Relationship

એક પ્રેમિકાએ તેના પ્રેમી પાછળ ૧૦ વર્ષમાં ૪૬ લાખ રુપિયા ખર્ચ કર્યા

By GS Team
15 Jul 20212 mins read
This article was originally published on 15 Jul 2021
એક પ્રેમિકાએ તેના પ્રેમી પાછળ ૧૦ વર્ષમાં ૪૬ લાખ રુપિયા ખર્ચ કર્યા

ભોપાલ,૧૫ જુલાઇ,૨૦૨૧,ગુરુવાર

એક પ્રેમિકાએ તેના પ્રેમી પાછળ ૧૦ વર્ષમાં ૪૬ લાખ રુપિયા ખર્ચ કર્યા હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. વિશ્વાસ,પ્રેમ અને પછી દગાની આ વાત કોઇ ફિલ્મ સ્ટોરી કરતા પણ વધારે પેચિંદી છે. પ્રેમીને એમબીબીએસ ના સ્ટડીથી માંડીને પીજીનો તમામ ખર્ચ પ્રેમિકા વેઢારતી હતી. આટલું ઓછું હોય તેમ બાઇક અપાવ્યું અને પાકુ મકાન પણ બનાવી આપ્યું હતું. પ્રેમી ડોકટર બનતા કાર લોન લીધી તેના હપ્તા પણ પ્રેમિકા ભરતી હતી. આ બધુ જ એક વ્યકિત માટે પ્રેમના કારણે કરતી હતી. એવું નથી કે પ્રેમિકા માલેતુંજાર હતી પરંતુ કહેવાય છે કે જેના માટે પ્રેમ હોય એના માટે માણસ ગમે તેવા પડકારો હોયતો પણ પાર કરી જાય છે. સૌથી નવાઇની વાત તો એ છે કે પ્રેમીએ તમામ પ્રેમિકાના તમામ ઉપકારો ભૂલીને જયારે પગભર થવા માંડયો ત્યારે બીજી સ્ત્રી જોડે લગ્ન કરી લીધા હતા. આથી ટીચર પ્રેમિકાએ પ્રેમી વિરુધ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી છે.


 પ્રેમીકાએ એવો દાવો કર્યો હતો કે છેલ્લા ૧૦ વર્ષમાં પ્રેમીના જીવન ખાતર ૪૬ લાખ રુપિયાનો ખર્ચ કર્યો છે. આ બંને પ્રેમીઓ નાનપણથી જ એકબીજાને ઓળખતા હતા. મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ધરમપુરી ગામની સ્કૂલમાં સાથે અભ્યાસ કરતા હતા. બંનેને નાનપણથી જ એક બીજા માટે લાગણી હતી જે મોટપણે પ્રેમમાં પલટાઇ હતી. પ્રેમિકાને વર્ષ ૨૦૦૯માં ખૂબ ઝડપથી શિક્ષિકાની નોકરી મળી ગઇ હતી. જયારે પ્રેમી આગળ અભ્યાસ કરીને તબીબ બનવા ઇચ્છતો હતો. બંને એક સમાજના હોવાથી પરીવારના સભ્યો પણ એકબીજાના ઘરે છુટથી આવન જાવન કરતા હતા પરંતુ પ્રેમીના પરીવારની આર્થિક સ્થિતિ સારી ન હતી. પ્રેમિકા વહેલા નોકરી લાગી ગઇ હોવાથી તેના પગારમાંથી પ્રેમીના મેડિકલ સ્ટડીથી માંડીને તમામ પ્રકારની આર્થિક જરુરીયાતો પુરી કરતી હતી.

પ્રેમીએ કારર્કિદી બની જાય એ પછી લગ્ન કરવાનો કોલ આપ્યો હતો. બંને એક બીજા સાથે લગ્ન થયા હોય એ રીતે જ વર્તતા હતા. ૨૦૧૭માં પ્રેમીને એક ખાનગી હોસ્પિટલમાં તબીબ તરીકે નોકરી મળી ગઇ એ પછી ધીરે ધીરે સંબંધો ઓછા કરી નાખ્યા હતા. લગ્ન કરવામાં બહાના બતાવતો હતો. ૨૧ જુન ૨૦૨૧ના રોજ તો તબીબે પ્રેમિકાને દગો આપીને બીજી મહિલા જોડે લગ્ન પણ કરી લીધા હતા. આ વાતની જયારે પ્રેમિકાને ખબર પડી ત્યારે જાણે કે વીજળી પડી હોય તેવી વેદના થઇ હતી. છેવટે વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૯ સુધી લગ્ન કરવાની લાલચ આપીને પ્રેમ સંબંધ બાંધીને દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ કરી હતી. આ અંગે પોલીસ તપાસ કરીને ફરાર આપીને પકડવા પ્રયાસ કરી રહી છે. આરોપી પ્રેમીનું નામ દિલીપ હોવાનું જાણવા મળે છે.