Sahiyar

ભાદ્રપદ (શરદ), શ્રાદ્ધ અને પિત્તપ્રકોપ

By GS Team
28 Sep 20263 mins read
ભાદ્રપદ (શરદ), શ્રાદ્ધ અને પિત્તપ્રકોપ
  • આરોગ્ય સંજીવની

ભાદરવો શરૂ થઈ ગયો છે. આયુર્વેદમાં રોગોની જનની એ શરદઋતુને કહેવામાં આવી છે. શરદઋતુ નો પ્રથમ મહિનો એટલે ભાદરવો.
ભાદરવામાં સૂર્યના કિરણો ફરી પ્રખર થવા લાગે છે. વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધવા લાગે છે. જેથી શરીરમાં પણ વાત, પિત્ત અને કફ એ ત્રિદોષ પૈકી પિત્ત પ્રકોપ થાય છે અને પિત્ત સંબંધી સમસ્યાઓ, એસીડીટી, સ્કીન ડીસીઝ વગેરે થવાની શક્યતાઓ વધવા લાગે છે.
પરંતુ જો ભાદરવાનાં ૧ મહિના દરમિયાન આયુર્વેદનાં નિયમો અને પથ્યાપથ્યનું પાલન કરવામાં આવે તો ચોક્કસ સ્વાસ્થ્ય જળવાઈ રહે છે.
ભાદરવામાં પિત્તપ્રકોપ હોઈ દહીં અને છાશનું સેવન કરવાનો આયુર્વેદમાં નિષેધ છે. પિત્તપ્રકોપ હોવાથી દહીં અને છાશનાં સ્થાને આ ઋતુમાં દૂધનું સેવન હિતકર માનવામાં આવેલ છે. આ ઉપરાંત આ ઋતુમાં ઘઉં, બાજરી, જુવારના બદલે શાલી ચોખા લેવાનું આયુર્વેદમાં વિધાન છે. કઠોળમાં મગ પણ આ ઋતુમાં હિતકર બતાવેલા છે. મગ એ સદા પથ્ય છે. તેથી ભાદરવામાં માત્ર ને માત્ર મગ ખાવા તથા વેલાવાળા શાકભાજી પણ આ ઋતુમાં વધારે લેવા જોઈએ. જેમાં કંટોલા, કારેલા, કોળું, પરવર, ગલકા, તૂરીયા, દૂધી વગેરે કે જેમાં જળતત્વનું પ્રાધાન્ય વધારે હોય તેવા શાકભાજી ખોરાકમાં વધારે લેવા જોઈએ. ચોમાસામાં જે રીતે દાડમ, નાસપતી, પેરૂ, ખારેક વગેરે વધુ લેવાય તે જ રીતે ભાદરવામાં સફરજન, મોસંબી, સંતરા વગેરેને વધારે પ્રાધાન્ય આપવું જોઈએ. કારણ કે આ તમામ ફ્રુટ પિત્તશમન કરે છે.
ભાદરવામાં લીમડાનાં પાણીથી સ્નાન કરવું જોઈએ. ભાદરવામાં જ્યારે પિત્ત વધે છે, ત્યારે સ્કીન સંબંધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. લીમડો એ એન્ટીબેક્ટેરીયલ અને એન્ટીફંગલ બતાવ્યો છે. લીમડાને પાણીમાં ઉકાળી તે પાણીથી સ્નાન કરવું તેમજ લીમડાનાં પાનની પેસ્ટ બનાવી તેને બાજરી ચણા કે મસૂરનાં લોટ સાથે મિક્સ કરી ઘર્ષણ સ્નાન પણ કરી શકાય છે. જેથી મચ્છરોના ઉપદ્રવથી સ્કીનમાં ડાઘા કે અન્ય સમસ્યાઓ થઈ હોય તો તરત છુટકારો મળે છે.
ભાદરવા મહિનામાં ઘીનું સેવન નિયમિત કરવું જોઈએ. સીંગતેલ કે તલનું તેલ આ ઋતુમાં ઘી જેટલું ફાયદાકારક નથી. ભાદરવામાં પિત્તપ્રકોપ હોઈ દેશી ગાયનું ઘી ખૂબ હિતકર છે. ઉપરાંત આ ઋતુમાં કોપરું કે નાળિયેર તેલ હિતકર છે. ગુજરાતમાં તો નાળિયેર તેલ વાપરવાનું પ્રચલન નથી પણ દક્ષિણ ભારતમાં નાળિયેરનું તેલ વપરાય છે. નાળિયેર સ્વભાવે ઠંડી પ્રકૃતિ ધરાવે છે. જેથી ભાદરવા દરમિયાન કોપરા કે નાળિયેરની છીણમાંથી બનાવેલો કોપરાપાક ખૂબ ફાયદાકારક છે.
શરદઋતુ કે ભાદ્રપદમાં ખાટો, ખારો કે તીખો આહાર ન લેવો જોઈએ. આ ઋતુમાં પિત્તશામક એવો તથા દૂધમાંથી બનેલ આહાર વધારે લેવો હિતકર છે. આ ઋતુમાં કડવો, તૂરો અને ગળ્યા રસવાળા ખોરાક વધારે લેવા જોઈએ.
આ ઋતુમાં પિત્તશામક એવા જ પ્રકારના પીણા લેવાનું આયુર્વેદમાં સૂચન છે. જેમાં (૧) ખેરની છાલનું પાણી, (૨) વરીયાળીનું શરબત, (૩) ધાણાનું પાણી, (૪) આમળા અને ગોળનું શરબત.
આ ચારેય પ્રકારનાં પીણા પિત્તવિકાર, સ્કીનડીસીઝ તથા પિત્ત સંબંધી અન્ય રોગોમાં ખૂબ ફાયદાકર છે.
આ ઉપરાંત ભાદરવા મહિનામાં દૂધ, ચોખા, મિસરી અને એલચીથી બનાવેલી ખીર ખૂબ ફાયદાકારક છે, જે આપણાં શરીર માટે ટોનિક પણ છે, તથા પિત્તપ્રકોપ સામે પણ રક્ષણ આપે છે.
આપણી ભારતીય પરંપરામાં શ્રાદ્ધ આ માસમાં જ રાખવામાં આવેલ છે, કે જેથી આપણે શ્રાદ્ધનું વાસ (ખીર) આપણાં પિતૃઓને સંતૃપ્ત કરવા નાખીએ છીએ, તથા ભાવથી તેનો પ્રસાદ આપણે પણ ગ્રહણ કરીએ છીએ, જેથી આધ્યાત્મિકતાની સાથે સાથે આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે, તથા ધાર્મિક અને પૌરાણિક માન્યતાઓ અનુસાર દૂધને અમૃત તુલ્ય માનવામાં આવેલ છે. દૂધ, ચોખા, મિશ્રીનાં સંયોજનથી બનેલ ખીર પવિત્ર અને સાત્વિક ભોજન જે પિતૃઓને શાંતિ અનં સંતુષ્ટિ આપે છે, તથા ધરાવેલ કે અર્પિત કરેલ ખીરનો પ્રસાદ પિત્ત પ્રકોપને શાંત કરતો હોવાથી સ્વાસ્થ્યની જાળવણી માટે પણ ખૂબ મહત્વનું કાર્ય કરે છે.
આ રીતે ભાદ્રપદમાં ખીરનું આરોગ્ય અને અધ્યાત્મ એમ બંને રીતે ખૂબ મહત્વ બતાવેલ છે.

  • જ્હાનવીબેન ભટ્ટ