ઘરમાં રોનક રેલાવતા રંગ

- યોગ્ય શેડ અને પ્રોફેશનલ રંગારા દ્વારા ઘરને સુંદર બનાવો
દિવાળીનો વિચાર આવતાં જ સૌથી પહેલાં ઘરના રંગરોગાન અને સાફસફાઈનો વિચાર આવે છે. આજકાલ પ્રદૂષણ એટલું વધી ગયું છે કે ઘરની દિવાલોના રંગ ઝડપથી ઝાંખા પડી જાય છે તથા પોપડા ઉખડી જઈને ધાબા પડી જાય છે. ઘરની સાફસફાઈ કરીએ ત્યારે આ ધાબામાં વધારો થાય છે અને ઘરની સુંદરતા ઓછી થઈ જાય છે. જોકે, આજકાલ મોંઘવારી એટલી વધી ગઈ છે કે દર વર્ષે રંગકામ કરાવવાનું પણ પરવડતું નથી.
દિનપ્રતિદિન રંગના ભાવ વધતા જાય છે તે જ પ્રમાણે રંગારાઓની મજૂરી પણ વધતી જાય છે. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે, આજના વ્યસ્ત જીવનમાં મોટાભાગની મહિલાઓ નોકરિયાત હોય છે અથવા ઘરમાં કોઈને કોઈ પ્રવૃત્તિ કરતી જ હોય છે એટલે રંગકામ માટે જરૂરી સમય તે ફાળવી શકતી નથી. એટલે તેને ઝટપટ કામ પતે અને ઘર સરસ દેખાય તેવી ઈચ્છા હોય છે. તે માટે આજકાલ કેટલીક પેઈન્ટ કંપનીઓ પણ હવે ઘરને રંગવાનો કોન્ટ્રેક્ટ લે છે. તે માટે ફક્ત તેમને પૈસા ચૂકવી દેવાના હોય છે. રંગકામ સંબંધિત બધી જ જવાબદારી તેમની ગણાય છે.
આજકાલ એક નાની રૂમને રંગકામ કરાવવાનો ખર્ચ પણ આઠથી દસ હજાર રૂપિયા આવે છે. આટલા પૈસા ખર્ચીને જ્યારે ઘરને રંગ કરાવતાં હોઈએ ત્યારે વર્ષો સુધી તે સુંદર દેખાય તેવું આપણે ઈચ્છીએ છીએ તે માટે હંમેશા પેઈન્ટની પસંદગી ખૂબ જ સંભાળપૂર્વક કરવી જોઈએ. ઘરની દિવાલોને લાંબો સમય સુંદર રાખવાનો આ જ એકમાત્ર ઉપાય છે.
હવે ઘરને રંગકામ કરાવવાનો વિચાર કરીએ ત્યારે સૌથી પહેલો પ્રશ્ન પેઈન્ટની પસંદગી કઈ રીતે કરવી? એમ થાય છે. વિવિધ પ્રકારની સપાટી માટે જુદા જુદા પ્રકારના રંગ આવે છે. કોંક્રિટ, મેટલ, લાકડા વગેરે માટે જુદા જુદા રંગ આવે છે. ઘરના ઉત્કૃષ્ટ દેખાવ માટે ઈમ્લ્શન, લસ્ટર ફિનીશ અને મેટ ફિનીશને ક્યારેય ન ભૂલવું જોઈએ. પરંતુ આમાંથી શેની પસંદગી કરવી? આમાંથી ઈમલ્શન ખૂબ જ મોંઘા હોય છે. પરંતુ તે દેખાય છે પણ ખૂબ જ આકર્ષક. ડિસ્ટેમ્પર કરતાં તે દિવાલને વધુ ચમકાવે છે અને એકદમ સુંવાળું લુક આવે છે.
તે જ પ્રમાણે ઈમલ્શનમાં ઘણા બધા શેડ્સની પસંદગી પણ કરવા મળે છે. જો તમે ખરેખર ઘરને ચમકાવવા ઈચ્છતાં હો અને થોડો ખર્ચ વધી જાય તો વાંધો ન આવે એમ હોય તો બેઠકરૂમમાં ઈમલ્શન જ કરાવો. જ્યારે અન્ય રૂમમાં ડિસ્ટેમ્પર ચાલશે. યાદ રાખો કે, ડિસ્ટેમ્પર અને ઈમલ્શન બંને ટકાઉ અને ધોઈ શકાય તેવા રંગ છે.
જો તમે ખર્ચ ઓછો કરવા સિમેન્ટ પેઈન્ટ વાપરવાનો વિચાર કરતાં હો તો તેના બદલે થોડો ખર્ચ વધારે કરીને ડિસ્ટેમ્પર કરવાનો વિચાર કરવો. ઓછા ખર્ચે ડિસ્ટેમ્પરમાં સારંું પરિણામ જોવા મળે છે.
વાસ્તવમાં રંગકામનો ખર્ચ આપણે ઉત્તમ પરિણામ મેળવવા જ કરીએ છીએ. પરંતુ તે કઈ રીતે શક્ય બને? હા, તે શક્ય છે અને તેના માટે થોડી વાતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.
