Sabarkantha

સાબરકાંઠામાં ખેડબ્રહ્મા અને પોશીનામાં તળાવો તળિયા ઝાટક, જળસંકટના એંધાણ, ઘાસચારાની અછત

By GS Team
23 Oct 20262 mins read
TukuTouch Logo
સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને પોશીના તાલુકાના આદિવાસી વિસ્તારોમાં ચોમાસું પૂરું થતાં જ જળસંકટ ઘેરું બન્યું છે. અપૂરતા વરસાદને કારણે ઓક્ટોબરમાં જ તળાવો અને જળસ્ત્રોતો સુકાઈ ગયા છે. ચાંગોદ, દોતડ સહિતના 20થી વધુ ગામોમાં પીવાના પાણી અને પશુઓના ઘાસચારાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. કોલંદનું તળાવ પણ સુકાઈ ગયું છે, જેનાથી રવિ પાક અને પશુધન પર જોખમ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાબરકાંઠામાં ખેડબ્રહ્મા અને પોશીનામાં તળાવો તળિયા ઝાટક, જળસંકટના એંધાણ, ઘાસચારાની અછત

Sabarkantha Water Crisis: સાબરકાંઠાના અંતરિયાળ અને પહાડી ભૂગોળ ધરાવતા આદિવાસી બહુલ ખેડબ્રહ્મા તેમજ પોશીના તાલુકામાં ચોમાસું પૂરું થતાંની સાથે જ પીવાના પાણી અને પશુઓના ઘાસચારાનું વિકટ સંકટ ઘેરાવા લાગ્યું છે. ચાલુ વર્ષે સરેરાશ કરતાં નહિવત અને અનિયમિત વરસાદને પરિણામે શિયાળાના આરંભે જ કુદરતી જળ સ્રોતો સુકાઈ જતાં સરહદી ગામડાઓમાં ઉનાળા જેવી આકરી પરિસ્થિતિ અત્યારથી જ આકાર લઈ રહી છે. જે તળાવો સામાન્ય રીતે ભરઉનાળે એપ્રિલ અને મે માસ સુધી છલકાયેલા રહેતાં હતાં, તે અત્યારે ઓક્ટોબર માસમાં જ તળિયાઝાટક બની ગયા છે.

આગામી ઉનાળામાં પીવાના પાણીની ગંભીર સમસ્યાની વકી

ખેડબ્રહ્મા તાલુકાનાં ચાંગોદ, સૂકાઆંબા, રતનપુર, બાવળ કાંઠિયા, બાડીયાનું તળાવ, સેબલિયા તેમજ પોશીના તાલુકાના દોતડ, કોટડા, ચોલીયા, નવાગરા, દેમતી, માલવાસ, નાડા, દંત્રાલ, ટેટેબડા, દેડકા અને પોલાપાણ સહિતના ગામોમાં વરસાદની ઘટની સીધી અને ગંભીર અસર જમીન અને જળસ્તર પર પડી છે. ખાસ કરીને આ વિસ્તારની જીવાદોરી સમાન અને મે માસના ધોમધખતા તાપમાનમાં પણ પાણીથી હિલોળા લેતું કોલંદનું તળાવ અત્યારથી જ સાવ સુકાઈ જતાં સમગ્ર સીમાડામાં સન્નાટો વ્યાપી ગયો છે. જળાશયો ખાલીખમ થતાં જમીનમાં પાણી રિચાર્જ ન થવાને કારણે સ્થાનિક કૂવા તેમજ બોરવેલના તળ પણ ચિંતાજનક રીતે ઊંડા ઊતરી ગયા છે. જેનાથી ગ્રામ્ય જનજીવન અને ખેતીની રવિ સીઝન પર ખતરો મંડાઈ રહ્યો છે.

પશુધનને જીવાડવાનો યક્ષપ્રશ્ન ઊભો થયો

જળસંકટની સાથે સાથે માલધારીઓ માટે પશુધનને જીવાડવાનો યક્ષપ્રશ્ન ઊભો થયો છે. સીમ અને ગોચરમાં લીલો ઘાસચારો સાવ સુકાઈ ગયો હોવાથી પશુઓને પેટનો ખાડો પૂરવા માટે વહેલી સવારથી પહાડો અને કોતરો ખૂંદી દૂર દૂર સુધી ભટકવું પડી રહ્યું છે. સ્થાનિક આદિવાસી પરિવારરો માટે પશુપાલન જ આજીવિકાનો મુખ્ય આધારસ્તંભ છે, ઘાસચારો અને પાણીના અભાવે પશુઓનું દૂધ ઉત્પાદન ઘટવા સાથે તેમના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે. જો વહીવટી તંત્ર દ્વારા સરહદી ગામોની વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવી અત્યારથી પાણી, ઘાસચારાની વ્યવસ્થા સાથે ઊંડા તળાવોમાં નર્મદા કે ધરોઈ યોજનાના પાણી ઠાલવવાની આગોતરી વ્યવસ્થા નહીં ગોઠવાય તો આગામી દિવસોમાં આ પંથકમાંથી મોટાપાયે પશુઓ અને શ્રમજીવી પરિવારોનું સ્થળાંતર અનિવાર્ય બનશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.