Dharm

7 ફૂટનું શિવલિંગ, દરરોજ સૂર્યદેવ કરે છે કિરણોથી અભિષેક; જાણો ‘તડકેશ્વર મહાદેવ’નો ઇતિહાસ

By GS Team
26 Aug 20262 mins read
TukuTouch Logo
વલસાડના અબ્રામા ગામે વાંકી નદી કિનારે 800 વર્ષ જૂનું તડકેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. અહીં સૂર્યનારાયણ રોજ મહાદેવનો કિરણોથી અભિષેક કરે છે. એક ગોવાળિયાની ગાય દૂધની ધારા કરતી, ત્યાંથી 7 ફૂટનું શિવલિંગ મળ્યું. મહાદેવે સપનામાં છત્ર ન બનાવવા આદેશ આપતા, આજે પણ ખુલ્લા શિખરથી સૂર્યકિરણો શિવલિંગ પર પડે છે. 1994માં મંદિરનો જીર્ણોદ્ધાર થયો.

Summarized by AI; it may make mistakes. Check important info

7 ફૂટનું શિવલિંગ, દરરોજ સૂર્યદેવ કરે છે કિરણોથી અભિષેક; જાણો ‘તડકેશ્વર મહાદેવ’નો ઇતિહાસ

Tadkeshwar Mahadev: ગુજરાતના દક્ષિણ છેડે વલસાડ જિલ્લામાં વાંકી નદીના કિનારે આવેલા અબ્રામા ગામમાં બિરાજમાન છે તડકેશ્વર મહાદેવ. આ મંદિરમાં ભગવાન સૂર્યનારાયણ દરરોજ મહાદેવનો કિરણોથી અભિષેક કરે છે. આવો જાણીએ આ શિવાલયની રોચક કથા…

શું છે પૌરાણિક કથા?

એક દંતકથા પ્રમાણે, 800 વર્ષ પહેલાં એક ગોવાળિયાની ગાય ધણમાંથી છૂટીને ગાઢ જંગલમાં જતી રહેતી અને એક જગ્યાએ ઊભી રહીને દૂધની ધારા કરતી હતી. આ રીતે ગોવાળિયાએ કેટલાય દિવસ સુધી જોયું અને પછી અબ્રામામાં આવીને ગામલોકોને સમગ્ર ઘટનાની જાણ કરી. ત્યારબાદ ગામના લોકોએ ત્યાં જઈને તપાસ કરી તો એ સ્થળેથી એક મોટી શિલા મળી આવી હતી.

Tadkeshwar Mahadev.jpg

મહાદેવે સપનામાં આવીને આદેશ કર્યો

ત્યારબાદ ગોવાળિયાએ દરરોજ જંગલમાં જઈને એ શિલાની પૂજા-અર્ચના શરૂ કરી હતી. ગોવાળિયાની આવી શ્રદ્ધા જોઈને શિવજી પ્રસન્ન થયા અને એક દિવસ સપનામાં આવીને દર્શન આપ્યા. મહાદેવે ગોવાળિયાને આદેશ આપતા કહ્યું કે, ‘ઘનધોર વનમાં આવીને કરવામાં આવતી સેવાથી હું પ્રસન્ન થયો છું. હવે મને અહીંથી દૂર કોઈ પાવન જગ્યાએ લઈ જઈને સ્થાપિત કરો.’ ગોવાળિયાએ ગામલોકોને સપનામાં મળેલા આદેશની વાત જણાવી.

Tadkeshwar Mahadev (1).jpg

વિધિવિધાન સાથે પ્રાણપ્રતિષ્ઠા કરી

ગોવાળિયાની વાત સાંભળીને બધા શિવભક્તો વનમાં આવ્યા. ત્યારબાદ ગોવાળિયાની દેખરેખમાં તે જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું હતું, જ્યાંથી સાત ફૂટની શિલા શિવલિંગ સ્વરૂપે મળી આવી હતી. પછી ગામના લોકોએ પાવન શિલાને તડકેશ્વર મંદિરમાં વિધિ-વિધાન સાથે પ્રાણ પ્રતિષ્ઠિત કરી હતી. આ સાથે જ ચારેય બાજુ દિવાલ બનાવીને ઉપર છત્ર રાખ્યું હતું. ગામના લોકોએ જોયું કે ,થોડા જ સમયમાં તે છત્ર જાતે પડી ગયું હતું.

Tadkeshwar Mahadev (2).jpg

આ મંદિર ઉપર છત ટકતી નથી

ત્યારબાદ ફરીવાર ત્યાં છત બનાવી, તો વધુ એકવાર છત પડી ગઈ. ત્યારે સતત આવી ઘટના બનતા ગામલોકો આશ્ચર્યમાં મૂકાયા હતા. ગામના લોકો છત બનાવવા માટે સતત કોશિશ કરી રહ્યા હતા. ત્યારે ગોવાળિયાને ભગવાને ફરી સપનામાં આવીને જણાવ્યું કે, ‘હું તડકેશ્વર મહાદેવ છું. મારી ઉપર કોઈ છત્ર બનાવશો નહીં.’ પછી ગોવાળિયાએ ગામલોકોને વાત કરતા બધાએ શિવજીના આદેશને માની લીધો. લોકોએ ભવ્ય મંદિર બનાવ્યું પરંતુ શિખરનો ભાગ ખુલ્લો રાખ્યો હતો, જેથી સૂર્યના કિરણો હંમેશાં શિવલિંગ ઉપર અભિષેક કરે છે.

1994માં મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો

વર્ષ 1994માં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરી 20 ફૂટના ગોળાકાર આકૃતિમાં ખુલ્લા શિખરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પાવન શ્રાવણ મહિનામાં અને મહાશિવરાત્રિએ અહીં વિશાળ મેળો ભરાય છે.