Gujarat

સાબરકાંઠામાં રોયલ્ટી પાસ વગરના ખનીજ વહન કરતા ત્રણ વાહનો પકડાયા

By GS Team
24 Dec 20212 mins read
This article was originally published on 24 Dec 2021
સાબરકાંઠામાં રોયલ્ટી પાસ વગરના ખનીજ વહન કરતા ત્રણ વાહનો પકડાયા

હિંમતનગર તા. 23

 હિંમતનગર તાલુકાના મહાદેવપુરા, ઈડરના બડોલી અને પ્રાંતિજના મજરા પાસેથી રોયલ્ટી પાસ વગર ખનિજ ભરી નીકળેલા બે ટ્રક અને એક ટ્રેકટરને ખાણ ખનીજ વિભાગે છેલ્લા બે દિવસમાં ઝડપી લીધા છે. તંત્રએ ત્રણેય વાહનો જપ્ત કરી વાહન માલીકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છેે. ખનીજ ચોરીમાં ઝડપાયેલા વાહન માલીકો પાસેથી અંદાજે રૃા. ૪.૫૦ લાખથી વધુનો દંડ વસુલાશે તેમ સુત્રોએ જણાવ્યુ હતુ.

છેલ્લા બે દિવસથી તંત્રની ટીમે કેટલાક વિસ્તારોમાં રોયલ્ટી પાસ વિના વાહનોમાં ખનીજ ભરી ખનીજચોરી થતી હોવાની વિગતો તંત્રને સાંપડી હતી. જિલ્લા ખાણ ખનીજ વિભાગના ભુસ્તરશાસ્ત્રી સુભાષ જોષીએ વિભાગની ટીમને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મોકલી કડક વાહન ચેકિંગ કરવા સુચનાઓ આપી હતી. જે અન્વયે ખાણ ખનીજ વિભાગની ટીમે છેલ્લા બે દિવસમાં ચેકિંગ હાથ ધરી હિંમતનગર તાલુકાના મહાદેવપુરા ખાતે સાબરમતી નદી પટમાંથી રોયલ્ટી પાસ વિના રેતી ખનીજ ભરી નીકળેલા ટ્રકને, ત્યારબાદ ઈડર તાલુકાના બડોલી ગામ પાસેથી રોયલ્ટી પાસ વિના રેતી ખનીજ ભરી નીકળેલા ટ્રકને પકડી જપ્ત કર્યા હતા.  આ ઉપરાંત પ્રાંતિજના મજરા ચોકડી પાસે ગુરૂવારે તપાસ ટીમે રેતી ખનીજ ભરી નીકળેલા એક ટ્રેકટર ચાલકને રોકવાનો પ્રયાસ કરતા તેને ટ્રેકટર ભગાડી મુક્યુ હતુ. જે વાહનનો પીછો કરતા વાહન ચાલકે સીતવાડા  ખાતે વાહન મુકી ભાગી છુટયો હતો.

વાહન જપ્ત કરવા ગયેલ તપાસ ટીમ કાર્યવાહી કરી હતી ત્યારે ૧૫ થી વધુ માણસોના ટોળાએ ઝપાઝપી કરી વાહન ભગાડી દીધુ હતુ. પરંતુ ખાણ ખનીજ વિભાગે કડક વલણ અખત્યાર કરતા ટ્રેકટર માલીકે પોતાનુ વાહન પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે રજુ કર્યુ હતુ.

બે દિવસમાં ખનીજ ચોરીમાં ઝડપાયેલા ત્રણેય વાહનોના માલીકો વિરૂધ્ધ ખાણ ખનીજ વિભાગે કાયદેસરની કાર્યવાહી કરી અંદાજે રૃા. ૪.૫૦ લાખથી વધુનો દંડ વસુલવા તજવીજ હાથ ધરી છે. તંત્રએ તા. ૨૩ ડિસેમ્બર સુધીમાં ખનીજ ચોરીના ૨૮૬ કેસો કરીને રૃા. ૩૫૦.૬૦ લાખથી વધુની દંડનીય વસુલાત કરી છે.