Sabarkantha

હિંમતનગર: કેનેડાના વર્ક વિઝાના નામે કરોડોની ઠગાઈ, વિઝા કન્સલ્ટન્સી ચલાવતી યુવતીએ 1 કરોડથી વધુ રકમ પડાવી ફરાર

By GS Team
11 Jul 20262 mins read
TukuTouch Logo
હિંમતનગરમાં કેનેડાના વર્ક વિઝા અપાવવાના બહાને 1.37 કરોડની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. પ્રીતિ વ્યાસ નામની યુવતીએ કન્સલ્ટન્સી ચલાવી અનેક યુવાનોને છેતર્યા હતા. 23 લાખ આપી કેનેડા જવાની લાલચમાં એક યુવકે ફરિયાદ નોંધાવતા અન્ય ભોગ બનનારાઓ પણ સામે આવ્યા. પોલીસે ગુનો નોંધી ફરાર પ્રીતિ વ્યાસને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હિંમતનગર: કેનેડાના વર્ક વિઝાના નામે કરોડોની ઠગાઈ, વિઝા કન્સલ્ટન્સી ચલાવતી યુવતીએ 1 કરોડથી વધુ રકમ પડાવી ફરાર

Himmatnagar Visa Scam: ગુજરાતમાં વિદેશ જવા ઇચ્છુક યુવાનોને નિશાન બનાવી લાખો-કરોડો રૂપિયા પડાવતી બોગસ વિઝા એજન્સીઓનો આતંક યથાવત છે. સાબરકાંઠાના હિંમતનગરમાં કેનેડાના વર્ક વિઝા અપાવવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડીનો વધુ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં વિઝા કન્સલ્ટન્સી ઇન્સ્ટિટ્યૂટ ચલાવતી પ્રિતી વ્યાસ નામની યુવતી સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા જ તે રાતોરાત ફરાર થઈ ગઈ છે. પોલીસે ગુનો નોંધી આરોપી યુવતીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

23 લાખ આપીને કેનેડા જવાની લાલચ ભારે પડી

મળતી માહિતી અનુસાર, હિંમતનગરના એક સ્થાનિક યુવકને કેનેડા મોકલવાનું સપનું બતાવીને આ સમગ્ર ઠગાઈ આચરવામાં આવી હતી. આરોપી પ્રિતી વ્યાસે કેનેડાના વર્ક વિઝા અપાવવાની પાકી ખાતરી આપી યુવક પાસેથી કુલ 23 લાખ રૂપિયા પડાવ્યા હતા. સમય વીતી જવા છતાં ન તો વિઝા મળ્યા કે ન કેનેડા જવાની કોઈ પ્રક્રિયા આગળ વધી હતી. યુવકે વારંવાર પોતાના રૂપિયાની ઉઘરાણી કરતા આરોપીએ માંડ 4 લાખ રૂપિયા પરત આપ્યા હતા, જ્યારે બાકીના 19 લાખ રૂપિયા આપવા આનાકાની કરી હતી. આખરે ભોગ બનનાર યુવકે હિંમતનગર પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા હતા.

છેતરપિંડીનો આંકડો રૂ. 1.37 કરોડે પહોંચ્યો

પોલીસે જ્યારે આ મામલે પ્રાથમિક તપાસ શરૂ કરી ત્યારે કન્સલ્ટન્સીના નામે અન્ય લોકોને પણ શિકાર બનાવવામાં આવ્યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. એક પછી એક અન્ય ભોગ બનનારા લોકો પણ પોલીસ સમક્ષ આવ્યા હતા, જેના કારણે છેતરપિંડીનો કુલ આંકડો ૧ કરોડ ૩૭ લાખ રૂપિયા પર પહોંચી ગયો છે. આટલી મોટી રકમની છેતરપિંડીની ફરિયાદ સત્તાવાર રીતે દાખલ થતાં જ આરોપી પ્રિતી વ્યાસ પોલીસની પકડથી બચવા માટે ભૂગર્ભમાં ઉતરી ગઈ છે.

વિદેશ જતાં પહેલાં સાવચેતી જરૂરી

વિદેશ મોકલવાના બહાને આચરવામાં આવતી આવી કરોડોની છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. વિદેશ જવા ઇચ્છુક નાગરિકોએ કોઈપણ એજન્સી કે સંસ્થામાં પોતાની કચેરીની મહેનતના રૂપિયા જમા કરાવતા પહેલાં તેની માન્યતા, લાયસન્સ અને વિશ્વસનીયતાની સંપૂર્ણ ચકાસણીકરી લેવી અત્યંત જરૂરી બની ગઈ છે.

પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા શોધખોળ

હિંમતનગર પોલીસે આ કરોડોની ઠગાઈના કેસને અત્યંત ગંભીરતાથી લીધો છે. ફરાર થઈ ગયેલી આરોપી પ્રિતી વ્યાસની ધરપકડ કરવા માટે પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને દરોડા શરૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, આ કન્સલ્ટન્સી દ્વારા હજુ કેટલા લોકો ઠગાયા છે તે દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.