આ રીતે ઉજવો ઈકો ફ્રેન્ડલી દિવાળી

દિવાળી બધા ઊજવે છે અને ધામધૂમથી ઊજવે છે, પણ જો તમે પર્યાવરણ અને વધતા પ્રદૂષણ પ્રત્યે જાગૃત બનીને ઈકો ફ્રેન્ડલી દિવાળી ઊજવવાની તૈયારી કરો છો, તો ખરેખર તમે પ્રકાશના આ તહેવારને એક જુદો અર્થ આપશો.
દશેરા પૂરી થાય છે તે દિવાળીની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ જાય છે.
પ્રાચીન ગ્રંથો પ્રમાણે જ્યારે રામ ૧૪ વર્ષ વનવાસ ભોગવીને પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફર્યા હતા, ત્યારે તેમના આવવાની ખુશીમાં લોકોએ ઘરમાં ઘીનાં દીવા કર્યા અને મીઠાઈઓ વહેંચી હતી. તે જ પરંપરા પ્રમાણે આપણે આજે પણ દિવાળીના તહેવાર પર એવું જ કરીએ છીએ.
પરંતુ આપણે એક વાત ભૂલી જઈએ છીએ કે રામના સ્વાગતમાં અવાજ કરતાં ફટાકડા ફોડવામાં આવ્યા ન હતા, જ્યારે આપણે ઢગલાબંધ ફટાકડા ફોડીને વાતાવરણને પ્રદૂષિત કરીએ છીએ.
જે પરંપરાઓ નુકસાન પહોંચાડે, તેમને અટકાવવી જોઈએ. સારું છે કે ફટાકડા ફોડવાની આવી જ એક પરંપરા તૂટી રહી છે. ધીમેધીમે પણ લોકો ધુમાડા અને અવાજથી વાતાવરણને થતાં નુકસાન પ્રત્યે સચેત બની રહ્યા છે.
થોડા સમય પૂર્વે ઈકો ફ્રેન્ડલી ડિઝાઈનર કેંડલ્સ બનાવવાના લીધે લુધિયાણાની ચારુ સમાચારોમાં છવાયેલી રહી. વાસ્તવમાં, દિવાળીના તહેવારમાં ફટાકડા, કેંડલ્સ, દીવા વગેરેના લીધે વાતાવણને થનાર નુકસાનના પગલે તેમને ઈકો ફ્રેન્ડલી કેંડલ્સ બનાવવાનું સૂઝ્યું હતું. એવું માનવામાં આવ રહ્યું છે કે જર્મન વેક્સનો ઉપયોગ કરીને બનાવેલી આ કેંડલ્સથી ન તો ધુમાડો થાય છે અને ન વાતાવરણને કોઈ નુકસાન થાય છે.
દિવાળીમાં વાતાવરણને થતાં નુકસાનમાં રાહત મેળવવા ચારુનો પ્રયાસ ભલે નાનો છે, પણ બીજાઓનો ઈકો ફ્રેન્ડલી દિવાળી ઊજવવા માટે પ્રોત્સાહિત કરવાની તેમની કોશિશ ઘણી પ્રેરણાદાયી છે.
એ વાતને નકારી ન શકાય કે ફટાકડામાંથી નીકળતા ધુમાડા અને અવાજ નાનામોટા જીવજંતુ ઉપરાંત માણસોને પણ ગંભીર અસર કરે છે. એક અભ્યાસમાંથી તારણ આવ્યું છે કે મોટાભાગે સામાન્ય દેખાતા ફટાકડા જેમ કે, તારામંડળ અને કોઠીમાં ઝેરી તત્ત્વો હોય છે, જે દિવાળીમાં વાતાવરણમાં ભળી જાય છે.
તેનાથી થતું ધ્વનિ પ્રદૂષણ તો એક સમસ્યા છે જ. નિષ્ણાતોનું માનવું છે કે ફટાકડાથી થતાં અવાજની તીવ્રતા એટલી વધારે હોય છે કે તેના લીધે કોઈ સામાન્ય માણસને પણ બહેરાશ આવી શકે છે, હાઈ બ્લડપ્રેશર, અનિદ્રા અને હૃદયરોગ જેવી જીવલેણ સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
કદાચ આ કારણોના લીધે જ ઈકો ફ્રેન્ડલી, અવાજરહિત દિવાળી (અને શક્ય હોય તો ધુમાડારહિત પણ) નો કોન્સેપ્ટ આવ્યો. નાના સ્તરે જ, પણ દેશના દરેક ભાગમાં ઈકો ફ્રેન્ડલી દિવાળી ઊજવવાની પરંપરા શરૂ થઈ ગઈ છે.
