Gujarat

જિલ્લામાં એક જ દિવસમાં પાંચથી વધારે ડિગ્રી તાપમાન ઘટયું : ગાત્રો થીજવતી ઠંડી

By GS Team
25 Jan 20222 mins read
This article was originally published on 25 Jan 2022
જિલ્લામાં એક જ દિવસમાં પાંચથી વધારે ડિગ્રી તાપમાન ઘટયું : ગાત્રો થીજવતી ઠંડી

હિંમતનગર, બાયડ, વિજયનગર, તા. 24

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં માવઠા પછી વાદળો વિખેરાયા અને ગાત્રો થીજવતી ઠંડીના કારણે જનજીવન ઠંડુગાર બન્યું હતું. જયારે જિલ્લામાં એક જ દિવસમાં પાંચથી છ ડિગ્રી તાપમાન ઘટી જતાં લોકો ઠૂઠવાયા છે.  જિલ્લાનો વિજયનગર વિસ્તાર ૭ ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડો રહ્યો હતો. જ્યારે અન્ય વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન ૮ થી ૯ ડિગ્રી નોંધાયું છે. આગામી ૩ દિવસ ગાત્રો થીજવતી ઠંડીની આગાહી કરાઈ છે.  તા. ૨૫ થી ૨૭ જાન્યુઆરી દરમિયાન કાતિલ ઠંડી અનુભવવાની સાથે-સાથે ૬૦ કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ શકે છે.

જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઉછાળો મિશ્ર ઋતુના કારણે વાયરલ રોગચાળો વકરતાં પ્રજાની દશા બેઠી હોય તેવી સ્થિતિ છે.   પાછલા બે દિવસ દરમિયાન કમોસમી માવઠાની અસર પછી જિલ્લામાં એકાએક ગત સમી સાંજથી ઠંડીનું જોર વધતાં રાત્રે ગામડાં અને શહેરી વિસ્તારોમાં સૂમસામ જેવી સ્થિતિ હતી. લગ્નસરાના અવસરમાં ઠંડીનું જોર હાવિ થતાં જાનૈયાઓ સહિત યજમાનોના સંબંધીઓ ઠૂઠવાતા જોવા મળ્યા હતા. કેટલાક વિસ્તારોમાં લગ્ન સ્થળે તાબડતોબ તાપણાંની વ્યવસ્થા કરવી પડી હતી.  ઠંડીનું જોર વધતાં બટાકા, ઘઉં, જીરુ, વરીયાળી, રાયડાના પાકને નુક્સાન થશે પરંતુ ગરમી પછી એકાએક ઠંડીનો આકરો રાઉન્ડ શરુ થતાં પ્રજા ફરી એકવાર બિમારીના સકંજામાં આવે તેવી દહેશત સેવાય છે. પરોઢે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન ૬ ડિગ્રીથી પણ નીચે ગયાની વિગતો જાણવા મળી છે.  વિજયનગર-ચિઠોડામાં સોમવારની વહેલી સવારની કડકડતી ઠંડીમાં લોકો ઠૂંઠવાયાં હતાં. જેને લઈને ઠંડીનો પારો વિજયનગર પોલો વિસ્તારમાં ઘટીને ૭ ડિગ્રી ઘટાડો થતાં એકાએક ગગડેલા ઠંડીના પારાને લઈ હાડ થીજવતી ઠંડી સાથેનું કાતિલ મોજું ફરી વળતાં ફળ્યું હતું. હવામાન ખાતા અનુસાર આજે સોમવાર અને મંગળવારે હજુ ૭ ડિગ્રી અને બુધ-ગુરુવારે ઠંડીનો પારો ઘટીને ૫ થી ૬ ડિગ્રી થવાનું અનુમાન છે.

ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાથી ઠંડી વધવાની સંભાવના

ઉત્તર ભારતના જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષાના કારણે લઘુત્તમ તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. જ્યારે ઉત્તર ભારતની ઠંડી ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોને પ્રભાવિત કરશે જેથી લઘુત્તમ તાપમાન આવનારા દિવસોમાં વધુ નીચે જાય તેવી સંભાવના છે.