સંબંધોમાં તાજગી લાવે : પ્રેમની ઝપ્પી

પતિપત્ની વચ્ચે નાનામોટા ઝઘડા તેમની રોજિંદી દિનચર્યાનો ભાગ હોય છે, જ્યાં તેઓ સમજ્યાવિચાર્યા વિના ઝઘડી પડે છે ત્યાં આવી પ્રેમની એક નાનકડી ઝપ્પી મોટી કમાલ કરી બતાવે છે. તે નાનકડા ઝઘડાને મોટું રૂપ આપતા અટકાવે છે.
એવું નથી કે પ્રેમની ઝપ્પી માત્ર ઝઘડાને જ અટકાવે છે, પણ ખરેખર પ્રેમની નાનકડી ઝપ્પી પતિપત્નીના સંબંધમાં મોટી કમાલ કરી બતાવે છે.
મનોવૈજ્ઞાાનિક માને છે કે જ્યારે આપણે કોઈને ભેટીએ છીએ, ત્યારે આપણા શરીરનો ગુસ્સો વધારતા હોર્મોન્સ ઝડપથી ઓછા થવા લાગે છે, તમારી સામેની વ્યક્તિ ગુસ્સો ભૂલીને તમારા પ્રેમને અનુભવે છે એટલે તમારી પ્રેમની ઝપ્પી તેના ગુસ્સાને પળવારમાં દૂર કરી દે છે અને તે તમને માફ કરી દે છે.
પતિપત્ની વચ્ચેના પ્રેમને એકબીજા પ્રત્યે વ્યક્ત કરવાનો સૌથી અનોખો અને કારગત ઉપાય હોય તો તે છે પ્રેમની ઝપ્પી, જેમાં બોલ્યા વિના તમે તમારી લાગણી વ્યક્ત કરી શકો છો. પત્નીએ જો સારું ભોજન બનાવ્યું હોય તો પતિએ પત્નીને એક પ્રેમની ઝપ્પી અને જો પતિએ કોઈ સારી પોલિસીમાં ઈન્વેસ્ટ કર્યું હોય તો પત્નીએ પતિને પ્રેમની એક ઝપ્પી આપવી જોઈએ. પતિ-પત્ની વચ્ચે હેલ્થિ અને હેપી મેરિડ લાઈફનો અચૂક નુસખો છે આ પ્રેમની ઝપ્પી, જેને ક્યારેય પણ અને ક્યાંય પણ આપી શકાય છે.
પતિપત્નીના એકબીજા પ્રત્યેના પ્રેમની અભિવ્યક્તિની રીત છે પ્રેમની ઝપ્પી, જેનો અર્થ થાય છે કે તમે મને સૌથી વહાલાં છો. પ્રેમની ઝપ્પી આપતી વખતે એવું ક્યારેય ન વિચારો કે તમે ક્યાં છો અને કોની સામે છો. મિત્રો વચ્ચે પણ જો તમે પતિ-પત્ની એકબીજાને જાદુની ઝપ્પી આપશો તો તમારા મિત્રોની નજરમાં તમારું માન વધી જશે. તમારા બંનેની આત્મીયતા અને પ્રેમ વ્યક્ત થશે.
એવું નથી કે માત્ર આનંદના અવસર પર જ પતિપત્ની એકબીજાને ભેટીને પોતાનો પ્રેમ અને આત્મીયતા વ્યક્ત કરી શકે છે. તેઓ દુ:ખ અને તકલીફની ક્ષણોમાં પણ એકબીજાને ભેટીને વધુ નજીક આવી શકે છે અને દુ:ખ વહેંચી શકે છે.
ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાાનિકો એક સંશોધન બાદ તારણ પર આવ્યા છે કે જ્યારે આપણે કોઈને દુ: ખ અને તકલીફમાં ભેટીએ છીએ ત્યારે તે વ્યક્તિ રાહત અનુભવે છે. અહેવાલમાં આ વાત મા અને બાળકનું ઉદાહરણ આપીને સ્પષ્ટ કરવામાં આવી છે કે જ્યારે બાળકને વાગતું હોય છે અને મા તેને છાતીએ વળગાડે છે ત્યારે તેનું દુ:ખ અને તકલીફ દૂર થઈ જાય છે. વૈજ્ઞાાનિકોના સંશોધન પ્રમાણે, જ્યારે આપણે આપણા સાથીને ભેટીએ છીએ ત્યારે લોહીમાં રહેલા ઓક્સિટોસિન નામના હોર્મોનનો સ્ત્રાવ થાય છે, જેનાથી લોહીનું વધારે દબાણ નીચું આવે છે, તાણ તેમજ બેચેની ઓછા થાય છે અને સ્મરણશક્તિ પણ વધે છે.
દુ:ખ તેમજ તકલીફની ક્ષણોમાં જ્યારે પતિપત્ની એકબીજાને પ્રેમભરી ઝપ્પી આપે છે ત્યારે બધી જ તકલીફો દૂર થઈ જાય છે, કારણ કે તેમની વચ્ચે પ્રેમ વધે છે અને તેમની વચ્ચેનું બંધન અતૂટ થઈ જાય છે.
ઓફિસથી ઘરે પહોંચવામાં મોડું થઈ ગયું. પત્નીએ બજારમાંથી જરૂરી સામાન મંગાવ્યો હોય પણ તમે ભૂલી ગયા અથવા પત્નીએ સારી સાડી પહેરી હોય, પણ તમે તેનાં વખાણ કરવાનું ભૂલી ગયા તો પત્ની તમારાથી નારાજ થાય તે સ્વાભાવિક છે. તે સ્થિતિમાં પત્નીનો ગુસ્સો દૂર કરવાનો સૌથી સારો ઉપાય છે પ્રેમની ઝપ્પી. પછી તમે જોઈ શકશો કે કેવી રીતે તેનો ગુસ્સો ક્ષણવારમાં ગાયબ થઈ જાય છે. પત્નીના ગુસ્સાને શાંત પાડવાનું સૌથી ઉત્તમ માધ્યમ હોય તો તે છે તેને ગળે વળગાડીને તેની માફી માંગવી અને તમારો પ્રેમ અભિવ્યક્ત કરવો. તમારી આ ઝપ્પી તેના ગુસ્સાને બરફની જેમ ઓગાળશે, કારણ કે તેમાં તમારા પ્રેમની હૂંફ હશે.
કેલિફોનયા યુનિવસટીના એક સંશોધન પ્રમાણે આલિંગન અને સ્પર્શનો સંબંધ એવા અનેક સ્વાસ્થ્યવર્ધક ગુણ ધરાવે છે, જે તાણ અને પીડામાં ઘટાડો કરે છે. સંશોધન પ્રમાણે તેની સૌથી વધારે અસર મહિલાઓ પર થતી હોય છે એટલે કે જો પત્ની નારાજ હોય ત્યારે તેને પ્રેમભરી ઝપ્પી આપશો તો તે ક્ષણવારમાં માની જશે.
જ્યારે શાહરુખ ખાન, ગૌરી ખાન, અરબાઝ ખાન તેમજ મલાઈકા જેવી સેલિબ્રિટીઝ જાહેર સ્થળે એકબીજાને ભેટે છે ત્યારે તમે કેટલા રોમાંચિત થાઓ છો. તમારા સંબંધમાં પણ તે જ રોમાન્સ લાવો. તમારા પ્રેમને જાહેર બનાવો. એકબીજાને પ્રેમની ઝપ્પી આપતી વખતે ખચકાટ, અસમંજસ કે શંકાને કોઈ સ્થાન ન આપો, કારણ કે જ્યારે તમે જાહેર સ્થળને બધાની સામે તમારી પત્નીને ભેટો છો, ત્યારે તે તમારા બંને વચ્ચે એક સુરક્ષા ચક્ર બનાવે છે અને તમારા પ્રેમની અભિવ્યક્તિ તમારી પ્રબળ માનસિકતાની સાથે સાથે તમારા નિર્મળ પ્રેમને પણ વ્યક્ત કરે છે. જ્યારે તમારા બંને પાસે લગ્નનું સટફિકેટ છે તો પછી જાહેરમાં પ્રેમ કરવામાં ડરવાનું કેમ. તમારા પ્રેમનો એકરાર કરો.
