Sahiyar

આંગી : પેન્ટ પર પણ પહેરાય છે

By GS Team
13 Jul 20263 mins read
TukuTouch Logo
દિલ્હીના કોન્સર્ટમાં રશ્મીત કૌરે કાર્ગો પેન્ટ સાથે રાજસ્થાની 'આંગી' પહેરીને સૌનું ધ્યાન ખેંચ્યું. મૂળ રાજસ્થાની શેખાવતી મહિલાઓનું આ પરંપરાગત બ્લાઉઝ, જે આગળથી 'V' નેક અને પાછળ દોરીથી બંધાય છે, તે હવે ફેશનેબલ બની ગયું છે. ફેશન ડિઝાઇનરોએ તેના કાપડ અને વર્કમાં નવા ઉમેરા કર્યા છે, પરંતુ તેની ડિઝાઇનમાં કોઈ ફેરફાર કર્યો નથી. આંગીને સાડી, ડેનિમ કે સ્કર્ટ સાથે પણ પહેરી શકાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આંગી : પેન્ટ પર પણ પહેરાય છે
  • રાજસ્થાની શેખાવતી સ્ત્રીઓનું પરંપરાગત બ્લાઉઝ

થોડા સમય પહેલા દિલ્હી ખાતે યોજાએલા એક કોન્સર્ટમાં રશ્મીત કૌરે કાર્ગો પેન્ટ સાથે ઘેરા ગુલાબી રંગની ગોલ્ડન વર્ક કરેલી આંગી પહેરીને કોન્સર્ટમાં ઉપસ્થિત રહેલા પ્રશંસકોની આંખો ચાર કરી દીધી હતી. તેમાં વળી તેની કાર્ગો પેન્ટ પર કચ્છી આભલાકામ કરેલું બેલ્ટ તેના પોશાકને વધુ આકર્ષક બનાવી રહ્યું હતું. જો તમે 'આંગી' પહેરવેશથી અજાણ હો તો આવો આજે તેના વિશે વાત કરીએ.
આંગી મૂળભૂત રીતે રાજસ્થાની મહિલાઓનું બ્લાઉઝ છે. ફ્રન્ટમાંથી પરફેક્ટ ફિટિંગ ધરાવતા 'વી' નેકના આ બ્લાઉઝની બેકમાં સૌથી ઉપર (ગરદન પાસે) અને સૌથી નીચે (બ્લાઉઝના સૌથી નીચેના ભાગમાં) દોરી લગાવેલી હોય છે. આ દોરી બાંધી દેવામાં આવે એટલે બ્લાઉઝ તૈયાર. અલબત્ત, આ દોરી પર લટકણિયા પણ હોય કે પછી અન્ય કોઈ વર્ક કરેલું હોય. જ્યારે ફ્રન્ટમાં મોટાભાગે ગોટા વર્ક, કિરણ બોર્ડર લગાવેલી હોય. જ્યારે બાંધણીના કાપડમાંથી બનાવવામાં આવેલી આંગીમાં આભલાકામ વધુ પસંદ કરવામાં આવે. રાજસ્થાનની શેખાવતી મહિલાઓ પરંપરાગત રીતે ઘાગરા અને ઓઢણી સાથે આંગી પહેરતી આવી છે. પરંતુ આધુનિક ફેશન ડિઝાઈનરોને બ્લાઉઝની આ પેટર્ન એટલી બધી ગમી ગઈ કે તેમણે ફેશનેબલ માનુનીઓના બ્લાઉઝ આ સ્ટાઈલમાં બનાવવા માંડયા.
મહત્વની વાત એ છે કે ફેશન ડિઝાઈનરોએ તેના કાપડમાં, વર્કમાં નવા નવા ઉમેરા કર્યાં, પરંતુ તેની ડિઝાઈનમાં કોઈ છેડછાડ નથી કરી. ખરું જોવા જાઓ તો રાજસ્થાન અત્યંત ગરમ પ્રદેશ હોવાથી અહીંની મહિલાઓને આવા ખુલ્લી પીઠવાળા બ્લાઉઝ આરામદાયક લાગે. ગરમીમાં રાહત આપવામાં સુતરાઉ કાપડથી રુડુ શું? તેથી શેખાવતી સ્ત્રીઓ હાથવણાટના સુતરાઉ મટિરિયલમાંથી આંગી બનાવડાવે છે. જ્યારે આધુનિક ડિઝાઈનરો તેને અલગ અલગ પ્રકારના મટિરિયલમાં બનાવે છે. તેઓ કહે છે કે આંગી પર ગોટા વર્ક ઉપરાંત ફૂલ-વેલ, આભલાનું કામ ખૂબ સુંદર લાગે છે. તેમાં પરંપરાગત બુટ્ટા પણ અનોખું આકર્ષણ પેદા કરે છે.
તાજેતરમાં અભિનેત્રી શરગુન મહેતાએ એક વિવાહ સમારોહમાં ગોટા વર્ક કરેલી મલ્ટીકલર બાંધણી મટિરિયલમાંથી બનાવવામાં આવેલી આંગી અને સાવ નાની બોર્ડર ધરાવતી ઓરગેન્ઝા સાડી પહેરીને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. તેવી જ રીતે અલ્ટ્રા મોડર્ન ગણાતી અભિનેત્રી મૌની રોયે પણ ડાર્ક પિંક કલરની પરંપરાગત વર્ક કરેલી આંગી સાથે કિરણ બોર્ડરવાળી, ક્રીમ કલરની ઓરગેન્ઝા સાડી અને કાનમાં ટ્રેડિશનલ ડિઝાઈનના ડૂલ પહેરીને પરંપરા તેમ જ આધુનિકતાનો સુંદર સંગમ સર્જ્યો હતો.
ડિઝાઈનરો પણ મૌની રોય જેવી તેમ જ તેનાથી થોડી વેગળી સ્ટાઈલ શી રીતે કરવી તેની સમજ આપતાં કહે છે..,

  • તમારી સ્ટાઈલ માટે વધારે પડતા પ્રયાસો ન કરવા. આમ કરવા જતાં આંગીની મૂળભૂત સુંદરતા હણાઈ જશે.
  • ડેનિમ, સ્કર્ટ કે તમારા માપ મુજબ સીવેલી પેન્ટ પર આંગીને સ્ટેટમેન્ટ ટોપ તરીકે પહેરી શકાય.
  • સગીર કન્યાઓ કાર્ગો પેન્ટ, કચ્છી આભલાકામ કરેલા કમરબંધ અને બૂટ સાથે સુતરાઉ આંગી ધારણ કરીને પરંપરા તેમ જ આધુનિકતાનો મજાનો સમન્વય રચી શકે.
  • આંગી સાથે ભારે દાગીના પહેરવાને બદલે ચાંદીના પરંપરાગત ડિઝાઈનના આભૂષણો પહેરવા.
  • સાંજના કાર્યક્રમમાં મોનોક્રોમ ડ્રેસિંગ મઝાનું લાગે છે. તેને માટે આંગી સાથે ટોનલ સ્કર્ટ, ધોતી, ફારશી સલવાર કે શરારાની જોડી બનાવો.
  • લગ્ન સમારોહમાં કિરણ બોર્ડરવાળી ઓરગેન્ઝા સાડી સાથે ઘેરા રંગની સિલ્કની આંગી પહેરો.
  • વૈશાલી ઠક્કર