દીકરી તો બાપનું જીવન કહેવાય !

- વ્યક્તિ ૫૦ વર્ષની વય વટાવી જાય તે પછી આરોગ્યની અનેક સમસ્યાનું જોખમ નોંધપાત્ર પ્રમાણમાં વધે છે. પરંતુ, ઘણા લોકો તબિયત કથળી રહ્યાનું દર્શાવતાં લક્ષણોને ધ્યાનમાં નથી લેતા, ડોક્ટર પાસે જવાનું ટાળે છે, હવે, ઉંમર થઈ એટલે આવું તો થયા કરે એમ જણાવીને પોતાની તબિયત વિશેની પરિવારના સભ્યોની ચિંતાને દબાવી દે છે અને સમયસર તબીબી સહાય લેતા નથી.
ઘરપરિવાર એટલે તેના સભ્યોની એકબીજા માટેની લાગણીઓનો માળો. એક વ્યકિત જન્મે ત્યારથી જ અનેક સગાંસંબંધીઓ સાથે વિવિધ દરજ્જા સાથે જોડાય છે. વય વધવા સાથે પોતાના સાંસારિક જીવનમાં તેની પત્ની માટે પતિ છે, દીકરા-દીકરી માટે પિતા છે. આ સૌ મળીને એક પરિવાર થયો અને વ્યક્તિ તેનો મોભી છે. એકબીજા માટે બધાને અનહદ લાગણી હોય, એકબીજા માટેની સમજ હોય, અરસપરસ પૂરક થઈને એકબીજાને સાચવી લેતા હોય તથા એકબીજાની રોજિંદી અને ભાવનાત્મક જરુરિયાતોને પણ પૂરી કરતા હોય.
પરિવારનો મોભી પરિવારનું કેન્દ્ર છે. એટલે તેમના સ્વાસ્થ્ય, દીર્ઘાયુ, ગમાઅણગમા, આનંદ, ઉલ્લાસ અને સુખસગવડ જેવી અગણિત બાબતોએ સૌ એક સમાન વિશેષ લાગણી ધરાવે એ આપણી પરંપરાગત પારિવારિક વ્યવસ્થામાં સાવ સ્વાભાવિક છે. રોજિંદા જીવનમાં, અણધારી સ્થિતિમાં અને માંદગીમાં પત્ની અને સંતાનો ઘરના મોભીને આ જ વિવિધ રંગી લાગણીથી સંભાળી લેતાં હોય છે. તેમને માટે આ ફરજ ઉપરાંત સહઅસ્તિત્વનો ધર્મ છે, પ્રેમ, આદર, અહોભાવની સહજ અભિવ્યક્તિ છે. આ એક આદર્શ પરિવારનું ચિત્ર છે.
પણ લાગણીનું પોત જ એવું હોય છે કે સૌ સભ્યો પરિવારના મોભી માટે એક સમાન સંવેદના ધરાવતા હોવા છતાં તે દર્શાવવાની સૌ કોઈની તરાહ/માત્રા અલગઅલગ હોય છે. આ વાસ્તવિક્તાની તેમને પણ ખબર હોતી નથી. આ સંદર્ભમાં વધુ જોઈએ તો પરિવારની દીકરી પિતા માટે જે લાગણી ધરાવતી હોય એમાં વિશેષરુપે તેની અમી નજર ભળેલી હોય છે.
દીકરીને દુનિયામાં સૌપ્રથમ કોઈ પુરુષનો નજીકથી પરિચય થયો હોય તો તે તેના પિતાનો. એટલે જ પિતા તેના જીવનની એક આદર્શ વ્યક્તિ છે, હિરો છે અને પિતાના સ્વભાવને, તેમની એકેએક જરુરિયાતોને તે સારી રીતે સમજી શકે છે. દીકરી પાસે પિતાને જોવાની જે દ્રષ્ટિ હોય છે તેવી દ્રષ્ટિ પરિવારના અન્ય કોઈ સભ્ય પાસે ભાગ્યે જ હોય એ આપણા સૌનો અનુભવ/અવલોકન છે. આ કારણે જ દીકરી પિતાની સૌથી વધુ નજીક હોય છે.
