યોમિફ કેજેલ્ચા : એથ્લેટિક્સ જગત પર છવાઈ ગયેલો ઈથોપિયાનો માઈલસ્ટોન મેન

- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
- ઈથોપિયામાં અત્યંત સાધારણ અને બહોળા પરિવારમાં જન્મેલો યોમિફ બબ્બે વખત હાફ મેરેથોનનો વર્લ્ડ રેકોર્ડ નોંધાવી ચૂક્યો છે : યોમિફને એક સમયે પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો હતો
સ્વ પ્નને પામવા માટે પરિસ્થિતિની સામે લડવાનો જુસ્સો પણ કેળવવો પડે અને દરેક પ્રકારના સંઘર્ષમાંથી પસાર થવાની તૈયારી પણ રાખવી પડે. જ્યારે આત્મશ્રધ્ધાની જ્યોતિ અંતરમનમાં અખંડ અને અવિરતપણે પ્રજ્વલ્લિત હોય, ત્યારે બહારના તોફાનો પર તેની કોઈ ખાસ અસર પડતી નથી. સ્વપ્નને સાકાર કરવાના ધ્યેયને વળગી રહેવાની ઈરાદાની સાથે દરરોજના પ્રયાસોને જારી રાખવામાં આવે તો આ દુનિયામાં કશુ પણ અશક્ય નથી અને આ હકીકતનો જિવંત પુરાવો એટલે ઈથોપિયાનો ૨૯ વર્ષનો એથ્લીટ યોમિફ કેજેલ્યા.
એથ્લેટિક્સમાં માનવીય ધીરજ અને સંઘર્ષના સીમાડાની કસોટી કરતી હાફ મેરેથોન અને મેરેથોનની રેસમાં છેલ્લા કેટલાક સમયથી યોમિફ કેજેલ્યાનું નામ ગાજતું રહ્યું છે. મેરેથોન રેસ બે કલાક કરતાં ઓછા સમયમાં પુરી કરવાની સિદ્ધિ હાલમાં દુનિયામાં માત્ર બે જ એથ્લીટ્સ ધરાવે છે, જેમાં સેબાસ્તીયન શાની સાથે યોમિફ કેેજેલ્ચા પણ સામેલ છે. આ રેકોર્ડમાં યોમિફની વિશેષતા એ છે કે, કારકિર્દીમાં પહેલી જ વખત મેરેથોન રેસમાં ભાગ લઈને તેણે આ સિદ્ધિનું શિખર સર કર્યું હતુ.
યોમિફે તાજેતરમાં આર્જેન્ટીનાના બ્યુનોસ એયર્સ ખાતે યોજાયેલી હાફ મેરેથોન રેસ માત્ર ૫૬ મિનિટ અને ૫૧ સેકન્ડમાં પુરી કરી હતી અને આ સાથે તેણે વર્લ્ડ રેકોર્ડ પાછો મેળવી લીધો હતો. યોમિફે યુગાન્ડાના જેકોબ કિપ્લિમોએ લિસ્બનમાં નોંધાવેલા ૫૭ મિનિટ અને ૨૦ સેકન્ડના વર્લ્ડ રેકોર્ડમાં ૨૯ સેકન્ડ જેટલો સુધારો કર્યો હતો.
હાફ મેરેથોનના વર્લ્ડ રેકોર્ડ માટે યોમિફ અને જેકોબ વચ્ચેની છેલ્લા પાંચ વર્ષથી સ્પર્ધા ચાલી રહી છે. પોર્ટુગલના લિસ્બનમાં નવેમ્બર-૨૦૨૧ના રોજ યોજાયેલી હાફ મેરેથોનમાં જેકોબે ૫૭ મિનિટ અને ૩૧ સેકન્ડનો સમય આપીને અગાઉનો વર્લ્ડ રેકોર્ડ ૦.૦૧ સેકન્ડથી તોડી નાંખ્યો હતો. આ વર્લ્ડ રકોર્ડના ત્રણ વર્ષ બાદ ૨૦૨૪માં યોમિફે સ્પેનના વાલેન્સિયામાં ૫૭ મિનિટ અને ૩૦ સેકન્ડના સમયમાં હાફ મેરેથોન પુરી કરીને અગાઉના વર્લ્ડ રેકોર્ડમાં ૦.૧૦ સેકન્ડનો સુધારો કર્યો હતો. ચાલુ વર્ષે જેકોબે લિસ્બનમાં જ યોમિફનો વર્લ્ડ રકોર્ડ ૦.૨૦ સેકન્ડથી તોડી નાંખ્યો હતો. જોકે પાંચ જ મહિના બાદ યોમિફે ૦.૨૯ સેકન્ડથી જેકોબનો વર્લ્ડ રેકોર્ડ તોડીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો.
