Sahiyar

યુવાપેઢીને પ્રિય 'એન્ટિ-એન્કઝાઈટી જ્વેલરી'

By GS Team
24 Aug 20263 mins read
યુવાપેઢીને પ્રિય 'એન્ટિ-એન્કઝાઈટી જ્વેલરી'
  • બેચેનીમાં રાહત આપતાં અલંકારોના સાર-નરસાં પાસાં સમજવા જરૂરી જ્વેલરી'

કેટલાંક લોકો ભારે માનસિક તાણમાં હોય, બેચેની અનુભવતા હોય ત્યારે સતત પોતાની વીંટીને ફેરવ્યા કરે, અથવા પોતાના બ્રેસલેટ કે પેન્ડન્ટ સાથે રમ્યા કરે. (બિલકુલ એવી જ રીતે જેમ કેટલાંક લોકો ચિંતામાં હોય ત્યારે પોતાના નખ ચાવ્યા કરે.) આમ કરવાથી તેમની બેચેની-ચિંતા વત્તાઓછા અંશે શાંત થાય. મઝાની વાત એ છે કે જ્વેલરી ડિઝાઈનરોએ લોકોની આવી આદતને ધ્યાનમાં લઈને ચોક્કસ પ્રકારના ઘરેણાં બજારમાં મૂક્યા છે જે ચિંતિત વ્યક્તિની બેચેનીને હળવી કરવા સાથે તેમની ફેશનેબલ દેખાવાની ઇચ્છાને પણ પંપાળે છે. આવી જ્વેલરીમાં ફેરવી શકાય એવી વીંટી, મણકાવાળા બ્રેસલેટ તેમ જ પેન્ડન્ટ ઇત્યાદિનો સમાવેશ થાય છે. જ્વેલરી ડિઝાઈનરો આવા અલંકારોને 'એન્ટિ-એન્કઝાઈટી જ્વેલરી' (ઉત્તેજના-ચિંતા હળવી કરતાં અલંકારો) તરીકે ઓળખાવે છે. તેઓ કહે છે કે આપણે જ્યારે બેચેન હોઈએ ત્યારે જે વસ્તુનો સ્પર્શ ગમે તેનાથી રમ્યા કરીએ છીએ, કોઈક વસ્તુ ગોળ ગોળ ફેરવ્યા કરીએ છીએ, ચાહે તે કોઈ રમકડું હોય કે પછી જ્વેલરી. આવી સ્થિતિમાં જો આપણે એવું કોઈક ઘરેણું પહેર્યું હોય જેની સાથે રમવાથી આપણી ઉત્તેજિત નસો શાંત થાય તો તેનાથી રૂડું શું? આ તો ફેશનની ફેશન અને રાહતની રાહત, એટલે કે 'એક પંથ, દો કાજ' જેવો તાલ થયો.
મહત્વની વાત એ છે કે આજની તારીખમાં ૨૦ અને ૩૦ વર્ષના ઉત્તરાર્ધમાં રહેલી યુવાપેઢી આ પ્રકારના ઘરેણાં પહેરવા તરફ વળી છે. તેને જાણીતી કરવાનો યશ કન્ટેન્ટ ક્રીએટર સાર્થક આહુજાને જાય છે. આ કન્ટેન્ટ ક્રીએટરે આ પ્રકારની જ્વેલરી વિશે જાણકારી આપતો એક વીડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો અને જોતજોતામાં સવાલાખ જેટલા લોકોએ તે જોઈ લીધો. વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે જાણીતા જ્વેલરી ડિઝાઈનરો સુધ્ધાં આ પ્રકારના ઘરેણાં ઘડવા લાગ્યાં છે. અને યુવાપેઢીમાં તે પ્રિય થઈ પડયાં છે.
જોકે અહીં એવો પ્રશ્ન ઉપસ્થિત થવો સહજ છે કે આ વાતમાં તથ્ય કેટલું? શું જ્વેલરી ખરેખર જે તે વ્યક્તિની ચિંતા દૂર કરી શકે ખરી? આના જવાબમાં મનોચિકિત્સકો કહે છે કે જ્યારે તમે ચિંતિત-ઉત્તેજિત હો ત્યારે તમારું સમગ્ર ધ્યાન તમારી ચિંતાના કારણ પર હોય. આવી સ્થિતિમાં જ્યારે તમે તમારી આંગળીમાં પહેરેલી વીંટી ફેરવવા માંડો, બ્રેસલેટના મણકા ફેરવો કે પછી પેન્ડન્ટથી રમો ત્યારે તમારું ધ્યાન વત્તાઓછા અંશે પણ એ દિશામાં જાય. પરિણામે તમારી ઉત્તેજના શાંત થાય. વળી તેનો સ્પર્શ પણ તમને ગમે તેથી તમારા મનને શાતા મળે. આમ આ પ્રકારની જ્વેલરી એન્ટિ-એન્કઝાઈટીનું કામ આપે.
વાસ્તવમાં એક જાણીતી જ્વેલરી ડિઝાઈનરને માનસિક તાણ દરમિયાન પોતાના આભૂષણો સાથે રમવાની ટેવ હતી. આ આદત પરથી જ તેને વિચાર આવ્યો કે હું એવા ઘરેણાં શા માટે ન બનાવું જે અન્યોને પણ ચિંતામાં રાહતનો અનુભવ કરાવે. બસ, તેણે કોઈમ્સ અને લટકણિયાની ડિઝાઈનવાળી જ્વેલરી બજારમાં મૂકી. તે કહે છે કે આજના પચીસથી પાંત્રીસ વર્ષના યુવકો/યુવતીઓ પોતાની કારકિર્દી પાછળ દોડતા દોડતા હાંફવા માંડે છે. તેઓ સતત પોતાના કામના બોજા હેઠળ દબાયેલા રહે છે. પોતાનું ટાર્ગેટ પૂરું કરવાની ચિંતા તેમને કોરી ખાતી હોય છે. આવી સ્થિતિમાં એન્ટિ-એન્કઝાઈટી જ્વેલરી તેમનું ધ્યાન અન્યત્ર દોરે છે, તેનો સ્પર્શ તેમને ગમે છે, જે છેવટે તેમની ઉત્તેજિત નસોને શાંત કરવામાં, તેમનો ચડી ગયેલો શ્વાસ હેઠો ઉતારવામાં મદદ કરે છે.
જો કે મનોચિકિત્સકો વધુ એક વખત ચેતવણીના સૂરમાં જણાવે છે કે એન્ટિ-એન્કઝાઈટી જ્વેલરી બેચેન વ્યક્તિનું ધ્યાન અન્યત્ર ભટકાવીને તેની ઉત્તેજના શાંત કરવામાં સહાય કરે ખરી, પરંતુ આ સ્થિતિ માત્ર તાત્પુરતી જ હોય. તે મનોચિકિત્સાને લગતી સારવારનું સ્થાન ન લઈ શકે. તેથી આ પ્રયંગો હંગામી ધોરણે કરવામાં આવે ત્યાં સુધી ઠીક છે, પણ તે સાઇકોલોજિકલ થેરપી તરીકે ન લઈ શકાય. જો જે તે દરદીને માનસિક તાણ દૂર કરવા ઔષધિઓની જરૂર હોય તો તે લેવી જ રહી.