Sahiyar
પારાવાર ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચો
By GS Team
2 Nov 20262 mins read

ડિહાઇડ્રેશન એટલે શરીરમાં પાણીની કમી થઇ જવાથી વ્યક્તિની હાલત ગંભીર થઇ શકે છે. ડિહાઇડ્રેશન સામાન્ય રીતે પાણીની માત્રા શરીરમાં અપૂરતી જવી, વધુ પડતા તડકો અને ગરમીમાં બહાર રહેવા જેવી સ્થિતિમાં થતું હોય છે. ડિહાઇડ્રેશનથી બચવા માટે પૂરતા પ્રમાણમાં પાણી અને પ્રવાહી પદાર્થોનું સેવન કરવું જોઇએ.
ડીહાઇડ્રેશનના લક્ષણ
- મુખ સુકાઇ જવું
- વારંવાર તરસ લાગવી
- પેશાબનો રંગ ઘેરો
- અચાનક વધુ પડતો થાક લાગવો અને ચક્કર આવવા
- કારણ વગરની નબળાઇ લાગવી
- ત્વચા રૂક્ષ થવી
- માંસપેશિયો જકડાઇ જવી તેમજ શરીરના સાંધામાં દુખાવો
- ભ્રમ થવા
- માથામાં દુખાવો, ઊલટી થશે એવી ગભરામણ અને ખાવાના પ્રત્યે અરૂચિ
- પગમા સોજો
- ગંભીર ડિહાઇડ્રેશનની સ્થિતિમાં હીટ સ્ટ્રોક, બેભાન થવું, કિડની ફેલિયર, બ્રેનને હાનિ પહોંચવી. ઓર્ગન ફેલિયર જેવી જીવલેણ સ્થિતિ ઉદભવી શખે છે.
પ્રયાપ્ત પ્રમાણમાં પાણી પીવું
દિવસ દરમિયાન ઓછામાં ઓછા ૮ થી ૧૦ કલાક પાણી પીવું. તરસ લાગે ત્યારે જ પાણી પીવાની આદત છોડી દેવી, થોડી થોડી વારે થોડું થોડું પાણી પીવું જરૂરી છે.
ઇલેકટ્રોલાઇટસનું સેવન
બજારમાં મળતા ઇલેકટ્રોલાઇટસનો પાવડર ઉપયોગમાં લઇ શકાય છે. આ ઉપરાંત કુદરતી ઇલેકટ્રોલાઇટસ જેવા કે નાઇયેર પાણી, લીંબુ પાણી, છાશ, કેરીનું શરબત પીવાથી રાહત થાય છે. આ પીણા પીવાથી શરીરમાં પરસેવા દ્વારા શરીરમાંથી જે મીઠું અને ખનિજો રોમછિદ્રો દ્વારા બહાર નીકળી ગયા હોય તેની પૂર્તિ થાય છે.
પાણીથી ભરપુર ફળોનું સેવન
રોજિંદા આહારમાં પાણીથી ભરપુર ફળોનું સેવન કરવું જોઇએ. વિશેષ કરીને કલિંગર, ચીભડા, કાકડી, સંતરા, શેેરડીનો રસ અને પપૈયાનું સેવન કરવું. જોકે શેરડીનો રસ પીતી વખતે શેરડીનો રસ કાઢવાનો સંચો સ્વચ્છ હોય તેનું ખાસ ધ્યાન રાખવું.
આકરા તડકાથી બચવું
શક્ય ન હોય તો બપોરના ૧૧-૧૨ વાગ્યાની આસપાસ બહાર નીકળવું નહીં. ત્યારે સૂરજ આકરો તપતો હોય છે જેની અવળી અસર સ્વાસ્થ્ય પર પડતી હોય છે. બપોરના ચાર વાગ્યા પછી નીકળવાથી તડકાનો પ્રભાવ થોડો શાંત થઇ જતો હોય છે. જો આકરા તડકામાં બહાર નીકળવું પડે તો માથે ટોપી, ચત્રી અને સુતરાઉ કપડા પહેરવા જેથી તડકાની આડઅસર થોડી ઓછી થાય.
કેફીન અને આલ્કોહોલનું સેવન કરવું નહીં
વધુ પ્રમાણમાં ચા, કોફી, સોડા અથવા શરાબ શરીરમાંથી પાણી જલદી બહાર કાઢી નાખતા હોય છે. જેથી આવા પીણાંનું સેવન સ્વાસ્થ્ય માટે હિતાવહ નથી.
પેશાબના રંગ પર ધ્યાન આપવું
હળવા પીળા રંગનો પેશાબ સામાન્ય પેશાબ હોય છે. પરંતુ ઘેરા પીળા રંગનો પેશાબ થતો હોય તો તે શરીરમાં પાણીની કમીને દર્શાવે છેે.
રાતના સૂતી વખતે અને સવારે
રાતના સૂતી વખતે બાજુમાં પાણીની બોટલ રાખીને સુવું અને ઊંઘ ઊડે કે તરત જ પાણી પી લેવું.
સવારે ઊઠતાં જ એક ગ્લાસ પાણી પીવાની આદત પાડવી. વૃદ્ધોને મોટા ભાગે ડિહાઇડ્રેશનની તકલીફ વધુ સતાવતી હોય છે. જેમ જેમ વ્યક્તિની વય વધે તેમ તેમ શરીર પાણીને રોકી શકરતું નથી. અથવા તો વધુ પડતી ગરમી અને ભેજને કારેણ ેપણ યુવાસ્થાની માફક રિએક્ટ કરી શકતું નથી. - મીનાક્ષી તિવારી




