેજનું નવું સત્ર શરૂ થાય તેની સાથે જ યુવાવર્ગમાં ખુશહાલી વ્યાપી જાય છે.
ઉમંગ અને ઉત્સાહથી છલકાતાં અને ઘડીક વારમાં ઘણું બધું કરી નાખવાની ધગશથી ભરેલા યુવાન હૈયાંઓ કોલેજ અને યુનિવર્સિટીના પ્રાંગણમાં ટોળે વળે છે ત્યારે દરેક જણ વિજાતીય વર્ગના સભ્યો પર પોતાની આગવી છાપ પાડવા પ્રયાસ કરે છે. એ વખતે તેને આસપાસનું કે બીજી કોઈ બાબતનું ભાન હોતું નથી. તેમને માટે તો જાણે 'પ્યાર કા મોસમ' ખીલી છે. મોટા શહેરોની લગભગ તમામ કોલેજમાં નવા સત્રની સાથે નવા પ્રેમ પ્રકરણનો અધ્યાય શરૂ થાય છે.
આવા પ્રયાસો વધીને અંગત અને કાયમી સ્નેહ સંબંધ કે પછી લગ્ન અને છેવટે એક જ ક્ષેત્રે કાયમી કારકિર્દીમાં પરિણમે એવું પણ ઘણીવાર બને છે. કોલેજકાળનો અંત આવે અને ગભરું વિદ્યાર્થી આ વિશાળ, નિષ્ઠુર અને લોહીયાળ વિશ્વમાં પ્રવેશ કરે તેની સાથે જ કોલેજ કાળના અંગત સંબંધોનો અંત આવે એવું પણ બને છે.
યુવકો કોલેજમાં સહાધ્યાયી વિદ્યાર્થીની સાથે કઈ રીતે વ્યવહાર રાખે છે. વ્યક્તિગત અને સામાજિક ધોરણે એકબીજા સાથે કઈ રીતે વર્તે છે અને આવાં સંબંધો પાછળ તેમની ગણતરી કે અપેક્ષા શી હોય છે? શહેરની દરેક કોલેજના વિદ્યાર્થીઓની, કોલેજમાં કે બહાર પરસ્પર આગવી લાક્ષણિકતા હોય છે. શહેરની કેટલીક અગ્રણી કોલેજોના વિદ્યાર્થીઓએ, સહશિક્ષણવાળી સંસ્થાઓમાં છોકરા-છોકરીઓ વચ્ચેના સંબંધોની સમગ્ર પ્રક્રિયા વિશે મુંબઈની એક પ્રાધ્યાપિકા સુધા વર્મા સાથેની વાતચીત દરમિયાન ઘણી માહિતી આપી હતી.
જુદી જુદી કોલેજોના વિદ્યાર્થીઓની વાતમાં એક સર્વસામાન્ય સૂર એવો હતો કે ખીચોખીચ ભરેલા વર્ગખંડોમાં, સતત અવર-જવરવાળી પરસાળોમાં અને ભરચક કેન્ટીનમાં વિજાતીય સભ્યોનો નિકટનો સંપર્ક રોજિંદી ઘટના હોવાથી એ વિશેના વિચારોમાં સતત વ્યસ્ત રહેવાય છે. અને ક્યારેક તો વિચારોનું આ સાતત્ય ધૂનીપણા સુધી પહોંચી જાય છે. વળી મહિલાઓ માટેની કોલેજ કે પુરુષો માટે ખાસ પાળીમાં વર્ગો ચલાવતી વિશિષ્ટ સંસ્થાઓના વિદ્યાર્થીઓમાં આવા વલણની ઉત્કટતા વધુ જોવા મળી હતી.
જેમને સહશિક્ષણનો અવસર પ્રાપ્ત થઈ ચૂક્યો છે એવા વિદ્યાર્થીઓ ભણતરના સુવર્ણકાળ ગણાતા કોલેજ જીવનનો આનંદ મોજથી લૂંટે છે.
જેમ કે એક કોલેજિયન રૂપલના કહેવા મુજબ તેની કોલેજ અને બાજુમાં આવેલી કોલેજમાં નવશ્રીમંત પરિવારોના તેજસ્વી વિદ્યાર્થીઓ ભણે છે અને છૂટથી અરસપરસ મળે છે. વ્યવહાર રાખે છે તેમાં ઘણા ખરા ગુજરાતી ભાષી હોવાનો પણ ફાયદો છે. છોકરા-છોકરીઓ છૂટથી અરસપરસ મળે છે એટલું જ નહિ, એકબીજાના ઘરે પણ આવે-જાય છે અને સારા -માઠા સામાજિક પ્રસંગોએ હાજરી આપવાના વ્યવહારો પણ રાખે છે. જુહુની પંચતારક હોટેલોની મિજબાનીઓ કે પર્યટનમાં પણ કોલેજિયન યુવાન-યુવતીઓનો મુક્ત વ્યવહાર જોવા મળે છે. બીજી કોલેજોનું પણ આવું જ છે. છતાં મહદંશે મધ્યમ વર્ગીય મહારાષ્ટ્રીયન વિદ્યાર્થીઓવાળી આ કોલેજોમાં છોકરા-છોકરીઓ વચ્ચે તો વાતચીત પણ ભાગ્યે જ થાય છે અને એ પણ મોટેભાગે શુષ્ક અભ્યાસક્રમની જ વાતો થાય છે એમ કોલેજના એક વિદ્યાર્થીએ કહ્યું હતું.
