Dharm

પાંડવો પરથી ભાઈઓની હત્યાનું કલંક ઉતાર્યું 'ને કહેવાયા ‘નિષ્કલંક મહાદેવ’, અહીં અસ્થિ પધરાવવાનું મહાત્મય

By GS Team
17 Aug 20263 mins read
TukuTouch Logo
ભાવનગરના કોળિયાક દરિયાકિનારે 3 કિલોમીટર અંદર નિષ્કલંક મહાદેવ મંદિર આવેલું છે. અહીં 5 સ્વયંભૂ શિવલિંગ છે, જ્યાં દરિયાદેવ રોજ જળાભિષેક કરે છે. મહાભારત યુદ્ધ પછી પાંડવો અહીં કલંકમુક્ત થયા હોવાથી તેને ‘નિષ્કલંક’ કહેવાય છે. ભરતી સમયે મંદિર જળમગ્ન થાય છે અને ઓટની રાહ જોઇ ભક્તો દર્શન કરે છે. ભાદરવી અમાસે અહીં મેળો ભરાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાંડવો પરથી ભાઈઓની હત્યાનું કલંક ઉતાર્યું 'ને કહેવાયા ‘નિષ્કલંક મહાદેવ’, અહીં અસ્થિ પધરાવવાનું મહાત્મય

Nishkalank Mahadev: ગુજરાતના દરિયાકિનારે અનેક પૌરાણિક શિવાલયો આવેલા છે. તેમાંથી એક એટલે ‘નિષ્કલંક મહાદેવ’. આ શિવાલય ભાવનગરના કોળિયાક દરિયાકિનારાથી ત્રણ કિલોમીટર જેટલા અંતરે દરિયા વચ્ચે આવેલું છે. દરિયાદેવ અહીં દરરોજ શિવજીનો જળાભિષેક કરે છે અને ભરતીના સમયે તો આ જગ્યા જળમગ્ન થઈ જાય છે. પછી ભક્તોને ઓટની રાહ જોવી પડે છે. આવો જાણીએ આ શિવાલય સાથે જોડાયેલી કથા અને રોચક વાતો…

આ શિવાલય એક ચબૂતરા પર આવેલું છે. જ્યાં પાંચ સ્વયંભૂ શિવલિંગ જોવા મળે છે. પાંચેય શિવલિંગની સામે નંદીની પ્રતિમા પણ છે. આ ઉપરાંત ચબૂતરા પર એક નાનું તળાવ પણ આવેલું છે. જેને ‘પાંડવ તળાવ’ કહેવામાં આવે છે. શ્રદ્ધાળુઓ પહેલાં અહીં હાથ-પગ ધોવે છે અને પછી શિવલિંગની પૂજા-અર્ચના કરે છે.

Nishkalank Mahadev (1).jpg

શું છે પૌરાણિક કથા?

આ મંદિરની પૌરાણિક કથા વિશે વાત કરીએ તો, મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી કૌરવો સહિત અનેક લોકોનો વધ કર્યા પછી પાંચેય પાંડવોને થયું કે, આપણા માથે આ ભાતૃહત્યાનું કલંક છે. આ કલંકને કેવી રીતે દૂર કરવું તેના નિવારણ માટે પાંચેય પાંડવો દુર્વાસા ઋષિ પાસે ગયા. દુર્વાસા ઋષિએ પાંડવોની વ્યથા સાંભળીને કહ્યું કે, આ કાળી ધજા લઈ તમે દરિયાકિનારે ચાલતા જાવ. જ્યારે પવિત્ર ધરતી આવશે ત્યારે આ કાળી ધજા આપમેળે ધોળી થઈ જશે, ત્યારે તમે માનજો કે કલંક ઉતરી ગયું છે.

Nishkalank Mahadev (2).jpg

પાંડવોએ દરિયાકિનારે ચાલવાનું શરૂ કર્યું

આમ, પાંડવોએ દરિયાકિનારે ચાલવાનું શરૂ કર્યું. તેઓ ચાલતાં ચાલતાં જ્યારે ભાવનગરના કોળિયાક ગામના સમુદ્રકિનારે પહોંચ્યા ત્યારે ધજાનો રંગ બદલાઈને સફેદ થઈ ગયો. અહીં પાંડવોએ સમુદ્રસ્નાન કર્યું અને ભગવાન શિવની પૂજા-અર્ચના કરી હતી. શિવજીએ પાંચેય પાંડવોને દર્શન આપ્યા હતા. ભોળાનાથને પાંડવોએ વિનંતી કરી કે, પ્રભુ અમને દર્શન આપ્યાનું આ જગ્યામાં પ્રમાણ આપવું પડશે. ત્યારે શિવે પાંચેય પાંડવોને કહ્યું કે, તમે રેતીથી શિવલિંગ બનાવો, આ પવિત્ર જગ્યા પર તમારું કલંક ઊતર્યું છે, તેથી આ જગ્યા ‘નિષ્કલંક’ નામે ઓળખાશે. ભગવાન ભોળાનાથ તેમની તપસ્યાથી પ્રસન્ન થયા અને પાંચ ભાઇઓને લિંગ સ્વરૂપમાં દર્શન આપ્યાં હતાં. તે પાંચેય શિવલિંગ આજે પણ છે.

Nishkalank Mahadev.jpg

આ પાણીમાં અસ્થિઓ પધરાવવાથી મોક્ષ મળે છે

આ મંદિરની એક ખાસ રસપ્રદ વાત એ છે કે, તે દરિયામાં વચ્ચે આવેલું છે અને દરિયાનાં મોજાં પણ તેની આસપાસ ઉછળતાં રહેતા હોય છે. ભક્તો મંદિરમાં જવા માટે દરિયામાં ઓટ આવે એની રાહ જોતા હોય છે. દરિયાનું પાણી અમુક કલાકો પૂરતું જ ઊતરતું હોય છે. એ જ સમયમાં ભક્તો નિષ્કલંક મહાદેવ મંદિરમાં જઈને દર્શન કરી આવે છે. સાંજે સાત વાગ્યા પછી ભરતી શરૂ થતાં મંદિર ફરી પાણીમાં ડૂબી જાય છે. લોકોનું માનવું છે કે, મૃત્યુ પામતા સ્વજનોના અસ્થિ આ પાણીમાં પધરાવવાથી મૃતક વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

Nishkalank Mahadev (3).jpg

અમાસના દિવસે થાય છે વિશેષ પૂજા

જો કે, અહીં આવીને પાંડવોને પોતાના ભાઇઓના કલંકથી મુક્તિ મળી હતી, જેથી આ સ્થાનને નિષ્કલંક મહાદેવ કહેવામાં આવે છે. ભાદરવા મહિનાની અમાસના રોજ અહીં મેળો યોજાય છે જેને લોકબોલીમાં ‘ભાદ્રવી’ કહેવામાં આવે છે. દર અમાસે આ મંદિરમાં ભક્તોની વિશેષ ભીડ રહે છે. પૂનમ અને અમાસના દિવસે ભરતી વધારે સક્રિય રહે છે, છતાંય શ્રદ્ધાળુઓ ઓટની રાહ જોવે છે અને પછી ભગવાન શિવના દર્શન કરે છે. માન્યતા છે કે, આ મંદિરમાં આવીને ભક્તો અને શ્રદ્ધાળુઓના બધા જ પાપ નષ્ટ થઇ જાય છે.