સ્કૂલોમાં ચલાવેલી પ્રદૂષણ વિરોધી ઝુંબેશ પછી સંતોષજનક વાત એ છે કે હવે સ્કૂલનાં બાળકો ફટાકડા વગેરેના લીધે વાતાવરણને થતા નુકસાન અંગે સમજી ગયા છે અને ફટાકડાઓને તેમણે જાતે જ નકારી દીધા છે.
કેવી રીતે ઉજવશો ઈકો ફ્રેન્ડલી દિવાળી
- આજ કાલ બજારમાં અવાજરહિત અને ધુમાડા રહિત ફટાકડાની ઘણી વેરાયટી ઉપલબ્ધ છે. જો ફટાકડા ફોડવા જ હોય તો તેનો પ્રયોગ કરી શકાય.
- દિવાળીને માત્ર અવાજ સાથે સાંકળીને જ જુઓ. જો એવું કરવું જરૂરી જ હોય, તો કમ્યૂનિટી ફાયર વર્ક્સની મદદ લો, જેની હેઠળ આખી કોલોનીના લોકો સાથે મળીને કોઈ જાહેર જગ્યાએ આતશબાજીનું આયોજન કરે.
- રંગોળી, સજાવટ, ઈકો ફ્રેન્ડલી દીવા અને મીણબત્તીઓનો પ્રયોગ કરો.
- જેટલા પૈસા તમે ફટાકડા પાછળ બરબાદ કરવા ઈચ્છો છો, તેમાંથી કોઈ ગરીબ બાળકના અભ્યાસનો ખર્ચ ઉઠાવો.
- કોઈ પિકનિક સ્પોટ પર જઈને ઈકો ફ્રેન્ડલી દિવાળી ઊજવો.
ઈકો ફ્રેન્ડલી ગિફ્ટ પેકિંગ
જો તમે દર વર્ષે ઈકો ફ્રેન્ડલી દિવાળી ઊજવો છો અને બોમ્બ-ફટાકડા નથી ફોડતા, તો આ વર્ષે તમે તમારા મિત્રો અને સંબંધીઓને જે ગિફ્ટ આપવાના છો, તેનું પેકિંગ પણ ઈકો ફ્રેન્ડલી કરો. - તમે ગિફ્ટ પેક કરવા માટે શોપિંગ બેગ ખરીદી શકો છો. આ વર્ષે બજારમાં તમને અસંખ્ય સ્ટાઈલિશ શોપિંગ બેગ્સ જોવા મળશે.
- તમે ઓર્ગેનિક કોટન બેબી બ્લેંકેટ, બીચ ટુવાલ અને ઓર્ગેનિક કોટન બાથ ટુવાલથી પણ ગિફ્ટ પેક કરી શકો છો. આ કેટલીક એવી રેપિંગ સ્ટાઈલ છે, જેને લોકો ખૂબ પસંદ કરે છે. તમે આ ગિફ્ટ રેપિંગનો પાછળથી ઉપયોગ પણ કરી શકો છો.
- તમે હેન્ડમેડ પેપરથી પણ ગિફ્ટ સજાવી શકો છો. તે હેન્ડમેડ પેપર હાથીના છાણમાંથી બનાવવામાં આવે છે અને તે બેક્ટેરિયા ફ્રી છે. ઘણા હેન્ડમેડ પેપર પાંદડાંમાંથી પણ બનાવવામાં આવે છે.
- જરૂરી નથી કે ગિફ્ટ પેકિંગ માટે પેપરનો જ ઉપયોગ કરવો. તમે પેટ્રોલિયમ બેઝ સ્ટિક ટેપથી પણ ગિફ્ટ પેક કરી શકો છો. તે સિવાય નેચરલ વુલ યાર્ન પણ એક ઉત્તમ ઈકો ફ્રેન્ડલી ગિફ્ટ પેકિંગ છે.
- તમારા ઘરે ન્યૂઝપેપર તો આવતું જ હશે, તમે તેને પેપર બેગની જેમ વાપરી શકો છો. તે સિવાય તમારી જૂની બુક તેમજ ગ્રીટિંગ કાર્ડમાંથી ચિત્ર કાપી લો અને ગિફ્ટ બોક્સને સજાવો.