મોટે ભાગે દીકરા માતા જેવા તો દીકરી પિતા જેવી હોય એવી એક કૉમન માન્યતા છે. આ દ્રષ્ટિએ પણ દીકરી પિતાની સૌથી વધુ સમીપ હોય છે. એટલે જ તો પરિવારમાં દીકરી તો હોવી જ જોઈએ એમ સૌ કોઈ ઈચ્છે. અલબત્ત, પરિવારના વડા માટે તેની પત્ની કે દીકરાની લાગણી ઓછી હોય છે તે કહેવાનો લેશમાત્ર પણ આશય નથી. પણ દીકરીની હાજરી માત્રથી ઘરના વાતાવરણને એક અલગ ઓપ મળે, વાતાવરણ જીવંત રહે એ દીકરીના પ્રભાવની વિશેષતા છે. એક પ્રેમાળ, હેતાળ દીકરી પિતાના સ્વાસ્થ્યની કેવી સૂક્ષ્મ રીતે દેખભાળ રાખી શકે તે જાણવા જેવું છે.
વય વધવા સાથે પિતાની તબિયતને થતી સૂક્ષ્મ હાનિકારક અસરોનો અણસાર સૌ પ્રથમ દીકરી પામી જાય છે. સ્વાસ્થ્ય કથળી શકે એમ છે એવો સંકેત આપતી અસરોને વેળાસર ઓળખી લેવાય તો ગંભીર માંદગી ટાળી શકાય અને જીવનની ગુણવત્તા પણ સુધારી શકાય.
વ્યક્તિ ૫૦ વર્ષની વય વટાવી જાય તે પછી આરોગ્યની અનેક સમસ્યાનું જોખમ નોંધપાત્ર પ્રમાણમાં વધે છે. પરંતુ, ઘણા લોકો તબિયત કથળી રહ્યાનું દર્શાવતાં લક્ષણોને ધ્યાનમાં નથી લેતા, ડોક્ટર પાસે જવાનું ટાળે છે, હવે, ઉંમર થઈ એટલે આવું તો થયા કરે એમ જણાવીને પોતાની તબિયત વિશેની પરિવારના સભ્યોની ચિંતાને દબાવી દે છે અને સમયસર તબીબી સહાય લેતા નથી.
પરંતુ આવે વખતે જો તેમની દીકરી સાથે હોય તો આવા લોકો પ્રિવેન્ટિવ કેર (બીમારીને આવતી અટકાવનાર તબીબી સારસંભાળ) લે તથા વય વધતાં આવતાં નબળાઈનાં લક્ષણો ધ્યાનમાં લે તેમાં મહત્વની ભૂમિકા ભજવી શકે. આવાં લક્ષણો સમજવા દીકરીઓએ અહીં પ્રસ્તુત અમુક બાબતોએ તેમના પિતાનું ધ્યાન રાખવું જોઈએ.
હ હૃદયના સ્વાસ્થ્યમાં થતા ફેરફાર પર નજર: જીવનનાં ૫૦ વર્ષ પૂરાં થાય એટલે તબિયત વિશે ચિંતાઓ શરુ થાય એમાંની એક મુખ્ય ચિંતા હૃદયરોગની હોય છે. આ વયમાં છાતીમાં દુ:ખાવો, હાંફ ચડી જવી, વગર કારણનો થાક, પગમાં પરસેવો વળવો કે રોજિંદાં કામકાજ કરવાની ક્ષમતા ઓછી થવા જેવાં લક્ષણોની અવગણના ક્યારેય કરવી જોઈએ નહીં. આ વયની વ્યક્તિઓના બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ તથા બ્લડ સુગરના પ્રમાણની તપાસ નિયમીતપણે થવી જોઈએ.
હ લઘુશંકા સંબંધીત લક્ષણો ધ્યાનમાં લો : વારંવાર પેશાબ કરવા જવું, પેશાબ કરવામાં મુશ્કેલી અનુભવાય, છૂટથી પેશાબ ન થાય કે પછી રાતે અનેક વખત પેશાબ કરવા જવું પડે એવી સ્થિતિ પ્રોસ્ટેટ (પુર:સ્થ ગ્રંથિ)નું કદ વધ્યાનો કે પછી આ ગ્રંથિ સંબંધી અન્ય કોઈ સમસ્યાઓ થયાની શક્યતાનો સંકેત આપે છે. આવાં લક્ષણો બાબતે વિના વિલંબે તબીબી તપાસ કરાવી અસરકારક ઉપચાર કરાવી શકાય.
