ઓનલાઈન ડેટિંગના અભરખાથી બચો

અતિશય વ્યસ્ત જીવનશૈલી ધરાવતા આજકાલના યુવાનો એક સામાન્ય ફરિયાદ હોય છે કે અમારી પાસે ક્યા સમય છે? પરંતુ આ જ યુવાનો ટેકનોસેવી હોવાના પડદા પાછળ કલાકોના કલાકો પોતાના સ્માર્ટફોન સાથે ગાળતા હોય છે. રોજ વ્યાયામ કરવાનો સમય ન હોય એવા યુવાનો પણ દરરોજ સરેરાશ ત્રણ કલાક સ્માર્ટફોન સાથે ગાળતા હોવાનું એક અભ્યાસમાં બહાર આવ્યું હતું. આ વર્ચ્યુઅલ જીવન જીવતા જુવાનિયા હવે સામ સામે કેફેમાં પણ મળવાનું ટાળવા લાગ્યા છે અને તેમના મનપસંદ સાથીની પણ ઓનલાઈન પસંદગી કરી રહ્યા છે. આ માટે તેઓ વિવિધ સોશિયલ મિડિયાના પ્લેટફોર્મ અને ડેટિંગ એપ્લીકેશનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ માત્ર આ વાતચીતથી તમે એકમેકના પ્રેમમાં ગળાડૂબ હોય તે વાત માત્ર સ્વપ્તકથાઓમાં જ સાંભળવી ગમશે.
વાસ્તવિક જીવનમાં ઓનલાઈન ડેટિંગને કારણે ઘણા લોકોને વરવા અનુભવ થયા હોવાની બાબત પણ કોઈથી છૂપી તોે નથી જ. આવો જાણીએ ઓનલાઈન ડેટિંગ કરતી વખતે કેટલીક ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો
૧) જે દેખાય છે તેને
વાસ્તવિકતા ન સમજો.
તમે કોઈ વ્યક્તિ સાથે ઘણી વાત કરી રહ્યા છો તેને જાણી રહ્યા છો અને સામેવાળી વ્યક્તિ પણ ખૂબ જ મીઠાબોલી છે અને તમને ગમવા લાગી છે. અને આ વાત તમને એ મનોકામના સુધી પણ લઈ જાયછે. તમે જેવી વ્યક્તિ પોતાના જીવનસાથી તરીકે ઝંખો છો આ તે જ ખાસ વ્યક્તિ છે. પરંતુ આવું અર્થઘટન કરવું ખૂબ જ જોખમી સિદ્ધ થઈ શકે છે. ખાસ કરીને જ્યારે તમે કોઈ અજાણી વ્યક્તિ સાથે વાતચીતનો દોર લંબાવી રહ્યા હોય. કારણ તમે જે વ્યક્તિને અત્યાર સુધી મળ્યા નથી. તે વ્યક્તિ તમારા અજાણપણાનો ખૂબ જ ગેરફાયદો ઉઠાવી શકે છે અને તેના વ્યક્તિત્વનું એક તદ્ન જુદુ જ પાસુ તમારી સમક્ષ ઊઘડે છે જે વાસ્તવિક જીવનમાં સામેની ક વ્યક્તિ ખરેખર હોય જ નહીં. ઘણી ઘટનાઓમાં તો તે અકાઉન્ટ જ ફેક હોય છે. અથવા તેમાં દેખાતા ફોટા અને વાસ્તવિકતામાં તે વ્યક્તિમાં પણ ઘણો ફેરફાર હોઈ શકે છે. તાજેતરમાં જ એક મનોચિકિત્સક પાસે એક કેસ આવ્યો હતો જેમા ંએક યુવાન છોકરી એક અજાણી વ્યક્તિની ઓળખાણમાં આવી અને તેને પ્રેમ કરવા લાગી તે છોકરાએ તે યુવાન અને અપરિણીત હોવાનું જણાવ્યું હતું. પરંતુ પછીથી છોકરીને જાણ થઈ હતી કે તે પરણેલો છે અને એક પુત્રનો પિતા પણ છે. તે જાણ્યા બાદ આઘાતવશ તે ડિપ્રેશનની ગર્તામાં ધકેલાઈ હતી. તેથી જ વર્ચ્યુઅલ વિશ્વમાં વિશ્વાસનો કે ભાવનાત્મક સંબંધ ન જોડવો જ હિતાવહ છે.
