Dharm

દારુકા રાક્ષસીનો વધ કરવા પ્રગટ્યા ‘નાગેશ્વર’ મહાદેવ, અહીં શ્રીકૃષ્ણ પણ કરતા હતા રુદ્રાભિષેક

By GS Team
14 Aug 20263 mins read
TukuTouch Logo
દેવભૂમિ દ્વારકાથી 18 કિલોમીટર દૂર નાગેશ્વર મહાદેવ ગુજરાતનું બીજું જ્યોતિર્લિંગ છે. સુપ્રિયા નામની શિવભક્તને બચાવવા મહાદેવ પ્રગટ્યા અને રાક્ષસોનો નાશ કરી સ્વયંભૂ જ્યોતિર્લિંગ તરીકે સ્થાપિત થયા. અહીં 125 ફૂટ ઊંચી શિવની પ્રતિમા છે અને શિવલિંગ પર ચાંદીના નાગની આકૃતિ છે. આ દર્શનથી ભક્તો પાપમુક્ત થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દારુકા રાક્ષસીનો વધ કરવા પ્રગટ્યા ‘નાગેશ્વર’ મહાદેવ, અહીં શ્રીકૃષ્ણ પણ કરતા હતા રુદ્રાભિષેક
Shravan 2026, Nageshwar Jyotirlinga, Nageshwar Jyotirlinga Story, Nageshwar Jyotirling, Nageshwar Jyotirlinga History

Nageshwar Jyotirlinga: એક સમયે જ્યાં માત્ર નાગ જ રહેતા હતા, તેવા ભયંકર દારુકાવન ક્ષેત્રમાં આવેલું છે બીજું જ્યોતિર્લિંગ એટલે નાગેશ્વર મહાદેવ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકાધીશ મંદિરથી 18 કિલોમીટર દૂર આ જ્યોતિર્લિંગ આવેલું છે. ભગવાન શ્રીકૃષ્ણ પણ અહીં રુદ્રાભિષેક કરતા હોવાનું માનવામાં આવે છે. પુરાણોમાં જણાવ્યા અનુસાર, શિવજીને ‘નાગના દેવતા’ પણ ગણવામાં આવે છે. ભગવાન શિવના સહસ્ત્ર નામમાંથી એક નામ ‘નાગેશ્વર’ પણ છે. ભગવાન શિવના ગળા પર પણ નાગદેવતા હંમેશા હાજર હોય છે. એવી પણ માન્યતા છે કે, જે ભક્ત નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરી લે છે, તે જાણ્યે-અજાણ્યે થયેલા પાપમાંથી મુક્ત થઈ જાય છે અને દિવ્ય લોકમાં સ્થાન પામે છે.

Nageshwar Jyotirlinga.jpg

નાગેશ્વર મહાદેવની પૌરાણિક કથા

દંતકથા પ્રમાણે, દારુકા નામની રાક્ષસી દેવી પાર્વતીને રીઝવવા માટે મહાતપ કરે છે. ત્યારે તેના તપથી પાર્વતીજી પ્રસન્ન થાય છે. દારુકા રાક્ષસી માતાને કહે છે કે, ‘વનમાં ઘણી ઔષધિઓ હોય છે, જ્યાં લોકોને તેની જરૂર હોય ત્યાં હું વનને લઈ જઈ શકું એવું વરદાન આપો.’ માતાએ તેને સત્કર્મ કરવા માટે વરદાન આપી દીધું. શિવપુરાણ અનુસાર, સુપ્રિયા નામની શિવભક્ત અને અન્યોને દારુકાએ દારુકાવનમાં બંદી બનાવી રાખ્યા હતા. આ વન સર્પોનું હતું અને દારુકા તેમની સ્વામીની હતી. સુપ્રિયાના કહેવાથી સૌએ મહાદેવના જાપ શરૂ કર્યાં અને અંતે મહાદેવ પ્રગટ થાય છે. તેમણે રાક્ષસોનો નાશ કર્યો અને ત્યાં જ્યોતિર્લિંગ તરીકે સ્વયંભૂ સ્થાપિત થયા હતા. મરતા પહેલાં તે રાક્ષસીની ઈચ્છા અનુસાર, આ જગ્યાનું નામ ‘નાગેશ્વર’ રાખવામાં આવ્યું હતું.

Nageshwar Jyotirlinga (1).jpg

નાગેશ્વર મંદિરનું મહત્વ

રુદ્ર સંહિતામાં શિવને ‘દારુકાવન નાગેશમ’ તરીકે ઓળખાવ્યા છે. નાગેશ્વરને પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. આ જ્યોતિર્લિંગને મળતા આવતાં અન્ય દેવસ્થાનો જગતેશ્વર(અલ્મોડા, ઉત્તરાખંડ) અને ઔંધ (મહારાષ્ટ્ર)માં છે. શિવ પુરાણ અનુસાર, નાગેશ્વર દારુકાવન (એક પૌરાણિક જંગલનું નામ)માં આવેલું છે. અન્ય પ્રાચીન ગ્રંથો જેવા કે કામ્યકવન, દ્વૈતવન અને દંડકવન આદિમાં પણ દારુકવનનો ઉલ્લેખ આવે છે.

Nageshwar Jyotirlinga (3).jpg

શિવલિંગ પર ચાંદીના નાગની આકૃતિ

નાગેશ્વર મંદિરના પરિસરમાં ભગવાન શિવની ધ્યાનમુદ્રામાં એક વિશાળ મૂર્તિ જોવા મળે છે. આ મૂર્તિ 125 ફૂટ ઊંચી તથા 25 ફૂટ પહોળી પ્રતિમા પદ્માસન મુદ્રામાં બનેલી છે. ગર્ભગૃહ સભામંડપમાંથી પસાર થઈને અમુક દાદરા નીચે ઉતરો ત્યારે આવે છે જ્યોતિર્લિંગ. જેના ઉપર ચાંદીનું આવરણ ચઢેલું છે. જ્યોતિર્લિંગ ઉપર જ એક ચાંદીના નાગની આકૃતિ પણ બનેલી છે. નાગેશ્વર શિવલિંગ પાછળ માતા પાર્વતીજીની સુંદર મૂર્તિ સ્થાપિત છે. ગર્ભગૃહમાં પુરૂષ ભક્ત અભિષેક કરવા માટે ધોતી પહેરીને જ પ્રવેશ કરી શકે છે. શિવપુરાણ પ્રમાણે, નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા બાદ તેમની ઉત્પત્તિ અને માહાત્મ્ય સંબંધિત કથાને સાંભળવાથી દરેક પ્રકારના પાપ નષ્ટ થઇ જાય છે.

Nageshwar Jyotirlinga (2).jpg

નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ખુલવાનો સમય

નાગેશ્વર જ્યોતિર્લિંગમાં સવારે પાંચ વાગે આરતી થતી હોય છે. ભક્તોના દર્શન માટે મંદિર 6 વાગ્યાથી બપોરે 12-30 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે. સાંજે ચાર વાગે જ્યોતિર્લિંગનો શ્રૃંગાર થાય છે, તે પછી ગર્ભગૃહમાં પ્રવેશ બંધ થઈ જાય છે. સાંજે 5 વાગ્યાથી રાતે 9-30 વાગ્યા સુધી મંદિર શ્રૃંગાર દર્શન માટે ખુલે છે. આરતીનો સમય સાંજે 7 વાગ્યાનો છે. શિવરાત્રિ, શ્રાવણ સોમવાર તથા અન્ય વિશેષ તહેવારોના સમયે આ મંદિર વધારે સમય સુધી ખુલ્લુ રહે છે.