રવિવારે શરદ પૂર્ણિમા : ચંદ્રની નજીક શનિદેવના દર્શન થશે, જાણો શરદ પૂનમે કયા ભગવાનને પૂજાય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sharad Purnima 2026: રવિવાર તા. 25 ઓક્ટોબરના રોજ શરદ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે અને તે દિવસે સાંજે સૂર્યાસ્ત પછી 76 ડિગ્રી જ શનિદેવના દર્શન થશે. આ સમયે ચંદ્ર પૃથ્વીથી 3.67 લાખથી 3.76 લાખ કિલોમીટર દૂર રહીને ધરતી પર શીતળ ચાંદનીની અમૃતવર્ષા કરશે. સૂર્યાસ્ત પછી આશરે પોણોથી એક કલાક બાદ ચંદ્રના દર્શન સ્પષ્ટ રીતે થતા હોય છે. પૂર્વ દિશામાં પૃથ્વીના વાતાવરણના આછા આવરણમાંથી દેખાતા ચંદ્રનું રૂપ ખૂબ જ ભવ્ય અને થાળી જેવડો મોટો લાગે છે.
પૂર્વ દિશામાં નજર કરતાં જ ભવ્યાતિભવ્ય સોળે કળાએ ખીલેલા ચંદ્રદેવના દર્શન થાય છે અને તેની નજીક જ ચમકતા સુવર્ણ તારા જેવા દેખાતા, જે પૃથ્વીથી આશરે 127 કરોડ કિલોમીટર દૂર હોય છે. તા. 25ના સવારે 11.55થી તા. 26ના સવારે 9.41 વાગ્યા સુધી આસો સુદ પુનમની તિથિ છે, જે અન્વયે તા. 25ના રોજ શરદ પૂર્ણિમા ઉજવાય છે. ખગોળીય દ્રષ્ટિએ તા. 25ના રોજ ચંદ્રોદય સાંજે 5.30 વાગ્યાની આસપાસ થશે, અને પુનમના દિવસે ચંદ્ર 99.6 ટકા એટલે કે પૂર્ણતઃ પ્રકાશિત જોવા મળશે. હાલ ગુજરાતમાં એકંદરે સ્વચ્છ આકાશ હોવાને કારણે શરદ પુનમના ચંદ્રના મન-મગજને શીતળતા આપતા મનોહર અને નયનરમ્ય દર્શનનો લહાવો મળશે. અંગ્રેજીમાં ઓક્ટોબરના ફૂલ મૂનને 'હન્ટર્સ મૂન' કહેવામાં આવે છે.
શરદ પૂર્ણિમાએ દૂધ-પૌંઆ કે ખીર ખાવાનું સ્વાસ્થ્યવર્ધક રહસ્ય
શરદ પુનમના દિવસે ઘરે-ઘરે તેમજ જાહેર કાર્યક્રમોમાં દૂધ-પૌંઆ કે ખીરનો પ્રસાદ ધરવાની અને ખાવાની પરંપરા સદીઓ જૂની છે, જેની પાછળ આરોગ્ય સાચવવાનું મોટું વિજ્ઞાન છુપાયેલું છે. આયુર્વેદ અનુસાર શરદ ઋતુમાં પિત્ત પ્રકોપ વધતો હોય છે, જેને એલોપથીમાં એસિડિટી કહેવાય છે અને તે એકથી અનેક ગંભીર રોગો પેદા કરી શકે છે.
- દૂધ-પૌંઆ અથવા ખીર ખાવાથી પિત્તનું શમન થાય છે.
- તે શરીરને ત્વરિત ઊર્જા આપે છે પરંતુ લોહીમાં સુગરનું પ્રમાણ ઝડપથી વધારતી નથી.
- તેમાં ઘઉં જેવા ગ્લુટેનનું કોઈ જોખમ હોતું નથી.
- કેલ્શિયમ અને આયરનનું પ્રમાણ વધારવા માટે પણ આ આહાર ઉત્તમ છે.
- પાચનની દ્રષ્ટિએ આ ખોરાક સાપેક્ષમાં હળવો રહે છે.
અલબત્ત, દૂધ-પૌંઆમાં ખાંડ ઉમેરવાને બદલે શક્ય હોય તો ભૂરું કે ખડી સાકરનો ઉપયોગ કરવો ઉત્તમ છે અને જો તે શક્ય ન બને તો ખાંડનું પ્રમાણ એકદમ નહિવત રાખવું જરૂરી છે.
ચંદ્રની 16 કળા અને શરદ પૂનમની ખગોળીય વિશેષતાઓ
શરદ પુનમની રાત્રે તમામ કળા પૂર્ણ કરીને ચંદ્ર 16 કળાએ ખીલી ઉઠે છે. આ 16 કળા એટલે પખવાડિયામાં 15 દિવસ દરમિયાન ચંદ્રની જોવા મળતી ભિન્ન ભિન્ન આકૃતિ, સ્થિતિ કે કળા જેને માણસો નિહાળી શકે છે. આ ઉપરાંત એક 16મી કળા એવી હોય છે જે માનવ આંખથી જોઈ શકાતી નથી પરંતુ તેની હાજરી ચોક્કસપણે હોય છે અને આ કળા પરાશક્તિ સંચાલિત ગણાય છે.
શરદપૂનમના દિવસે કયા દેવી-દેવતાઓની થાય છે પૂજા?
ભારતમાં કોઈપણ ખગોળીય ઘટનાને માત્ર વિજ્ઞાન સાથે જ નહીં પરંતુ અધ્યાત્મ સાથે પણ જોડવામાં આવી છે. શરદ પુનમના દિવસે અને રાત્રે (1) રાધા-કૃષ્ણ, (2) લક્ષ્મી-નારાયણ - જેમાં ખાસ કરીને આ દિવસે લક્ષ્મીપૂજનનું સવિશેષ મહત્વ છે, (3) શિવ-પાર્વતી, (4) ઇન્દ્ર અને ઐરાવત, તેમજ (5) સોમદેવ તરીકે ઓળખાતા ચંદ્રનું ભાવિકો પોતાની આસ્થા મુજબ પૂજન કરતા હોય છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ જ્યોતિર્લિંગનું નામ, સ્થાપના અને તેનો ઇતિહાસ પણ ચંદ્ર સાથે સીધો જોડાયેલો છે.
મહત્વની વિશેષતા: સાંજે 5.30 વાગ્યે ચંદ્રનો ઉદય થશે પરંતુ તે સૂર્યાસ્ત પછી જ પૂર્વ દિશામાં દેખાશે, અને રાત્રે 99.6 ટકા પૂર્ણ પ્રકાશ સાથે ચંદ્ર સોળે કળાએ ખીલી ઉઠશે.




