હિંમતનગર, તા. 2
ઉત્તર ગુજરાતના મીની કાશ્મીરની ઓળખ બનેલા સાબરકાંઠા
જિલ્લાના વિજયનગર પોળો જંગલમાં ૧ર થી ૧પમા સૈકાની ઐતિહાસિક પોળો, શિવાલયો
અને જૈન દેરાસરો પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યા પછી પોળોના વિકાસનાં ફૂંકાતાં
બણગાં વચ્ચે વૈશ્વિક ઓળખ આપવાની પહેલનું બાળમરણ થયું છે.
ચાર વર્ષથી પોળો ઉત્સવનું આયોજન થઈ શક્યું નથી જેથી કચ્છના
ઘોરડોની જેમ વિકાસનું વચન પોકળ સાબિત થયું છે. પોળોને સ્થાનિક કક્ષાએ પર્યટક સ્થળ
તરીકે મહત્વ મળ્યું પરંતુ વૈશ્વિક ઓળખ માટે ટૂર ડી પોલો અંતર્ગત અગાઉ
સાઈક્લોથોનનું આયોજન થયા પછી બધું જ વિસારે પડી ગયું હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા તા.૧૭ ફેબુ્રઆરી-ર૦૧પમાં પોળો ઉત્સવની
ઉજવણી શરૃ કરવામાં આવી હતી. પોળો ઉત્સવ એટલે પારંપારીક નૃત્ય, ભાતીગળ
સંસ્કૃતિ અને ગુજરાતની લોક પરંપરાઓનો અનુભવ. સાબરકાંઠાના વિજયનગર તાલુકાના જંગલ
વિસ્તારમાં આવેલ પોળો પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહી છે. પોળોના સૌંદર્યને સ્થાનિક પ્રવાસીઓ ઉપરાંત
વિદેશી પ્રવાસીઓ પણ માણી શકે તે માટે સરકારે પોળો ઉત્સવની ઉજવણીનો નિર્ધાર વ્યક્ત
કરી વર્ષ-ર૦૧પથી પોળો ખાતે ફૂડ કાફે રેસ્ટોરન્ટ શરુ કરી વિદેશી પ્રવાસીઓને
આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કચ્છના પ્રવાસનધામ ઘોરડોની જેમ સેમી કાશ્મીરની ઓળખ ધરાવતા વિજયનગર પોળો
વિસ્તારમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પોળો ઉત્સવનો પ્રારંભ કરાવ્યો હતો અને
વર્ષોવર્ષ પોળો ઉત્સવ ઉજવણીના કારણે સ્થાનિક રોજગારીમાં વધારો થવાના દાવા કરાયા
હતા.
પોળોના જંગલમાં ૩પ૦ પ્રકારની વનસ્પતિ
વિજયનગરની પોળોમાં પ્રાકૃતિક વૈભવ આજે પણ સચવાયેલો છે.
અલભ્ય વન્ય પ્રાણીઓની સાથે પોળોના જંગલ વિસ્તારમાં ૩પ૦ જેટલી વનસ્પતિની વિવિધ જાતો
સચવાઈ છે. એક રીતે પ્રાકૃતિક વૈભવની સંપત્તિ ધરાવતા પોળોનો વૈશ્વિક રીતે વિકાસ થવો
જોઈએ પરંતુ તેમાં હજુ સફળતા મળી શકી નથી.
પોળોના વૈશ્વિક વિકાસમાં પ્રયત્ન છતાં અસફળતા
વિજયનગરની પોળોમાં મહાભારતકાળના ૧ર થી ૧પમા સૈકાની ઐતિહાસિક
ધરોહર સચવાઈ છે. જૈન દેરાસરો ઉપરાંત સદેવંત સાવડીંગાના પ્રણયની સાક્ષીનું આ સ્થળ
રહ્યું છે. પોળોને વૈશ્વિક ઓળખ આપવા માટે અમદાવાદના પર્યાવરણ અને યાયાવર પક્ષીઓનું
બહોળું જ્ઞાાન ધરાવતા મયૂરભાઈ મિસ્ત્રી, વિજયનગર રાજવી પરિવારના સ્વ.વિરેન્દ્રસિંહ
રાઠોડને પોળોને વૈશ્વિક ઓળખ આપવાનો વિચાર આવ્યો હતો જેથી તત્કાલિન પરીક્ષેત્ર વન
અધિકારી બાબુભાઈ સીસોદીયા, જ્યંતિભાઈ રાઠોડ સહિતના વન
અધિકારીઓએ સ્થળના વૈશ્વિક વિકાસ માટે મહત્વની ભૂમિકા નિભાવી હતી.