પારૂલ અને નીતાએ એમ કહ્યું હતું કે દક્ષિણ મુંબઈની મોટાભાગની કોલેજોમાં જ્યા ંમોટેભાગે ઉચ્ચ દરજ્જાના વિદ્યાર્થીઓ આવે છે ત્યાં લેકચર્સ પહેલાં, પછી અને ક્યારેક લેકચર્સ દરમિયાન પણ પ્રાંગણમાં આંટા મારતા વિદ્યાર્થીઓના અનેક ટોળાંઓ જોવા મળે છે. અહીં વાતાવરણ ખૂબ જ આત્મીય અને મૈત્રીપૂર્ણ જણાય છે, અને ભાષાકીય માધ્યમની શાળાઓમાંથી આવતા હોવાની અસ્વસ્થતા અનુભવતા હોય તેવા વિદ્યાર્થીઓને,તેઓ નવા વાતાવરણથી ટેવાઈ જાય ત્યાં સુધી આવી કંપનીમાં સહૃદયતાથી સાચવી લેવામાં આવે છે. એકબીજાના ઘરે અવારનવાર યોેજાતી નાચ-ગાનની મહેફીલો અને ઉજાણીઓ તો અહીં રોજિંદા ગણાય છે. એ સિવાય છોકરા-છોકરીઓના મોટા જૂથ સાથે કાશ્મીર, દાર્જિલીંગ અને વિદેશમાં આવેલાં સ્થળોનાં પ્રવાસ પણ ઘણીવાર યોજાય છે.
ભણવાની સાથોસાથ બધાને મોજમસ્તી પણ દિલભરીને માણી લેવી છે. વળી આ કોલેજના વિદ્યાર્થીઓનો શૈક્ષણિક સ્તર પ્રમાણમાં ઊંચો હોવાથી માત્ર પાસ થવા ખાતર ભણવા કે વાંચવાની આ વિદ્યાર્થીઓને જરૂર જ ન પડે. મને ખાતરી છે કે હું બિલકુલ ન વાચું તો પણ પાસ થવામાં મને કોઈ અડચણ ન આવે એમ એક વિદ્યાર્થિની ફરીદા કહે છે. તે મુસ્લિમ છે છતાં તેની વાતચીત કે દેખાવ પરથી એવું બિલકુલ લાગતું નથી.
સારી ગણાતી કોલેજોમાં સ્થિતિ ઘણી ખરાબ છે અને વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ વચ્ચે મુક્ત અને તંદુરસ્ત પારસ્પારિક વ્યવહારનો અભાવ વર્તાય છે. પરિણામે પરસ્પર અવિશ્વાસ અને આશંકાથી ભરેલું વાતાવરણ શૈક્ષણિક કાર્યવાહી પર પ્રતિકૂળ અસર પાડે છે. વિદ્યાર્થીઓ છેડતી અને એવી બીજી હલકી પ્રવૃત્તિઓ તરફ વળી જઈને અધ્યાપકોનો અણગમો વહોરી લે છે. હતાશ બનેલા વિદ્યાર્થીઓ ધૂમ્રપાન, નશાખોરી વગેરે જેવાં દૂષણોનો ભોગ બને છે અને પોતાના અહ્મને પોષવા માટે વિનાકારણ મારામારી અને ઝઘડા કરે છે. આવી કોલેજોમાં આંતરિક ખટપટ અને જૂથબંધીનું રાજકારણ પણ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. અહીં ગુનાખોરોની હદે રાજકારણ અને જૂથબંધી વકરે છે.
વિદ્યાર્થીઓ આવતી કાલના નાગરિક બનવાની ઉત્તમ તાલીમ પ્રાપ્ત કરવા માટે નહિ પણ હાજરીની ઔપચારિક્તા પૂરી કરવાના હેતુથી કોલેજ આવે છે.
સર્વ સામાન્ય મત એવો છે કે આવતી કાલના નાગરિકો બનવા માટે કોેલેજિયનોને વિજાતીય સાથીદારો સાથે મુક્ત સંપર્ક કેળવવા દેવો જોઈએ જેથી તે પરસ્પરને યોગ્ય રીતે સમજી શકે. આવા સંપર્કના અભાવથી યુવાનો સ્ત્રીને માત્ર જાતીય સુખ મેળવવાનું સાધન કે રમકડું સમજે છે. અને તેની છેડછાડ કે મસ્તી કરવા પ્રેરાય છે. શહેરની એક જાણીતી કોલેજમાં ભણતી રીનાના અભિપ્રાય મુજબ વિજાતીય વ્યક્તિ સાથે નિકટનો સંપર્ક કેળવવાથી વંચિત રહી ગયેલા કોલેજિયન યુવાનો છેડતી -મસ્તી તોફાની જેવી નિર્દોષ પ્રવૃત્તિઓથી શરૂઆત કરે છે, જેનો અંત ક્યારેક ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓમાં આવે છે અને ભારતીય સમાજમાં થતી સ્ત્રીઓની અવહેલના અને અવદશાનું એક કારણ આ પણ છે.
આખરે જીવનમાં દરેક યુવકે કોઈને કોઈ યુવતી સાથે રહેવાનો પ્રસંગ તો આવવાનો જ છે. બંને એકબીજાથી અજાણ્યાં હોય એવી પણ શક્યતા છે. શાળા અને કોલેજના સમયથી જ પરસ્પરનો આદર કરવાનું અને એકબીજાના ગમા-અણગમા લાગણી, સંવેદનાઓ, ધ્યેય અને મહત્ત્વાકાંક્ષાઓ સમજતાં તેઓ ન શીખે તો આગળ જતાં તેમણે દુ:ખી થવું પડે છે. એવો ઉગ્ર પ્રતિભાવ એક પ્રાધ્યાપકે આપ્યો હતો.