૨) કોઈને ફ્રેન્ડ તરીકે તમારા ગુ્રપમાં ઉમેરો પહેલા વિચારી લો
તમે જ્યારે કોઈ વ્યક્તિને પોતાના ફ્રેન્ડ તરીકે ઍડ કરો છો ત્યારે તેને તમે તમારા સિવાય તમારા મિત્રોની પણ જાણકારી આપોે છો. એક કિશોરીનો દાખલો જોઈએ તો તેણે કેટલાંક સમય પહેલાં એક અજાણ્યા છોકરાની રિકવેસ્ટ સ્વીકારી મિત્ર તરીકે એડ કર્યો. શરૂઆતમાં તો તે ખૂબ જ શરમાળ લાગ્યો તેમ છતાં બે જ દિવસમાં તેઓએ એકબીજા પાસેથી એકબીજા વિશેની ઘણીખરી માહિતી જાણી લીધી. પરંતુ ત્યારબાદ તેણે પોત પ્રકાશ્યું હતું અને તેના દરેક મિત્ર સાથે વધુ પડતી મૈત્રી કેળવવા લાગ્યો તેણે એ ન વિચાર્યું કે તે સગીરાને આ ગમશે કે નહીં તેથી તેણે તેને બ્લોક કરી દીધો હતો અને ત્યારબાદ ક્યારેય તેનો સંપર્ક કર્યો નહોતો.
૩) વધુ પડતી માહિતી ન આપો
જ્યારે તમે કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત કરતાં હોવ ત્યારે તમે તેને તમારા વિશે શક્ય હોય તેટલી ઓછી જ માહિતી આપો.
આ વાત ધ્યાનમાં રાખવી અત્યંત આવશ્યક છે કે સામેની વ્યક્તિ તમને તેની માહિતી વિશે જે પણ જણાવી રહી છે તે સાચું છે કે નહીં તેની કોઈ જ ગેરંટી નથી. તેથી શક્ય હોય ત્યાર સુધી તમારા ફોટા અંગત બાબતો શેર કરતી પહેલાં ૧૦૦ વાર વિચારવું કારણ તમે નથી જાણતા કે તમે અજાણતા કે ભોળપણમાં આપેલી માહિતીનો કોઈ કઈ રીતે દુરુપયોગ કરશે તે તમે સ્વપ્નમાં પણ કલ્પી શકો નહીં તેથી સમસ્યામાં ફસાવા કરતાં શરૂઆતથી જ સમસ્યાથી જ દૂર રહેવું બધુ હિતાવહ છે.
૪) ફ્રોડથી જ બચો
ઘણી વાર લાખો રૂપિયાની છેતરપિંડીની ઘટના આપણે સાંભળતા હોઈએ છીએ જો કે જોવા જઈએ તો લોકો આ પ્રકારની છેતરપિંડીના ભોગ તે જ લોકો બનતા હોય છે જે કોઈ સ્ત્રી, પુરુષ કે પછી પૈસાના પ્રલોભનમાં ફસાતા હોય છે તાજેતરમાં જ સમાચાર પત્રોમાં છપાયેલા આ કિસ્સો જાણવા જેવો ખરો એક વરિષ્ઠ નાગરિક તેમના મોબાઈલ પર ગેમ રમી રહ્યા હતાં ત્યારે તેમના મોબાઈલ પર એક ડેટિંગ એપ્લીકેશન પર ક્લિક કરીને માહિતી આપ્યા બાદ તેમને એક મહિલાનો ફોન આવ્યો હતો અને તેણે તેમને કેટલીક છોકરીના ફોટો અને તેને ડેટ કરવા અમુક રૂપિયાના પ્રસ્તાવ આવી તેમને એક છોકરીની પસંદગી કરવા જણાવ્યું હતુ ંઅને ત્યારબાદ વધારેને વધારે પૈસાની માંગ કરી ક તે વ્યક્તિ પાસેથી ૪૦ લાખ જેટલી મતા પડાવી લીધી હતી તેથી આવી બાબતોમાં સાવધાની રાખવી અતિઆવશ્યક છે.
૫) બીજાના અનુભવો પર આંધળો વિશ્વાસ ન કરો
માન્યુ કે તમારા ગુ્રપની એકાદી વ્યક્તિને તેના મનનો માણીગર ઓનલાઈન સાઈટ પર મળ્યોે પણ તે વાત પર આંધળો વિશ્વાસ પણ ન રાખો સંભવ છે કે તે મોટી ડંફાશ મારી રહ્યો હોય કે પછી તે સંબંધ લાંબો ન પણ ટકે પણ આવી જૂજ સકારાત્મક ઘટનાઓનું અવલોકન કરતી વખતે તેના નકારાત્મક પાસાં પણ જરૂરથી તપાસો.
આમ નાની નાની સાવચેતી રાખવાથી તમે જીવનની મોટી સમસ્યાથી બચશો એ તો નક્કી જ છે. તો માણો ઓનલાઈન ડેટિંગ પણ સાવચેતી રાખી સુરક્ષિત રહીને.




