550 વર્ષ પહેલાં સ્વયંભૂ પ્રગટ્યા રાજકોટના ‘રામનાથ’ મહાદેવ, 16 પેઢીથી એક જ પરિવાર કરે છે પૂજા; જાણો ઇતિહાસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ramnath Mahadev: આજીના કાંઠે બિરાજમાન સ્વયંભૂ મહાદેવ લાખો રાજકોટવાસીઓનું શ્રદ્ધાસ્થાન છે. શ્રાવણ મહિનામાં અહીં ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. અંદાજે 550 વર્ષ જૂનું આ શિવાલય એટલે ‘રામનાથ મહાદેવ’નું મંદિર. આ મંદિરને ક્યારેય તાળા લાગતા નથી. ચારેબાજુથી ખુલ્લા આ શિવાલયમાં ચોમાસાની ઋતુ દરમિયાન ભરપૂર વરસાદ પડે ત્યારે આજી નદીના પાણીથી જળાભિષેક થાય છે. આવો જાણીએ રામનાથ મહાદેવની રોચક કથા…

શું છે પૌરાણિક કથા?
લોકવાયકા પ્રમાણે, આજથી લગભગ 550 વર્ષ પહેલાં સ્વયંભૂ મહાદેવ તરીકે પ્રગટ થયા હતા. રાજકોટ વસ્યું તે પહેલાથી આ મંદિર આજી નદીના ઘાટે આવેલું છે. તેથી ગ્રામ્ય મંદિર તરીકે પણ જાણીતું છે. આજી નદીનાં બંને બાજુએ સુંદર પ્રાકૃતિ વાતાવરણ વચ્ચે બિરાજેલા આ મહાદેવનું શિવાલય ભાવિકો સાથે રાજકોટનું આસ્થા બિંદુ છે. જ્યારે આજી નદીમાં પૂર આવે ત્યારે આ મંદિર પાણીમાં ગરકાવ થઈ જાય છે. ભક્તો દ્વારા જળાભિષેક સાથે ચોમાસે કુદરત દ્વારા પણ જળાભિષેક થાય છે.

સાતમ-આઠમનો મેળો ભરાય છે
સૌથી પ્રાચીન વિસ્તાર જૂનું રાજકોટનું રામનાથપરા ‘છોટેકાશી’ તરીકે જાણીતું છે. અહીં લોકો બાધા રાખીને આવે છે. જો કે, ચોમાસામાં મંદિર પાણીમાં ગરકાવ થવાથી રામનાથનું ઉપમંદિર છે, ત્યાં પૂજન કરે છે. વર્ષોથી અહીં સાતમ-આઠમનો મેળો ભરાય છે. વર્ષો પહેલાં જૂના રાજકોટ માટે આ મેળાનું મહત્ત્વ હતું, જે આજે પણ અકબંધ છે.

મંદિરને ક્યારેય તાળાં લાગતાં જ નથી
રામનાથ મહાદેવ મંદિર શિખરબદ્ધ છે, પરંતુ ચારે તરફથી ખુલ્લુ છે. આ મંદિરમાં ક્યારેય તાળા મારવામાં આવતું નથી. આજથી 550 વર્ષ પહેલાં સ્વયંભૂ પ્રગટેલા આ મહાદેવ 100 વર્ષ સુધી અપૂજ રહ્યા હોવાની લોકવાયકા પણ છે. ત્યારબાદ કચ્છના નારાયણ સરોવર-કોટેશ્વરથી અહીં સ્થાયી થયેલા ગોસ્વામી પરિવારે પૂજા શરૂ કરી હતી. ત્યારથી લઈને આજ સુધી છેલ્લી 16 પેઢીથી વંશ પરંપરાગત રીતે આ પરિવાર પૂજા સંભાળે છે.

પૌરાણિક છતાં મજબૂત અને આકર્ષક ડિઝાઈન
રામનાથ મહાદેવ મંદિરની શિવલિંગ પવિત્રતા જાળવવા, સ્વયંભૂ શિવલિંગને સ્પર્શ કર્યા વિના બાકીનાં કામોનો વિકાસ તથા કુંડ કન્સેપ્ટથી નવી ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. નદીના પાણી, પૂર, વગેરે સ્થાનિક સ્થિતિનો ખ્યાલ રાખી પૌરાણિક છતાં મજબૂત અને આકર્ષક ડિઝાઈન કરી છે. શિખરની ડિઝાઈન અને મંદિરની ડિઝાઇન વાસ્તુ, શિલ્પ સહિતની બાબતોને ધ્યાનમાં રાખીને મંદિરનો પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે.
આજુબાજુમાં આવેલા મંદિરો
રામનાથ મહાદેવ આજુબાજુ વિવિધ મંદિરો છે. જેમાં બહુચરાજી મંદિર, નાગનાથ, સુખનાથ, ગોપનાથ જાગનાથ, પંચનાથ, બાલા હનુમાન, ગાયત્રી મંદિર, વાઘેશ્વરી શીતળા માતા મંદિર જેવાં 100થી વધુ મંદિરો, પણ 125 વર્ષથી જૂના પૌરાણિક છે.




