Gujarat

હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવેની કામગીરી શરૂ કરાવવા કલેકટરને આવેદન અપાયું

By GS Team
8 Feb 20222 mins read
This article was originally published on 8 Feb 2022
હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવેની કામગીરી શરૂ કરાવવા કલેકટરને આવેદન અપાયું

હિંમતનગર તા. 7

ઈડર તાલુકાના જાદર વિભાગીય વિકાસ સમિતિ દ્વારા સોમવારે જાદરને તાલુકો બનાવવાની સાથે હિંમતનગર ખેડબ્રહ્મા રેલ્વે લાઈનની કામગીરી ચાલુ કરવા તથા રેલ્વેને અંબાજી થઈ આબુ રોડ સુધી લંબાવવાની માંગણી સાથે સાબરકાંઠા જિલ્લા કલેકટરને સોમવારે આવેદન પત્ર આપી રજુઆતો કરવામાં આવી હતી. સાથે સાથે તંત્ર દ્વારા જાદર પંથકની પ્રજાની માંગણીઓ તાકીદે નહિ સંતોષાય તો ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી અપાઈ છે.

ઈડર તાલુકાના જાદર અને તેની આસપાસના ગામડાઓ છેલ્લા ૨૫ વર્ષથી ભાજપની પડખે રહી મતદાન કરે છે અને હાલ પણ ભાજપની પડખે ઉભા છે. જાદરને તાલુકો બનાવવાની માંગણી મામલે આ વિસ્તારની પ્રજા વર્ષોથી અનેક રજુઆતો કરવા છતાં   તેનો કોઈ પ્રત્ત્યુતર કે સુખદ ઉકેલ ન આવતા આસ પાસના ગામડાઓનો વિકાસ રૂધાઈ રહ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી પદે નરેન્દ્ર મોદી હતા તે દરમ્યાન જાદરના અગ્રણી ડી.પી.ભટ્ટની આગેવાની હેઠળ રૂબરૂ મળી લેખીત તથા મૌખીક રજુઆત કરતા જાદરને તાલુકો બનાવવાનુ આસશ્વાસન અપાયુ હતુ. પરંતુ નરેન્દ્રભાઈ મોદીની વડાપ્રધાન તરીકે નિયુકિત થતા આ માંગણી અધુરી રહેવા પામી હતી.

આ ઉપરાંત અંગ્રેજોના સમયથી ચાલતી હિંમતનગર-ખેડબ્રહ્મા રેલ્વે લાઈનને બ્રોડગેજમાં રૂપાંતર કરવા માટેની હાથ ધરવામાં આવેલ કામગીરી પણ બંધ કરાઈ છે. જેને મોટા અંબાજી થઈ આબુ રોડ સુધી લંબાવવા માટે પણ માંગણી કરવામાં આવી હતી.

રેલ્વે લાઈનને બ્રોડગેજમાં રૂપાંતર કરવાની બંધ પડેલ કામગીરી રજુઆતો કરવા છતાં આજ દિન સુધી શરૂ કરવામાં ન આવતા જાદર સહિત આસ પાસના ગામડાઓની પ્રજા રેલ્વેની સુવિધાથી વંચિત રહેવા પામી છે. જાદરની વિભાગીય વિકાસ સમિતિના પ્રમુખ ગીરીશભાઈ એસ. પટેલસહિતના જાદર પંથકના અગ્રણીઓ દ્વારા સાબરકાંઠા જીલ્લા કલેકટરને આવેદન પત્ર આપી જાદરને તાલુકો બનાવવા તથા રેલ્વે લાઈનને અંબાજી થઈ આબુરોડ સુધી લંબાવી બંધ પડેલ બ્રોડગેજ રૂપાંતરની બંધ પડેલ કામગીરી તાકીદે ચાલુ કરવાની માંગણી કરવાની સાથે જો આ માંગણીઓ નહિ સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી અપાઈ છે.