મેરેથોન અને હાફ મેરેથોનની સાથે સાથે ૧૦૦૦ મીટરથી લઈને ૧૦,૦૦૦ મીટરની દોડમાં પણ યોમિફ ભાગ લેતો રહ્યો છે. તેણે ૧૦,૦૦૦ મીટરની દોડમાં ૨૦૧૯ની દોહા અને ૨૦૨૫ની ટોકિયો વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક હાંસલ કર્યા હતા. ઈથોપિયાના ઓલિમ્પિક લેજન્ડ કેનેનિસા બેકેેલેને પ્રેરણાસ્ત્રોત માનીને આગળ વધી રહેલા યોમિફની વર્લ્ડ ઈન્ડોર ચેમ્પિયનશિપમાં ત્રણ હજાર મીટરની દોડમાં બે વખત સ્વર્ણિમ સફળતા પણ મેળવી હતી. આ ઉપરાંત વર્લ્ડ રોડ ચેમ્પિયનશિપ અને ડાયમંડ લીગમાં પાંચ હજાર મીટરની દોડમાં પણ તેણે ટાઈટલ જીતવામાં સફળતા મેળવી છે.
લાંબા અંતરની દોડમાં એથ્લીટ કારકિર્દીની શરૂઆત એક હજાર કે પંદરસો મીટરની દોડ થી કરે છે અને ધીરે-ધીરે તે અંતરને વધારતો જાય છે. યોમિફેે પણ તેના સાથી ખેલાડીઓની જેમ આ જ પ્રકારે તેની કારકિર્દીને આગળ ધપાવી છે. હવે તે માત્ર હાફ મેરેથોન અને મેરેથોન રેસમાં જ ભાગ લેવા તરફ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યો છે. આમ પણ, કેન્યા, ઈથોપિયા તેમજ યુગાન્ડા જેવા દેશોના ખેલાડીઓનો દબદબો લાંબાં અંતરની દોડ સ્પર્ધાઓમાં જોવા મળતો રહ્યો છે. અત્યંત ગરીબી અને નહીંવત્ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા આ દેશોના ખેલાડીઓ પોતાની પ્રતિભા અને સખત મહેનતના જોરે આધુનિક સુવિધાઓ અને ટેકનોલોજીથી સજ્જ જેવા યુરોપીયન સ્ટેડિયમો અને રસ્તાઓ પર તેમના ખેલાડીઓ અને પ્રેક્ષકોએ તાળીઓ પાડવા માટે મજબૂર કરી દે છે.
ઈથોપિયાના ઓરોમિયામાં આવેલા શોવા વિસ્તારમાં રહેતા કેજેલ્ચા એટોમા અને બિરિટુ નેગેસાના બહોળા પરિવારમાં પાંચમા સંતાન તરીકે યોમિફનો જન્મ થયો હતો. યોમિફનો દોસ્ત એબેબે ડ્રિબ્સા વિવિધ દોડ સ્પર્ધાઓમાં ભાગ લેતો. ડ્રિબ્સાના ચંદ્રકોના ચમકારો યોમિફની આંખોમાં ઉતરી ગયો અને તે જ ચમકારાના સહારે તેણે ધીરે ધીરે એથ્લેટિક્સ પર ધ્યાન કેન્દ્રીત કરવાની શરુઆત કરી. ઈથોપિયા પાસે મહાન એથ્લીટસની કમી નહતી.
આઠ ભાઈભાંડુઓની સાથે મર્યાદિત સગવડો અને સુવિધાની વચ્ચે ઉછરેલા યોમિફને એથ્લેટિક્સમાં જ આગળ વધવું હતુ અને આ કારણે તેણે નવમા ધોરણમાં તો સ્કૂલમાં જવાનું પણ બંધ કરી દીધું. તે સવાર-સાંજ માત્ર પ્રેક્ટિસ કરવા તરફ ધ્યાન આપતો. તેને લાગતું જ ઈથોપિયાના દિગ્ગજ એથ્લીટ્સની જેમ તે પણ દુનિયાભરમાં રેસ જીતશે અને નામ અને દામ કમાશે. જોકે, કિશોરવયના યોમિફનો આ વિચાર પિતાના ગળે ન ઉતર્યો. તેમણે તેને બધુ છોડીને માત્ર અભ્યાસ પર ધ્યાન આપવાની ફરજ પાડી. યોમિફ પોતાના નિર્ણય પર અડગ હતો અને આ કારણે તેને ઘરમાંથી કાઢી મૂક્યો.
