ચોમાસામાં માનુનીઓનું મન મોહે છે ફેશનનું મેઘધનુષ રચતી એક્સેસરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એ સમય વિતી ગયો જ્યારે વર્ષા ઋતુમાં ફેશનેબલ યુવતીઓને નિરાશ થવું પડતું. આજની તારીખમાં બજારમાં વરસાદના દિવસોમાં પહેરવા-ઓઢવા પુષ્કળ એક્સેસરી મળી રહે છે. આટલું ઓછું હોય તેમ ફેશન ડિઝાઇનરો પણ તેમાં કૂદી પડયાં છે.સ્વાભાવિક રીતે જ રેનવેઅરમાં વરાઇટીનો વરસાદ વરસે. તેથી જ આજે રેનકોટ, વિન્ડશીટર, છત્રી, બેગ, ફૂટવેઅર અને કલરફુલ રેનવેઅરમાં મનગમતી ડિઝાઇનો જોવા મળી રહી છે.
મઝાની વાત એ છે કે ફેશન ડિઝાઇનરો હવે બબલ સ્કર્ટ/રેનકોટ, ટ્રેન્ચ કોટ અને બલૂન ડ્રેસ બનાવે છે. વળી પારદર્શક રેનવેઅર પહેરતી યુવતીનો સરસ મઝાનો ડ્રેસ તેના રેનકોટની આરપાર દેખાય છે. જ્યારે ડાર્ક પિંક, ટરકોઈસ, ઓરેંજ અને યેલો જેવા કલરફુલ અને પ્રિન્ટેડ રેનકોટ ફેશનેબલ ગાર્મેન્ટની ગરજ સારે છે. મહત્ત્વની વાત એ છે કે બબલ રેનકોટ અને બબલ સ્કર્ટ પરથી પાણી સરકીને સીધું જમીન પર પડે છે. તે પેન્ટ કે અન્ય કોઈ પણ બોટમને ભીંજવતું નથી.
ઘેરા-આછા રંગની પ્રિન્ટેડ છત્રીઓ તો આપણે ઘણી જોઈ છે. પણ ફેશન ડિઝાઇનરોએ હવે એન્ટિમેટેડ કથકલી ડાન્સર, પેસલીની આકૃતિ ધરાવતી અને ભૌમિતિક ડિઝાઇનવાળી છત્રીઓ બજારમાં મૂકી છે. એવું નથી કે ફેશન ડિઝાઇનરોેની બનાવેલી છત્રીઓ માત્ર શોભાના ગાંઠિયા જેવી હોય છે. વાસ્તવમાં તેને એટલી કાળજીથી ડિઝાઇન કરવામાં આવે છે કે તે વરસાદ સામે પૂરતું રક્ષણ આપે છે અને જોરથી ફૂંકાતા પવન સામે પણ 'કાગડો' બનીને ઊડી જતી નથી.
રેનવેઅર ઉપરાંત ઘડિયાળ, હેન્ડબેગ્સ, પાઉચ પણ લોકપ્રિય બની રહ્યાં છે. આ રંગબેરંગી અને વોટરપ્રૂફ એક્સેસરી દેખાવમાં એકદમ આકર્ષક લાગે છે. વળી તે લેમિનેટ કરેલી હોવાથી ભીંજાતી પણ નથી.
પગરખાંમાં પણ હવે આપણને પુષ્કળ વિવિધતા જોવા મળે છે. હવે પ્લાસ્ટિકના કાળા ચંપલ તો ભાગ્યે જ જોવા મળે છે. તેના સ્થાને બોટ શૂઝ, ફ્લિપફ્લોપ, મીની વેજીસ, ઘૂંટણ સુધીના વેલિઝ (ગમબૂટ)ની વરાઇટી ફેશનેબલ માનુનીઓનું મન મોહી રહ્યા છે. સાથે વોટરપ્રૂફ બેગ્સ અને લેપટોપ તેમના કિંમતી ગેઝેટ્સને વરસાદના પાણીથી ભીંજાતા બચાવે છે.
તો હવે તમે પણ શાની રાહ જુઓ છે? આ ચોમાસામાં તમે પણ રચો ફેશનનું મેઘધનુષ.
- અમલા




