Sahiyar

આધુનિક ડેકોરની દુનિયામાં ડોકિયું

By GS Team
12 Oct 20263 mins read
આધુનિક ડેકોરની દુનિયામાં ડોકિયું

મધ્યમ વર્ગીય પરિવારના લોકો 'આધુનિક ડેકોર' શબ્દો સાંભળે ત્યાં તેમને પહેલો વિચાર એ જ આવે કે તે કેટલું ખર્ચાળ હશે? જોકે એમ માની લેવું ભૂલભર્યું ગણાશે કે આધુનિક એટલે ખર્ચાળ. વાસ્તવમાં છલ્લા કેટલાક સમયથી જૂનું તે સોનું ઉક્તિને અનુસરીને લોકો અગાઉના સમયમાં ગૃહ સજાવટમાં જોવા મળતાં એવા ટેબલ-ખુરશી-કબાટ-શોકેસ-રાઇટિંગ ટેબલ જેવા રાચરચીલા તરફ વળ્યાં છે. મોટાભાગે સાગના કાષ્ટમાંથી બનાવેલા આવા ફર્નિચર પર હાથપાલીશ ખૂબ જચે છે. ચોક્કસ વર્ગના લોકો માને છે કે આવું રાચરચીલું ઘરને પરંપરાગત લુક આપે છે. તેમાંય પૂજા ઘરમાં જો કાષ્ટના કોતરકામ કરેલા મંદિરમાં ઈષ્ટ દેવને બિરાજમાન કરવામાં આવે તો તેની સાથે આપણી સંસ્કૃતિ અને સંસ્કારો પણ જોડાઈ જાય છે. વળી તે દશકો સુધી ટકે છે તેથી એક વખત ખર્ચ કર્યા પછી જે તે વ્યક્તિને તેના નાણાંનું મૂલ્ય મળી રહે છે.
ઇન્ટિરિયર ડિઝાઈનરો પણ આ વાત પર મોહર મારતાં હોય તે રીતે કહે છે કે માત્ર મધ્યમ વર્ગીય લોકો જ નહીં, પૈસે-ટકે સુખી હોય એવા લોકો પણ હાથેથી બનાવેલા, પુરાણી શૈલીના ફર્નિચર તરફ આકર્ષાયા છે. તેઓ વધુમાં કહે છે કે મોટાભાગના લોકો 'લકઝરી ડેકોર' સાંભળીને વિચારમાં પડી જાય છે. પરંતુ આજની તારીખમાં લકઝરી એટલે માત્ર અલ્ટ્રા-લકઝરી હોમ, જેની સજાવટ પાછળ અંધાધૂંધ ખર્ચ કરવામાં આવ્યો હોય એવું બિલકુલ નથી. હા, એ વાત ચોક્કસ કે વૈભવી આવાસોમાં ઇન્ટિરિયર ડેકોર પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. પરંતુ સામાન્ય લોકો માટે લકઝરી એટલે ટેકનોલોજીનો સહજ-સુંદર સમાવેશ. તેઓ આ વાત સમજાવતાં કહે છે કે સ્માર્ટ લાઇટિંગ, અવાજથી સંચાલિત થતાં ઘરેલૂ ઉપકરણો, જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા, જળવાયુ નિયંત્રણ પ્રણાલી અને મનોરંજન માટેના અત્યાધુનિક, છતાં મર્યાદિત જગ્યા રોકતા સાધનો. કલ્પના કરો કે તમે બહારથી આવીને દરવાજો ઉઘાડો ત્યાં જ પ્રકાશ તમારું સ્વાગત કરે ત્યારે કેવું લાગે? આ અને આવા પ્રકારની ઘણી સ્વયંસંચાલિત સુવિધાઓ તમને કેટલી રાહતનો અનુભવ કરાવે. આજની તારીખમાં સોંઘી ગૃહસજાવટ સાથે પણ ટેકનોલોજીનો સમન્વય કરીને ઘરને લકઝુરિયસ બનાવવાનો ટ્રેન્ડ ફૂલ્યોફાલ્યો છે.
હા, જેમને ખર્ચ કરવામાં પાછું વળીને જોવાની જરૂર ન પડતી હોય એવા લોકો આજે પહેલી નજરે જ આંખોમાં વસી જાય એવા વોર્ડરોબ, બચપણની યાદ તાજી કરાવે એવા હેડબોર્ડ, અલ્ટ્રા મોડર્ન કિચન, અને બેઠક ખંડમાં ક્રીમ અને એન્ટિક ગોલ્ડ, હાથીદાંત, બનારસી સિલ્ક, ટેરાકોટા જેવી વૈભવી સામગ્રીનો ઉપયોગ કરે છે.
કેટલાંક લોકો કાંઈક અનોખું કરવા પોતાના મૂળિયાં તરફ પણ પાછાં જાય છે. કહેવાનો અર્થ એ છે કે અગાઉ ગામડાઓમાં કરવામાં આવતી એવી ગૃહસજાવટ પોતાના શહેરોના ઘરોમાં કરાવે છે. આવા ડેકોરમાં માટીના ઘડાંથી લઈને કુંજા, હુક્કા આકારના ડેકોરેટિવ પીસ, પાણી ગરમ કરવામાં આવતું એવા બંબા, ત્રણ પગવાળી પિત્તળની ઘોડી પર સુંદર કોતરણીવાળું ફ્લાવરવાઝ, હાથેથી ભરતકામ કરેલા તોરણ, કોડીની સેરના લટકણિયાં, સોફાના સ્થાને અડધા ફૂટના પ્લેટફોર્મ પર ગોઠવેલું ગાદલું અને તેના પર દેશી ડિઝાઈનની બેડશીટ બેઠક ખંડને વિશિષ્ટ દેખાવ બક્ષે છે.
ટૂંકમાં લકઝરી એટલે માત્ર ખર્ચાળ નહીં, બલ્કે ઘરને અંગત સ્પર્શ અને આગવી ઓળખ આપતી સજાવટ.

  • વૈશાલી ઠક્કર