પિતા અને પુત્રના ટકરાવમાં તેની માતાની હાલત કફોડી બની. બિરિટુએ ગમે તેમ કરીને પુત્રને થોડા દિવસ ઘરથી દુર એક ઓળખીતાની પાસે રહેવા માટે સમજાવ્યો. આ દરમિયાન તેણે વચ્ચેનો રસ્તો કાઢતાં પુત્રને પોલીસ ફોર્સમાં નોકરી લેવા માટે સમજાવી દીધો. જેથી તેની પ્રેક્ટિસ પણ ચાલુ રહે અને ઘરમાં એક આવકનો સ્રોત વધે. બિરિટુની આ ગોઠવણથી યોમિફના પિતા એટોમાને પણ ગમી અને આમ તેની ઘરવાપસી થઈ. પોલીસની ટ્રેનિંગ માટે તૈયારી કરવા તે બુરાયુ કેનેમા કલબમાં જોડાયો અને ઈથોપિયાની રાજધાની એડિસ અબાબાની બહારના વિસ્તારમા તેણે પ્રેક્ટિસ શરૂ કરી.
લાંબા અંતરની દોડમાં સતત પોતાની જાતને પ્રોત્સાહિત કરતા રહીને આગળ વધવાનું હોય છે. તેની સાથે સાથે હરિફો પર પણ નજર રાખવી પડે છે. યોમિફ અનુભવી એથ્લીટ્સની વચ્ચે તૈયાર થયો અને તેણે ટૂંકા ગાળામાં જ આગવી પ્રતિભાનો ચમકારો દેખાડવાનો શરુ કરી દીધો. માત્ર ૧૬ વર્ષની વયે તેણે ઈથોપિયાની ૩૦૦૦ મીટરની દોડમાં રાષ્ટ્રીય વિજેતા તરીકેની સિદ્ધિ હાંસલ કરી લીધી. આ જ વર્ષે તેણે વર્લ્ડ યુથ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં અને ૨૦૧૪ના યુથ ઓલિમ્પિકમાં પણ સુવર્ણ ચંદ્રક હાંસલ કર્યો હતો.
યોમિફ કારકિર્દીની શરૂઆતમાં ત્રણ હજાર અને પાંચ હજાર મીટરની દોડમાં ભાગ લેતો. આ દરમિયાન ત ૧૯ વર્ષની વયે અમેરિકાના પોર્ટર લેન્ડમાં યોજાયેલી વર્લ્ડ ઈન્ડોર ચેમ્પિયનશિપમાં ૩૦૦૦ મીટરમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યો. આ ટાઈટલ તેણે ૨૦૧૮માં પણ જાળવી રાખ્યું. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તે ૧૦,૦૦૦ મીટરમાં બે વખત રજત ચંદ્રક જીતવામાં સફળ રહ્યો હતો. જોકે ઓલિમ્પિકમાં થોડા માટે ચંદ્રક ચૂકી જવાનો અફસોસ તેને હજુ છે. ટોકિયો ઓલિમ્પિકમાં આઠમા અને પેરિસ ઓલિમ્પિકમાં પાંચમા ક્રમે રહેલા આ એથ્લીટનો જુસ્સો હાફ મેરેથોનના રેકોર્ડ પછી બેેવડાયો છે. તેણે ઓલિમ્પિકમાં ચંદ્રક જીતવાની આશા હજુ છોડી નથી. તેની સાથે સાથે મેરેથોનમાં પણ કારકિર્દીને આગળ ધપાવવાનો નિર્ણય લીધો છે.પોતાની કારકિર્દીની રાહ જાતે કંડારનારા યોમિફની પ્રતિભાને આજે દુનિયા સલામ ભરી રહી છે અને તે નવા સીમાચિહ્નોને સર કરવા તરફ મીટ માંડી રહ્યો છે.




