Gujarat

નાનાચેખલાના છાત્ર સાથે 20 ગુજરાતી છાત્રોની વતન વાપસીની તૈયારી શરૂ

By GS Team
3 Mar 20222 mins read
This article was originally published on 3 Mar 2022
નાનાચેખલાના છાત્ર સાથે 20 ગુજરાતી છાત્રોની વતન વાપસીની તૈયારી શરૂ

હિંમતનગર, તા.2

યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં મેડીકલ અભ્યાસ માટે ગયેલા છાત્રો પોલેન્ડની સરહદે ફસાયા બાદ હવે સ્થિતિ હળવી થઈ છે જેમાં તલોદ તાલુકાના નાનાચેખલા ગામના મેડીકલ છાત્ર સહિત અન્ય ર૦ ગુજરાતી છાત્રોએ બોર્ડર પાસ કરી પોલેન્ડની હોટલમાં રોકાણ કર્યું છે. ગમે તે ઘડીએ હવે ઓપરેશન ગંગા દ્વારા આ તમામ છાત્રોને વતનમાં સુરક્ષિત લાવવાની તૈયારી થતાં ફસાયેલા છાત્રોના પરિવારોમાં આનંદ છવાયો છે. 

સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના છાત્રો યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી નિકળવામાં સફળ રહ્યા પરંતુ રોમાનિયા અને પોલેન્ડની બોર્ડરે ફસાયા હતા. બોર્ડર પર ફસાયેલા છાત્રો સાથેનો સંપર્ક પણ તૂટી ગયો હતો જેના કારણે પરિવારજનો સરકાર પાસે જેમ બને તેમ ઝડપથી છાત્રોને વતનમાં લાવવા માટે માંગ કરી રહ્યા હતા. દિવસે દિવસે યુદ્ધ વધુ ભયાનક બન્યું હતું અને પોલેન્ડ બોર્ડર બંધ હોવાથી છાત્રો સુરક્ષિત છતાં અસલામતી અનુભવી રહ્યા હતા. તલોદ તાલુકાના નાનાચેખલા ગામનો મેડીકલ છાત્ર ભાવિન પટેલ અને અન્ય ર૦ ગુજરાતી છાત્રો પોલેન્ડમાં પ્રવેશતાં રાહત અનુભવી છે.

હવે હોટલમાં એમ્બેસી દ્વારા રોકાવાની સગવડ કરાયા પછી ક્રમ તમામ છાત્રોને ખાસ ફ્લાઈટ દ્વારા વતનમાં લાવવાની તૈયારીઓ થઈ છે. હોટલમાં રોકાયેલા નાનાચેખલાના છાત્રએ સંપર્ક કપાયા પછી ફરીથી હોટલથી પરિવારજનોનો સંપર્ક કરી હવે તમામ છાત્રોનું એમ્બેસી દ્વારા રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હોવાથી ગમે તે ઘડીએ વતન આવી પહોંચશું તેવો સમાચાર આપતાં પરિવારજનોમાં આનંદનું મોજુ ફરી વળ્યું છે.

બોર્ડર પર ધક્કામુક્કીમાં અનેક છાત્રોના દસ્તાવેજ ગુમ

યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી વતન વાપસી માટે મરણિયા પ્રયાસ કરતા ગુજરાત અને દેશના છાત્રો પોલેન્ડ બોર્ડર ઉપર પહોંચ્યા પછી ત્યાં થયેલા ધક્કામૂક્કીમાં અનેક છાત્રોના અગત્યના દસ્તાવેજો ગુમ થતાં મુશ્કેલી વધ્યાનું જાણવા મળ્યું છે.