મેકઅપના લપેડા લગાવવા પહેલાં સાવધાન !

આજે વ્યક્તિના બાહ્ય સૌંદર્યની બોલબાલા વધી રહી છે. આથી જ માનુનીઓ પોતાના રૂપ પ્રત્યે વધુ પડતી સજાગ બની છે. ફિલ્મ કે ટીવી અભિનેત્રી જેવી સુંદર દેખાવા મોટાભાગની યુવતીઓ ક્લીન્સર, મોઈશ્ચરાઈઝર, મેકઅપ અને લિપસ્ટિકની મદદ લે છે. આટલું કરવાથી તેનો ચહેરો ચમકી ઉઠે છે પણ આ દ્વારા પ્રતિવર્ષ તેની ત્વચા લગભગ ૫૧ બી જેટલા રસાયણો શોષી લે છે.
સૌંદર્ય પ્રસાધનોમાં રહેલા કેટલાક રસાયણો કેન્સર સાથે જોડાયેલા છે તો અન્યથી ત્વચાને નુકસાન થાય છે અથવા અકાળે ચામડી પર કરચલીઓ પડી જાય છે. દરરોજ વાપરવામાં આવતાં બ્યુટી ઉત્પાદનોમાં રહેલા રસાયણોથી ત્વચાને જબરજસ્ત તકલીફ થાય છે એવી ચેતવણી બાયોકેમીસ્ટ રિચાર્ડ બેન્સ આપે છે.
કોેસ્મેટીક્સ અને ટોેઈલેટરીઝમાં રહેલા રસાયણો પર અભ્યાસ કરવામાં ત્રણ વર્ષ બેન્સે ગાળ્યા છે. તેમણે કહ્યું હતું કે, રૂઢીગત સૌંદર્ય પ્રસાધનોમાં રહેલા રસાયણો પ્રત્યે પ્રશ્નાર્થ ખડા કરતાં સંશોધનની સંખ્યા વધતી જાય છે. આપણે આપણી ત્વચા પર જે ઉત્પાદનો લગાડીએ છીએ તે બદ્લ જાણકારી મેળવવી જોઈએ. આમાં રહેલા રસાયણો એકમેક સાથે ભળે છે ત્યારે શું થાય છે તેની આપણને જાણ નથી.
સૌથી મોટું જોખમી રસાયણ પેરાબીન્સ પ્રિઝર્વેટીવ્ઝ છે. આ રસાયણનો મહત્તમ ઉપયોગ હેર પ્રોડક્ટ્સ જેમ કે, શેમ્પૂ, સાબુ તથા ડિઓડરન્ટ અને બેબી લોશનમાં થાય છે. બેક્ટેરીયાની વૃધ્ધિને અટકાવવા માટે સક્ષમ ગણાતું આ રસાયણ મહિલાઓમાં રહેલા સેક્સ હોર્મોન એસ્ટ્રોજન પર આડઅસર કરે છે અને શરીરમાં ગાંઠ થવામાં પણ તે ભાગ ભજવે છે. સ્તન કેન્સરના નમૂનામાં આ રસાયણના અંશો જોવા મળ્યા હતા. પરંતુ કેન્સર સાથે તે સંકળાયેલું છે કે નહીં તે બાબતે વિવાદ ચાલે છે.
સાબુ, શેમ્પૂ, શેવીંગ ફોમ, ટુથપેસ્ટ અને બબલ બાથમાં ફીણ વળે તે માટે વાપરવામાં આવતું સોડિયમ લોરિલ સલ્ફેટથી પણ ત્વચાને તકલીફ થાય છે. પરફ્યૂમ, મેકઅપ અને હેરડાઈની જાળવણીમાં ઉપયોગી તથા તેની સુગંધ જાળવી રાખવા વપરાતું બેનઝીલ આલ્કોહોલ પણ નુકસાન કર્તા છે. મોઈશ્ચરાઈઝરમાં રહેલા ઘટકોેને બાંધી રાખવામાં વપરાતું કોકામાઈડ એમઈએ પણ ત્વચા માટે જોખમી છે.
પ્રતિવર્ષ સરેરાશ મહિલાઓ ટાઈલેટરીઝ અને મેકઅપમાંથી ૪૧બી ૬૦ ઝેડ જેટલા રસાયણો ત્વચા દ્વારા શોેષે છે. બેન્સના મતે આવા રસાયણો ગળી જવા કરતાં ત્વચામાં શોેષાવા વધુ જોખમી છે. જો લિપસ્ટિક મોઢામાં જાય તો લાળમાં અને પેટમાં રહેલા એન્ઝાઈમ્સ તેમાં રહેલા તત્વોને ભાંગી નાખે છે. આથી તેની આડઅસર ઓછી થાય છે પણ જો તે ત્વચા દ્વારા શોેષાઈને સીધા જ લોહીમાં ભળે તો તેની સામે રક્ષણ થઈ શકતું નથી.
સોઈલ એસોસિએશન દ્વારા ઓર્ગેનિક સૌંદર્ય પ્રસાધનનું પ્રમાણપત્ર મેળવેલા બ્યુટી પ્રોડક્ટ્સમાં અન્ય રસાયણો સાથે સોડિયમ લોરિલ સલ્ફેટના ઉપયોગ પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યોે છે.
સૌંદર્ય વાંચ્છુક મહિલાઓઓએ કોેસ્મેટિકના વપરાશને ઘટાડી નાંખવો જોઈએ. જુની લિપસ્ટિક કે મસ્કરા બેક્ટેરિયાના ઘર હોઈ શકે એટલે તેનો ઉપયોગ કરવાની ભૂલ કરવી નહીં.
જોકે, કોસ્મેટીક, ટોઈલેટરી અને પરફ્યૂમરી એસોસિએશનના સૂત્રોએ કહ્યું હતું કે, કોઈપણ સૌંદર્યપ્રસાધનની સલામતી બાબત ચિંતા કરવાની જરૂર નથી. રસાયણોની ભેળસેળ થતાં થતી આડઅસર એ માત્ર શહેરીજનોની ભ્રામક માન્યતા છે. અમને પ્રત્યેક રસાયણની વ્યક્તિગત અને એકબીજા સાથે મિક્સ થયા બાદ થતી અસરની જાણ છે. આ જ વાત પ્રોડક્ટ્સની સુરક્ષા વિશે તપાસ કરતાં ધ્યાનમાં લેવામાં આવે છે.