લગ્નના કેટલાક વર્ષ પછી જ્યારે ઘર અને ઓફિસની જવાબદારીઓ પતિપત્નીના સંબંધને ઠંડા પાડી દે છે ત્યારે પ્રેમની ઝપ્પી જૂના દિવસોને તાજા કરી દે છે અને પતિપત્નીના પ્રેમમાં રોમાન્સની હૂંફ ઉમેરી દે છે. જીવનમાં મીઠાશ ઉમેરે છે. જ્યારે તમે એકબીજાના સારા કામ અને તકલીફમાં પ્રેમની ઝપ્પી આપો છો ત્યારે સેંસ ઓફ ટુગેધરનેસનો અનુભવ થાય છે. પ્રેમની ઝપ્પી એક એવો રામબાણ ઈલાજ છે કે જેમાં પતિપત્નીના જીવનમાં જૂની યાદોની હૂંફભરી પળો બીજીવાર લાવી શકાય છે.
ભારત જેવા દેશમાં જ્યાં યૌન લાગણીઓ અથવા પ્રેમની અભિવ્યક્તિ યોગ્યતા અને નૈતિકતાની વિરુદ્ધ માનવામાં આવે છે, ત્યાં જ નૈતિકતાનો કક્કો ઘૂંટતા લોકોના વિરોધમાં મહિલાઓ પ્રત્યેની સંવેદનશીલતાને પ્રોત્સાહન આપવા માટે કોચ્ચિમાં દાયકા પૂર્વે આયોજિત કરવામાં આવેલી 'કિસ ઓફ લવ'ની ઝુંબેશ પૂરા દેશમાં જોર પકડી રહી છે.
'કિસ ઓફ લવ'ના આયોજકોનો તર્ક છે કે પ્રેમથી કિસ કરવી એ કોઈ અશ્લીલતા નથી. આ ઝુંબેશને સોશિયલ મીડિયા પર પણ સમર્થન મળી રહ્યું છે.
ભારતીય દંડ સંહિતા પ્રમાણે એવો કોઈ જ કાયદો નથી, જે બે લોકોને પોતાની ઈચ્છાથી કિસ કરતા કે ભેટતા રોકી શકે. આ ઝુંબેશમાં જોડાયેલા યુવાનોનું પણ કહેવું છે કે અમે આ આયોજન દ્વારા પ્રેમનો સંદેશ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તેમનું માનવું છે કે આ અમારું શરીર છે, અમારું મગજ છે. અમે મોરલ પોલિસીની મંજૂરી નહીં આપીએ. પતિપત્ની વચ્ચે પ્રેમની ઝપ્પી લગ્નજીવન માટે ઈમોશનલ ક્લાયમેટ સર્જે છે. પ્રેમની ઝપ્પીનો પ્રેમભર્યો ટચ એકબીજા વચ્ચે હકારાત્મકતા વધારે છે અને તેની સાથે ઈમોશનલ સપોર્ટ પણ આપે છે. પ્રેમની ઝપ્પીને જો રોજિંદી દિનચર્યામાં ઉમેરવામાં આવે, તો તે બતાવે છે કે તમે હંમેશાં એકબીજા સાથે છો, તેથી વ્યસ્તતામાં આપેલી પ્રેમની ઝપ્પી તમે બંને એકબીજા માટે કેટલા ખાસ છો તેનો અનુભવ કરાવે છે. તે એક વણકહ્યો એકરાર છે કે, 'હું હંમેશાં, ડગલે ને પગલે તારી સાથે છું', 'તું મારા માટે ખાસ છે', 'તારી પર મને સંપૂર્ણ વિશ્વાસ છે', 'તું મને ગમે તે સ્થિતિમાં પસંદ છે'. તેથી જો તમારે તમારા લગ્નજીવનની આવરદા વધારવી હોય તો પ્રેમની ઝપ્પીનો એક ડોઝ સવારે ઊઠીને, એક કામ પર જતી વખતે, એક ઓફિસેથી આવીને અને એક ઊંઘતી વખતે એકબીજાને આપીને તમારા પ્રેમની ઉંમર વધારો.