હંમેશા દિવાલો પર રહેલી બધી જ ખામી રંગકામ શરૂ કરતાં પૂર્વે દૂર કરવી જોઈએ. જો દિવાલોમાંથી પાણી ઝમતું હોય કે તે ભીની રહેતી હોય તો રંગ શરૂ કરતાં પહેલા વોટરપ્રૂફીંગનું કામ કરાવી લેવું જોઈએ. જો આમ ન કરવામાં આવે તો, થોડા દિવસોમાં દિવાલમાં પાછો ભેજ લાગશે અને રંગના પોપડાં ઉખડી જશે. તથા સફેદ ભૂકા જેવું ખરતું રહેશે. તથા રંગકામનો ખર્ચ માથે પડશે.
જે દિવાલો પર રંગ કરવાનો હોય તેને પહેલાં સપાટ બનાવો. એટલે કે દિવાલો પર એક રંગ હોય અને બીજો રંગ ક્યારેય ન કરવો. જુનો રંગ ઉખેડીને જે કોઈ ગાબડાં હોય તે 'લામ્બી અને પ્રાઈમરથી પૂરીને દિવાલને સપાટ બનાવો. લામ્બી લગાડવાથી દિવાલ પરના નાના નાના ગાબડા પૂરવા તથા પછી પ્રાઈમર લગાડવું જેથી દિવાલ એકદમ લીસી બની જાય. આ બધું લગાડયા પછી દિવાલને સરખી સુકાવા દેવી. જો દિવાલ થોડી પણ ભીની હશે અને તેના પર રંગ કરવામાં આવે તો ધાબા પડી જશે. ત્યારબાદ તમારે જે પ્રમાણે ઘરને ચમકીલું બનાવવું હોય તે પ્રમાણેના રંગની પસંદગી કરવી.
ઈનેમલ પેઈન્ટ એકદમ ચમકીલા હોય છે. લસ્ટર ફિનીશ કરતાં પણ ચમકીલા આ રંગ હોય છે. પ્રિમીયમ ઈમલ્શન સામાન્ય ગણાય છે. જો તમારે ઘરનો દેખાવ એકદમ ચમકીલો ન જોઈએ તો મેટની પસંદગી પણ કરી શકાય.
રંગકામ ક્યારેય એક વ્યક્તિથી ન થાય. તે માટે બે-ચાર માણસો અને કરવાની સરખી આવડત જરૂરી છે. બને ત્યાં સુધી પ્રોફેશનલ રંગારાઓને જ આ કામ સોંપવું જેથી એકદમ વ્યવસ્થિત રીતે અને ઝડપથી કામ પતે.
બને ત્યાં સુધી પાણીથી ધોઈ શકાય તેવા રંગ પસંદ કરવા. દર થોડા વખતે દિવાલને પાણી વડે ધોવાથી તે એકદમ સ્વચ્છ રહે છે. થોડો ડિટર્જન્ટ પાણીમાં નાંખીને સ્પંજ વડે દિવાલ લૂછવાથી તે સરસ બની જશે. દિવાલ સાફ કરતી વખતે બહુ જોરજોરથી ઘસવું નહિ.
રંગકામ કરાવતી વખતે રંગની પસંદગી મહત્ત્વની છે. બેડરૂમ, ડ્રોઈંગરૂમ, કિચન વગેરે જુદા જુદા રૂમમાં પસંદગી અનુસાર રંગ કરવો.
બેઠકખંડમાં બારીમાંથી પ્રકાશ આવતો હોય છે એટલે બને ત્યાં સુધી ખુલ્લા-લાઈટ શેડને પસંદ કરવા. તે જ પ્રમાણે ઘરના રાચરચીલા તથા પડદાના રંગને લક્ષમાં રાખીને શેડની પસંદગી કરવી. બાળકોને મનગમતો શેડ તેમના રૂમમાં કરવો.
ઘરની સુંદરતા જાળવવાની જવાબદારી ગૃહિણીની જ હોય છે. અને તે માટે રંગ કરાવતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું જોેઈએ.
ઘરમાં રંગકામ કરાવતી વખતે નીચેની બાબતો ટાળવી.
- તૈલી અને ચીકણી સપાટી પર ક્યારેય સીધેસીધો રંગ ન કરવો.
- ધૂળ અને કાટ લાગ્યો હોય તેવી જગ્યાએ પણ રંગ ન કરવો.
- કાછિયા કાગળથી દિવાલ ઘસ્યા વગર ક્યારેય દિવાલ પર રંગ કરવો નહિ.
- રંગનો વધારે પડતો જાડો થર થઈ જાય તો ધાબા પડે છે એટલે પ્રમાણ જાળવવું.
- લામ્બીને પણ જાડી ન લગાડવી આનાથી દીવાલ ચોક્કસ જગ્યાએથી ઉપસેલી લાગશે.
- રંગકામ કરવા ધૂળવાળા બ્રશ ન વાપરવા.
- બ્રશના નિશાન ન પડે તે માટે ખરાબ થઈ ગયેલા બ્રશ ન વાપરવા.
- વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોય ત્યારે રંગકામ ન કરવું.
- રંગને પાતળો કરવા માટે અયોગ્ય પ્રવાહી ન વાપરવું.
- ઈશિતા