હ અકારણ વજન ઘટાડાને હળવાશથી ન લો: શરીરનું વજન એકાએક ઘટે, સતત થાક લાગે, ભૂખ મરી જાય કે નબળાઈ લાગવા જેવાં લક્ષણો કદાચ ડાયાબિટીઝ, થાઈરોઈડ, ઈન્ફેકશન અને કેન્સર જેવી બીમારીઓ ગુપ્તપણે વિકસી રહી હોવાની ચેતવણીરુપ હોઈ શકે છે. અલબત્ત, આવાં ચિન્હો બાબતે જાતજાતની ધારણા કરવાને બદલે તેની તપાસ ડોક્ટર પાસે કરાવવી જોઇએ.
હ યાદદાસ્તની નબળાઈ અને મૂડમાંના ફેરફારને ધ્યાનમાં લો : ભૂલકણાપણું, મૂંઝાઈ જવું, મિજાજ બદલાયા કરવો, અતડાપણું કે પછી વર્તનમાં અસાધારણ ફેરફારો મગજની ક્ષમતામાં ઘટાડો, હતાશા (ડિપ્રેશન) કે પછી ન્યુરોલોજિકલ (ચેતાતંત્ર)ની કોઈ સમસ્યા હોવાના સંકેતરુપ હોઈ શકે છે. આવી તકલીફોનો વેળાસર ઈલાજ કરાવાય તો ગંભીર સ્થિતિ ટાળી શકાય તથા વ્યક્તિને આવી સમસ્યાઓમાં રાહત આપી શકાય.
હ અસ્થિ અને સાંધાની સ્વસ્થતાનું સતત નિરક્ષણ કરો : વ્યક્તિ વારંવાર પડી જાય, માંડ માંડ ચાલી શકે, પીઠનો દુ:ખાવો સતત રહે કે પછી હલનચલન ઓછું થવા જેવી સ્થિતિ વધતી જતી ઉંમરની અસર છે એમ માની લેવાય નહીં. આ લક્ષણો કદાચ હાડકાં નબળાં અને છિદ્રાળુ થવાની બિમારી ઓસ્ટિયોપોરોસિસ, આર્થ્રાઈટિસ કે કરોડને લગતી તકલીફોનાં હોઈ શકે છે. આવાં લક્ષણો માટે ડોક્ટરની સલાહ જરુરી છે.
પિતા ૫૦ વર્ષ પૂરા કરે એ સાથે જ તેમના આરોગ્ય પર પૂરતું ધ્યાન આપવામાં આવે તે અને પ્રિવેન્ટિવ કેર તેમના માટે જરુરી છે.
નિયમિતપણે હેલ્થ ચેકઅપ કરાવવા, પોષક આહાર લેવા, નિયમિત વ્યાયામ કરવા તથા સમયસર મેડિકલ કન્સલ્ટેશન માટે તેમને પ્રોત્સાહન અપાય તો તબિયતની કોઈ પણ ખરાબીની વેળાસર જાણ થઈ શકે.
પિતાની તબિયતમાંના કોઈ અસાધારણ ફેરફાર દીકરીની નજરે પડી જાય અને પિતાની તબિયત બગડતી તો નથી ને? એવી તેની શંકાના સમાધાન માટે ડોક્ટરને કન્સલ્ટ કરવામાં આવે અને જરુરી હોય તો ઉપચાર પણ કરવામાં આવે. પરિણામે, પિતાની તબિયત જળવાય અને તે લાંબુ, તંદુરસ્ત અને આનંદપૂર્ણ જીવન જીવવાની ક્ષમતા ફરી પાછી મેળવે એવું ઘણી વખત બનતું હોય છે. આમાં દીકરીની લાગણી મહત્વની ભૂમિકા ભજવી શકે અને એટલે જ દીકરી તો બાપનું જીવન કહેવાય એ વાસ્તવિકતા સ્વીકારવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી!
- મહેશ ભટ્ટ




