રાક્ષસના વધ બાદ કાર્તિકેય પસ્તાયા, મનની શાંતિ માટે કરી શિવજીની સ્થાપના; દિવસમાં બેવાર દરિયાદેવ કરે છે જળાભિષેક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Stambheshwar Mahadev: મધદરિયે આવેલું એક એવું શિવાલય જે દિવસમાં બેવાર જળમગ્ન થઈ જાય છે. આ વાત છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી-કંબોઈ ગામે આવેલા સ્તંભેશ્વર મહાદેવની. એવી માન્યતા છે કે, આ મંદિરની સ્થાપના શિવજીના મોટા પુત્ર કાર્તિકેય સ્વામીએ કરી હતી. સ્તંભેશ્વર મહાદેવનું શિવાલય અરબ સાગરમાં કેમ્બે તટ ઉપર બનેલું છે. દિવસમાં સવાર અને સાંજે જ્યારે દરિયામાં ભરતી આવે છે, ત્યારે મંદિર જળમગ્ન થઈ જાય છે. સોમવારના દિવસે અહીં મોટી સંખ્યામાં શિવભક્તો આવે છે અને મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. તો આવો જાણીએ આ મંદિર સાથે જોડાયેલી કેટલીક રોચક માહિતી…

શિવપુરાણમાં પણ મંદિરનો ઉલ્લેખ
શિવપુરાણના રુદ્ર સંહિતામાં સ્તંભેશ્વર મહાદેવનો ઉલ્લેખ જોવા મળે છે. આ ઉપરાંત વેદવ્યાસજી દ્વારા લખાયેલા સ્કંદ પુરાણમાં પણ આ શિવલિંગનો ઉલ્લેખ જોવા મળે છે. આ મંદિરમાં 4 ફૂટ ઊંચું અને 2 ફૂટ પહોળું શિવલિંગ સ્થાપિત છે. મંદિરની આસપાસ અરબસાગર છે અને ભરતીના સમયે ખૂબ જ સાવચેતી રાખવી પડે છે.

શું છે સ્તંભેશ્વર મહાદેવની પૌરાણિક કથા?
એવી માન્યતા છે કે, આ મંદિરની સ્થાપના શિવજીના મોટા પુત્ર કાર્તિકેય સ્વામીએ કરી હતી. તારકાસુર નામના એક રાક્ષસને વરદાન હતું કે, તેને શિવજીના બાળક સિવાય કોઈ નહીં મારી શકે. તે સમયે દેવી સતીએ દક્ષના યજ્ઞ કુંડમાં કૂદીને પ્રાણ ત્યજયા હતાં. તેને કારણે શિવજી વિયોગમાં હતા. ત્યારે તારકાસુર છકી ગયો અને તેનો આતંક વધી ગયો.

તારકાસુરના આતંકથી કંટાળીને દેવતાઓએ અને ઋષિ-મુનિઓએ શિવજીને પ્રાર્થના કરી હતી કે, તેઓ દેવી પાર્વતી સાથે લગ્ન કરી લે. દેવી પાર્વતીએ પણ શિવજીને પતિ સ્વરૂપે મેળવવા માટે કઠોર તપ કર્યું હતું. તપથી પ્રસન્ન થઈને શિવજીએ દેવી પાર્વતી સાથે લગ્ન કરી લીધા. થોડા સમય બાદ કાર્તિકેય સ્વામીનો જન્મ થયો અને થોડા સમય બાદ તેમણે તારકાસુરનો વધ કર્યો હતો. પછી જ્યારે કાર્તિકેય સ્વામીને જાણ થઈ કે, તારકાસુર શિવભક્ત હતો તો તેમને ખૂબ જ પસ્તાવો થયો હતો. ત્યારે ભગવાન વિષ્ણુએ કાર્તિકેય સ્વામીને કહ્યું હતું કે, જે સ્થળે તે તારકાસુરનો વધ કર્યો હતો, ત્યાં શિવમંદિરની સ્થાપના કરવી જોઈએ. જેથી તમારા મનને શાંતિ મળી શકે. વિષ્ણુજીની વાત માનીને કાર્તિકેય સ્વામીએ ‘સ્તંભેશ્વર મહાદેવ’ની સ્થાપના કરી હતી.
સ્થાપના બાદ યુગો સુધી આ તીર્થ ગુપ્ત હતું
કાર્તિકેય સ્વામીએ અહીં શિવલિંગની સ્થાપના કરી, ત્યારબાદ યુગો સુધી આ તીર્થ ગુપ્ત હતું. તેથી તેને ‘ગુપ્ત તીર્થ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. છેલ્લી કેટલીક સદીઓથી જ આ શિવલિંગ ભક્તોને દર્શન આપી રહ્યું છે. આ ઉપરાંત અહીં 7 નદીઓનો સંગમ થાય છે. તેથી તે ‘સંગમતીર્થ’ તરીકે પણ ઓળખાય છે. આ શિવલિંગની વિશેષતા એ છે કે, દિવસમાં બે વખત ખુદ સમુદ્ર દેવતા ભગવાન શિવનો અભિષેક કરવા આવે છે. 24 કલાકમાં બે વખત આ શિવલિંગ તથા મંદિર દરિયામાં સમાઈ જાય છે. દરિયાલાલ જ્યારે ભગવાનને અભિષેક કરવા સુસવાટાભેર આગળ ધપે છે, ત્યારે વાતાવરણ અલૌકિક બની જાય છે અને શ્રદ્ધાળુઓ શિવમય બની જાય છે.
ભગવાનના દર્શન માત્ર 5 કે 6 કલાક જ થઈ શકે છે. હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે આ સ્થાન આસ્થાનું અનેરું કેન્દ્ર બન્યું છે. અહીં રોજેરોજ હજારો શ્રદ્ધાળુઓ ઉમટે છે અને ભગવાન શિવના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે. માત્ર ગુજરાત જ નહીં અન્ય રાજ્યોમાંથી પણ ભગવાનના દર્શને શ્રદ્ધાળુઓ આવે છે.









