Dharm

ગુફામાં બિરાજેલા ‘ઝરિયા મહાદેવ’ પર થાય છે કુદરતી જળાભિષેક, વિજ્ઞાન પણ નથી ઉકેલી શક્યું રહસ્ય; જાણો ઇતિહાસ

By GS Team
5 Sep 20263 mins read
TukuTouch Logo
સુરેન્દ્રનગરના ચોટીલા પાસે માંડલ વન વિસ્તારમાં આવેલ ઝરિયા મહાદેવ શિવાલય એક અનોખું રહસ્ય ધરાવે છે. ગુફામાં બિરાજમાન સ્વયંભૂ શિવલિંગ પર 24 કલાક પાણી ટપકતું રહે છે, જે વિજ્ઞાન માટે પણ કોયડો છે. લોકવાયકા મુજબ, પાંડવોએ પણ અહીં પૂજા કરી હતી. શ્રાવણમાં અહીં ભવ્ય મેળો ભરાય છે. આ સ્થળ પ્રકૃતિ અને શ્રદ્ધાનો સંગમ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુફામાં બિરાજેલા ‘ઝરિયા મહાદેવ’ પર થાય છે કુદરતી જળાભિષેક, વિજ્ઞાન પણ નથી ઉકેલી શક્યું રહસ્ય; જાણો ઇતિહાસ

Zariya Mahadev: પાંચાળ પ્રદેશના સુરેન્દ્રનગરના ચોટિલા ગામે આવેલું છે ઝરિયા મહાદેવનું શિવાલય. માંડલ વન વિસ્તારમાં એક ગુફામાં સ્વયંભૂ ‘ઝરીયા મહાદેવ’ બિરાજે છે. આ ગુફાની દીવાલમાંથી ચોવીસ કલાક પાણી ટપકે છે. જેને લીધે કુદરતી રીતે જ શિવલિંગ પર અવિરત જળાભિષેક થતો રહે છે. આ પાણી ક્યાંથી આવે છે અને કેવી રીતે આવે છે તે અંગે હજુ સુધી કોઈ જાણી શક્યું નથી. આવો જાણીએ આ શિવાલયનો રોચક ઇતિહાસ…

શું છે પૌરાણિક કથા?

એવી લોકમાન્યતા છે કે, આ સ્વયંભૂ મહાદેવની પૂજા પાંડવો પણ કરતા હતા. જો આ વાત સાચી હોય તો, આ શિવાલય મહાભારતકાલીન હોવાનું ગણી શકાય. કારણ કે, લોકમુખે એવી વાત વહે છે કે, બાર વર્ષના અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ અહીંની પાવન ભૂમિ પર વસવાટ કર્યો હતો.

Zariya Mahadev.jpg

શ્રાવણમાં ભરાય છે મેળો

પ્રકૃતિના સાનિધ્યમાં આવેલું આ અલૌકિક શિવાલયની આસપાસનો વિસ્તાર વેરાન વગડા સમો છે. ચોમાસામાં અહીં ચારેબાજુ સોળે કળાએ લીલોતરી ખીલી ઉઠે છે. વગડાની નીરવ શાંતિમાં પક્ષીઓનો મધુર કલરવ સંભળાય છે. પક્ષીઓના કલરવથી સુમસાન વગડાનું વાતાવરણ પણ પ્રફુલ્લિત બની જાય છે. શ્રાવણ માસમાં અને ખાસ કરીને શ્રાવણીયા સોમવારે અહીં મેળો ભરાય છે. દૂર દૂરથી લોકો મહાદેવના દર્શન અને મેળો માણવા આવે છે. તો કેટલાક પ્રકૃતિ પ્રેમીઓ અહીં વન ભોજનનો પણ આનંદ લે છે.

Zariya Mahadev (1).jpg

શિવલિંગ પર થાય છે અવિરત જળાભિષેક

કહેવાય છે કે, મહાદેવ એકાંત પ્રિય છે. ભોળાનાથ હમેશા સ્મશાન કે વેરાન જગ્યાએ ધ્યાન મગ્ન રહેવાનું પસંદ કરે છે. માંડલ વન આવી જ એક વેરાન વગડા સમી જગ્યા છે. અહીં સ્વયંભૂ શિવલિંગ પર બારેમાસ અવિરત જળાભિષેક થાય છે. વિજ્ઞાન પણ આજદિન સુધી આ રહસ્યનો તાગ મેળવી શક્યું નથી. તેથી જ અહીં મહાદેવને ‘ઝરિયા મહાદેવ’ તરીકે ઓળખવામાં આવે છે. ચોટીલાથી આશરે 15 કિમી દૂર થાનગઢ રોડ પર આવેલું ઝરીયા મહાદેવ મંદિર એટલે પ્રભુ અને પ્રકૃતિનું રમણીય સંગમ.

Zariya Mahadev (2).jpg

કુંડનું પાણી લોકો પ્રસાદ તરીકે લે છે

ગુફામાં પથ્થરની એક મોટી શીલા નીચે સ્વયંભૂ મહાદેવ બિરાજમાન છે. શીલામાંથી ટપકતું પાણી આગળના એક કુંડમાં જમા થાય છે. જેને ભાવિકો પ્રસાદ તરીકે પીવે છે. ગુફામાં પ્રવેશતાની સાથે જાણે ઠંડુ બરફ જેવું વાતાવરણ અનુભવાય છે. ભરઉનાળે પણ આ જગ્યાએ આવી જ ઠંડક હોય છે અને શિવલિંગ પર પણ મેઘવર્ષાની જેમ પાણી ટપકતું રહે છે. ગુફાને અડીને વર્ષો જૂનો વડલો પણ છે. આ શિવલિંગનું પ્રાગટ્ય કેટલું જૂનું છે તે જાણી શકાયું નથી. વેરાન વગડામાં પણ દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે આવે છે.

શિવાલયની સામે આવેલું છે મહાકાળી માતાજીની ગુફા

આ ઝરીયા મહાદેવના ગુફામાં આવેલા શિવાલય સામે એક બીજી ગુફા છે. આ અંધારી ગુફામાં મહાકાળી માતાજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. શ્રાવણ માસમાં અસંખ્ય લોકો અહીં આવે છે. સૌરાષ્ટ્રના શહેરોના પર્યટકો અને છેક અમદાવાદ બાજુથી પણ શિવભકતો, શાળાઓના વિદ્યાર્થીઓ રમણીય સ્થળે પ્રવાસ માટે આવતાં હોય છે. ચોટીલા તાલુકાના અનેક પ્રાચીન રમણીય સ્થળોમાં આ ઝરીયા મહાદેવનું મંદિરનું પણ મહત્વ છે.